News of Wednesday, 13th May 2026
પાકિસ્તાનમાં બલૂચ મજૂરો પર લોહીની હોળી: ગ્વાદરમાં કોસ્ટ ગાર્ડના અંધાધૂંધ ગોળીબારમાં અનેક મજૂરોના મોત, હોસ્પિટલોમાં એમ્બ્યુલન્સ ખૂટી પડી!
કુંતાની વિસ્તારમાં કામ કરી રહેલા નિર્દોષ બલૂચો પર પાકિસ્તાની દળો ત્રાટક્યા; રહેવાસીઓએ ખભા પર ઊંચકીને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા, બલૂચ સંગઠનોમાં ભભૂકતો રોષ

બલૂચિસ્તાન (ગ્વાદર), તા.૧૩: પાકિસ્તાનના ગ્વાદર જિલ્લામાં ફરી એકવાર લોહિયાળ રમત રમાઈ છે. ગ્વાદરના જીવાની પાસે આવેલા કુંતાની વિસ્તારમાં પાકિસ્તાની કોસ્ટ ગાર્ડના જવાનોએ કોઈ પણ ઉશ્કેરણી વગર બલૂચ મજૂરો પર કથિત રીતે અંધાધૂંધ ગોળીબાર કર્યો હોવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આ હુમલામાં અનેક મજૂરો ઘટનાસ્થળે જ ઢળી પડ્યા હતા, જ્યારે ડઝનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઘટનાને પગલે સમગ્ર બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સૈન્ય અને સરકાર સામે આક્રોશની જ્વાળા ભભૂકી ઉઠી છે.
નિયમિત કામ કરી રહેલા મજૂરો પર ગોળીઓનો વરસાદ
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, દરિયાકાંઠાના પટ્ટીમાં ગરીબ મજૂરો જ્યારે પોતાની રોજીરોટી માટે કામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક પાકિસ્તાની કોસ્ટ ગાર્ડના કર્મચારીઓએ તેમને નિશાન બનાવી ગોળીબાર શરૂ કર્યો હતો. અચાનક થયેલા આ હુમલાથી વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકો જીવ બચાવવા સુરક્ષિત સ્થળોએ દોડવા લાગ્યા હતા. બલૂચ સંગઠનોએ આ ઘટનાને "કુંતાની હત્યાકાંડ" તરીકે ઓળખાવી છે અને દાવો કર્યો છે કે પાકિસ્તાની રાજ્ય દ્વારા ઇરાદાપૂર્વક બલૂચ સમુદાયને આર્થિક અને શારીરિક રીતે ખતમ કરવામાં આવી રહ્યો છે.
સુવિધાઓનો અભાવ: ઘાયલોને ખભા પર ઊંચકી દોડતા ગ્રામજનો
આ ઘટનામાં પાકિસ્તાન સરકારની અમાનવીયતાની પરાકાષ્ઠા ત્યારે જોવા મળી જ્યારે ઘાયલોને હોસ્પિટલ લઈ જવા માટે એક પણ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ નહોતી. બલૂચ મહિલા ફોરમના જણાવ્યા અનુસાર, સ્થાનિક લોકોએ લોહીલુહાણ હાલતમાં પડેલા મજૂરોને પોતાના ખભા પર ઊંચકીને અને ખાનગી વાહનોમાં હોસ્પિટલ પહોંચાડવાની ફરજ પડી હતી. હોસ્પિટલોમાં પણ તબીબી સુવિધાઓના અભાવે મૃત્યુઆંક વધવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.
વ્યૂહાત્મક હિતો માટે સ્થાનિકોનું દમન
બલૂચ નેતાઓએ આક્ષેપ કર્યો છે કે ગ્વાદરને આંતરરાષ્ટ્રીય સ્તરે એક આધુનિક હબ તરીકે રજૂ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે તેને લશ્કરી છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે. સ્થાનિક બલૂચ રહેવાસીઓને પોતાના જ વિસ્તારમાં પ્રવેશતા રોકવામાં આવે છે અને જે કોઈ પ્રતિકાર કરે તેને ગોળીઓથી વીંધી નાખવામાં આવે છે. બલૂચિસ્તાન નેશનલ પાર્ટી અને હક દો તહરીક જેવા સંગઠનોએ આ બર્બરતાની આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ કરાવવાની અને જવાબદારોને કડક સજા આપવાની માંગ કરી છે. આ ઘટનાએ પાકિસ્તાન સરકારની લઘુમતીઓ પ્રત્યેની ક્રૂરતા ફરી એકવાર વિશ્વ સમક્ષ ખુલ્લી પાડી દીધી છે.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
