<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

એક જ સરનામાં પર એલપીજી સિલિન્ડર અને પીએનજી પાઇપલાઇન બંને રાખવા પર પ્રતિબંધ :દેશમાં 1 જૂનથી નિયમો વધુ કડક બનશે.

પીએનજી ધરાવતા વિસ્તારોમાં 1 જૂનથી એલપીજી બુકિંગ બ્લોક થશે અને 30 દિવસમાં સિલિન્ડર સરેન્ડર ન કરાતા કનેક્શન રદ્દ થઈ શકે: રિફિલિંગ ગેપ પણ વધારી દેવાયો

નવી દિલ્હી :દેશમાં આગામી 1 જૂનથી રસોઈ ગેસ સિલિન્ડરને લઈને ખૂબ જ મોટા અને કડક નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. એશિયા સંકટ અને ગેસ સપ્લાયની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે આ મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. જો ઘરમાં એલપીજી સિલિન્ડર અને પાઇપલાઇન ગેસ બંનેનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવા નિયમ હેઠળ જો બેદરકારી દાખવી તો ઘરગથ્થુ ગેસ કનેક્શન કાયમી ધોરણે કેન્સલ થઈ શકે છે.

સરકારના ધ્યાને આવ્યું છે કે દેશમાં પીએનજી કનેક્શનનો વ્યાપ સતત વધી રહ્યો છે, તેમ છતાં લોકો એલપીજી સિલિન્ડરનો ઉપયોગ ઓછો નથી કરી રહ્યા. માર્ચ મહિના સુધીમાં જ 6.5 લાખ નવા પીએનજી કનેક્શન વધ્યા છે, પરંતુ સપ્લાયમાં 18 ટકાનો ઘટાડો નોંધાયો છે. આનો સીધો અર્થ એ છે કે લોકોએ પાઇપલાઇન ગેસ લીધા પછી પણ સિલિન્ડર સરેન્ડર કર્યા નથી.

 

આ સ્થિતિને નિયંત્રિત કરવા માટે ઓઈલ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ (OMCs) દ્વારા મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે:

 

  • હવે સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન અને ઓઈલ કંપનીઓએ પોતાના ડિજિટલ ડેટાબેઝને લિંક કરી દીધા છે.

  • જે ઘરોમાં પીએનજી લાઈન પહોંચી ગઈ છે, તેમણે ફરજિયાતપણે પોતાનું એલપીજી કનેક્શન સરેન્ડર કરવું પડશે. એક જ એડ્રેસ પર બંને કનેક્શન રાખવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ છે.

  • : પીએનજી સુવિધા ધરાવતા વિસ્તારોમાં 1 જૂનથી ઓનલાઈન સિલિન્ડર બુકિંગ કે રિફિલિંગ આપોઆપ બ્લોક કરી દેવામાં આવશે.

 

ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી અને કાળાબજારી રોકવા માટે સરકારે બુકિંગની સમયમર્યાદા એટલે કે લોક-ઈન પિરિયડમાં ફેરફાર કર્યો છે:

  1. શહેરી વિસ્તાર: શહેરી યુઝર્સ માટે સિલિન્ડર રિફિલિંગનો ગેપ 21 દિવસથી વધારીને 25 દિવસ કરવામાં આવ્યો છે.

  2. ગ્રામીણ વિસ્તાર: ગ્રામીણ ગ્રાહકો હવે 45 દિવસ પહેલાં બીજો સિલિન્ડર બુક નહીં કરાવી શકે.

  3. નિયમિત સબસિડી: દરેક પરિવારને વર્ષમાં માત્ર 12 સબસિડી વાળા સિલિન્ડર મળવાનું ચાલુ રહેશે. વધારાના સિલિન્ડર માટે માર્કેટ રેટ ચૂકવવો પડશે. તેમજ નવું કનેક્શન લેવા માટે સુધારેલી ડિપોઝિટ અને ઇન્સ્ટોલેશન ચાર્જ લાગુ થશે.

જો ગ્રાહકો પીએનજી લીધાના 30 દિવસમાં એલપીજી બંધ કરાવશે, તો ભવિષ્યમાં પીએનજી ન હોય તેવા વિસ્તારમાં શિફ્ટ થતી વખતે આ કનેક્શન ફરીથી એક્ટિવ કરવાની પણ સુવિધા મળશે. પીએનજી કનેક્શનના વિસ્તરણ માટે સરકારે ૩૦ જૂન સુધીનો સમય આપ્યો છે.

(2:06 PM IST)