<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 1st August 2026

બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીનનો કોલકાતાના મંચ પરથી પ્રચંડ ધડાકો: "બાંગ્લાદેશમાં મૂળભૂતવાદ અને કટ્ટરવાદ આગની જેમ ફેલાઈ રહ્યો છે, મુક્ત વિચારકોની થઈ રહી છે નિર્મમ હત્યા!"

૧૯ વર્ષ બાદ કોલકાતા પરત ફરીને તસ્લીમાએ ડાબેરીઓ અને કટ્ટરપંથીઓ પર સાધ્યું આકરું નિશાન; રવીન્દ્ર સદનમાં યોજાયેલા ભવ્ય કાર્યક્રમમાં કવિ જય ગોસ્વામીનો થયો ભારે વિરોધ

 કોલકાતા : પ્રખ્યાત અને વિવાદિત બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીને પોતાના જન્મભૂમિ દેશ બાંગ્લાદેશમાં સતત વધી રહેલા ધાર્મિક કટ્ટરવાદ અને મૂળભૂતવાદ અંગે અત્યંત ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. શનિવારે કોલકાતાના ઐતિહાસિક રવીન્દ્ર સદન ખાતે યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં બોલતા તેમણે સણસણતો આરોપ લગાવ્યો હતો કે, બાંગ્લાદેશમાં હાલ કટ્ટરવાદ જંગલની આગની જેમ ફેલાઈ રહ્યો છે. મુક્ત વિચારકો અને બુદ્ધિજીવીઓની ચૂપચાપ હત્યાઓ કરવામાં આવી રહી છે, માનવ અધિકારોને ક્રૂરતાપૂર્વક કચડવામાં આવી રહ્યા છે અને ધાર્મિક લઘુમતીઓ પર અત્યાચારો ચરમસીમાએ પહોંચ્યા છે.

"૧૯૯૪માં મારો દેશનિકાલ એ રાષ્ટ્રની નૈતિક નિષ્ફળતા હતી"

પોતાના દર્દનાક ભૂતકાળને યાદ કરતાં તસ્લીમા નસરીને જણાવ્યું હતું કે, ૧૯૯૪માં તેમને બાંગ્લાદેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા તે દેશની નૈતિક નિષ્ફળતાની કાળી સ્યાહી સમાન છે. તેમણે કહ્યું, "મેં કોઈ ગુનો કર્યો નહોતો, માત્ર મારા લેખન દ્વારા મહિલાઓના સમાન અધિકારો અને માનવતાની વકીલાત કરી હતી. જે સરકારે કટ્ટરપંથીઓ સામે રક્ષણ આપવાનું હતું, તેણે જ મારી સામે FIR નોંધીને મને દેશનિકાલ કરી દીધી." તેમણે આશા પણ વ્યક્ત કરી હતી કે આ સ્થિતિ કાયમી નહીં રહે અને એક દિવસ બાંગ્લાદેશ ચોક્કસ બદલાશે.

ડાબેરીઓ અને કટ્ટરપંથીઓની મિલીભગત પર પ્રહાર

લગભગ ૧૯ વર્ષના લાંબા સમયગાળા બાદ કોલકાતા પરત ફરેલા તસ્લીમા નસરીને ૨૦૦૬ના તત્કાલીન ડાબેરી શાસન પર પણ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. તેમણે ઉમેર્યું કે, "કટ્ટરપંથીઓની સાથે સાથે ડાબેરીઓનો એક ખાસ વર્ગ પણ મુસ્લિમ સમુદાયને અંધારામાં રાખવામાં સામેલ છે. તેઓ ક્યારેય નથી ઈચ્છતા કે મુસ્લિમ સમાજ આધુનિકતા અને જ્ઞાનનો પ્રકાશ જુએ. મારી લડાઈ કોઈ વ્યક્તિ સામે નથી, પણ આ દૂષિત માનસિકતા સામે છે." આ કાર્યક્રમમાં બંગાળના મુખ્યા નેતા સુવેન્દુ અધિકારી પણ હાજર રહ્યા હતા અને તસ્લીમાનું નાગરિક સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન કવિ જય ગોસ્વામીનો વિરોધ અને હંગામો

કાર્યક્રમ દરમિયાન એક તંગદિલીભર્યો કિસ્સો પણ સામે આવ્યો હતો. તસ્લીમા નસરીને જ્યારે વરિષ્ઠ કવિ જય ગોસ્વામીને સ્ટેજ પર આવવા આમંત્રણ આપ્યું, ત્યારે હોલમાં હાજર પ્રેક્ષકોના એક વર્ગે ભારે હોબાળો અને વિરોધ શરૂ કરી દીધો હતો. વિરોધ કરી રહેલા લોકો તસ્લીમાના દેશનિકાલ સમયે જય ગોસ્વામીના મૌન અને તત્કાલીન રાજકીય નેતાઓ સાથેની તેમની નિકટતાથી નારાજ હતા. પરિસ્થિતિ વણસતી જોઈને કવિ જય ગોસ્વામી સ્ટેજ પરથી પોતાની સીટ પર પરત ફરી ગયા હતા.

 

(9:54 PM IST)