<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

અદાણી ડિફેન્સ દ્વારા નિર્મિત ‘બઘીરા AT1’ મિસાઇલનું પોખરણમાં સફળ પરીક્ષણ

એક જ લેઝર બીમથી બે મિસાઇલ ફાયર કરવાની ક્ષમતા સાથે આઠ કિમી સુધીનાં સશસ્ત્ર લક્ષ્યોને ભેદી શકશે, સંરક્ષણ ક્ષેત્રે ‘આત્મનિર્ભર ભારત’ની દિશામાં વધુ એક કદમ, દેશની સરંક્ષણ શસ્ત્રોની નિકાસ વધીને ૩૮ હજાર કરોડને પાર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૩ :  અદાણી ગ્રુપની સંરક્ષણ ક્ષેત્રની કંપની અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસે રાજસ્થાનના પોખરણ ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે પોતાની વાહન આધારિત એન્ટી-ટેન્ક ગાઇડેડ મિસાઇલ સિસ્ટમ ‘બઘીરા AT1’નું સફળ પ્રદર્શન કર્યું છે. વીસ નવેમ્બરના રોજ યોજાયેલા આ પરીક્ષણ દરમિયાન ચાર મિસાઇલોનું સફળ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ભારતીય સેના, ડિપાર્ટમેન્ટ ઑફ મિલિટરી અફેર્સ અને સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં આ પ્રદર્શન યોજાયું હતું.

આ મિસાઇલ સિસ્ટમની વિશેષતા એ છે કે તે આઠ કિલોમીટર સુધીનાં સશસ્ત્ર લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. લેઝર બીમ આધારિત ગાઇડન્સ ટેક્નોલોજીના કારણે ઇલેક્ટ્રોનિક જામિંગ સામે પણ ઊંચી પ્રતિરોધક ક્ષમતા ધરાવે છે. એક જ લેઝર બીમ પર ઝડપથી બે મિસાઇલ ફાયર કરવાની વ્યવસ્થા ટૅન્કની એક્ટિવ પ્રોટેક્શન સિસ્ટમને નિષ્ક્રિય કરવામાં મદદરૂપ થવા માટે તૈયાર કરાઈ છે.

અદાણી ડિફેન્સ દ્વારા ભારતીય સેનાની જરૂરિયાતો અને દેશની ભૌગોલિક તથા આબોહવાની પરિસ્થિતિને અનુરૂપ આ સિસ્ટમ વિકસાવવા અઢાર મહિનાની ડિઝાઇન અને ડેવલપમેન્ટ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ચાર બાય ચાર હાઇ-મોબિલિટી આર્મર્ડ વાહન પર સ્થાપિત આ સિસ્ટમમાં ઑટોમેટેડ લોન્ચર, દિવસ-રાત કાર્યરત થર્મલ ઇમેજિંગ સાઇટ્સ અને ટાર્ગેટ ટ્રેકિંગની સુવિધા છે. લોન્ચરમાં ચાર તૈયાર મિસાઇલો અને વાહનમાં આઠ વધારાની મિસાઇલો મળી કુલ બાર મિસાઇલોની ક્ષમતા છે.

આ સિસ્ટમ દિવસ અને રાત્રે લક્ષ્ય પર પ્રહાર કરવાની સાથે વધુ અંતરે હવાઈ લક્ષ્યોને નિશાન બનાવવાની ક્ષમતા પણ ધરાવે છે. ‘શૂટ એન્ડ મૂવ’ ટેક્નોલોજીના કારણે હુમલો કર્યા બાદ વાહન ઝડપથી પોતાનું સ્થાન બદલી શકે છે, જેથી દુશ્મનના વળતા હુમલાનું જોખમ ઘટે છે. બઘીરા AT1નું સફળ પ્રદર્શન ભારતીય સશસ્ત્ર દળોની એન્ટી-ટેન્ક ક્ષમતામાં વધારો કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું છે. સાથે જ અદ્યતન શસ્ત્રપ્રણાલીઓના સ્વદેશી વિકાસ, ઉત્પાદન અને ટેક્નોલોજીના ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાના પ્રયાસોને પણ વેગ આપે છે.

નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતનું સંરક્ષણ ઉત્પાદન રેકોર્ડ રૂ. ૧.૭૮ લાખ કરોડ સુધી પહોંચ્યું હતું. તેમાં ખાનગી ક્ષેત્રનો હિસ્સો એક વર્ષ અગાઉના ૨૨ ટકાથી વધીને ૨૪ ટકા એટલે કે આશરે રૂ. ૪૨,૦૦૦ કરોડ થયો હતો. આ દરમિયાન ભારતની સંરક્ષણ નિકાસ પણ રેકોર્ડ રૂ. ૩૮,૪૨૪ કરોડ સુધી પહોંચી હતી.

(9:40 AM IST)