તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Monday, 6th July 2026
એલોન મસ્કની 'સ્ટારલિંક' સાથે બાંગ્લાદેશની ઐતિહાસિક ડીલ: પડોશી દેશોમાં 'અનફિલ્ટર' સેટેલાઇટ ઇન્ટરનેટ નિકાસ કરવાના સીમાચિહ્ન પ્રસ્તાવને આપી મંજૂરી
ઇન્ટરનેટ ક્ષેત્રે દક્ષિણ એશિયાનું નવું હબ બનવા તરફ ડગ માંડતું બાંગ્લાદેશ; સરકારી ફાયરવોલ અને સેન્સરશીપ વિના પડોશી દેશોને હાઇ-સ્પીડ બેન્ડવિડ્થ આપવા 'સ્ટારલિંક' સાથે ૩ વર્ષનો કરાર

ઢાકા : ટેક જગતના બાદશાહ એલોન મસ્કની માલિકીની સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની 'સ્ટારલિંક' (Starlink) અને બાંગ્લાદેશ સરકાર વચ્ચે ઇન્ટરનેટ ક્ષેત્રે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સમજૂતી થઈ છે. બાંગ્લાદેશે સ્ટારલિંક કંપનીને તેના સ્થાનિક ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને ભારત સહિતના પડોશી દેશોમાં 'અનફિલ્ટર' (Unfiltered) ઇન્ટરનેટ બેન્ડવિડ્થ નિકાસ કરવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાંગ્લાદેશ ટેલિકોમ્યુનિકેશન રેગ્યુલેટરી કમિશન (BTRC) એ દેશના પોસ્ટ્સ અને ટેલિકોમ્યુનિકેશન ડિવિઝન (PTD) તરફથી લીલી ઝંડી મળ્યા બાદ આ સીમાચિહ્નરૂપ પ્રસ્તાવને મંજૂર કર્યો છે. બાંગ્લાદેશના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ સેટેલાઇટ ઇન્ટરનેટ પ્રદાતાને આંતરરાષ્ટ્રીય પ્રાઇવેટ લીઝ્ડ સર્કિટ (IPLC) કનેક્ટિવિટી દ્વારા અનફિલ્ટર ઇન્ટરનેટ ટ્રાફિક અન્ય દેશોમાં લઈ જવાની ઔપચારિક પરવાનગી મળી હોય.
શું છે આ 'અનફિલ્ટર ઇન્ટરનેટ' અને તે કેમ મહત્વનું છે? સામાન્ય રીતે બાંગ્લાદેશમાં સામાન્ય નાગરિકો જે ઇન્ટરનેટ વાપરે છે, તે સરકારી દેખરેખ, ફાયરવોલ, ડીપ પેકેટ નિરીક્ષણ અને એપ્લિકેશન-સ્તરના વિવિધ પ્રતિબંધો (સેન્સરશીપ) માંથી પસાર થાય છે. પરંતુ આ ડીલ હેઠળ નિકાસ કરાનારી બેન્ડવિડ્થ સંપૂર્ણપણે 'અનફિલ્ટર્ડ' હશે, એટલે કે તે સરકારી નિયંત્રણો કે ફિલ્ટરિંગ સિસ્ટમ વિના સીધી જ પડોશી દેશોના ગ્રાહકો સુધી પહોંચશે. ઉદ્યોગ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આંતરરાષ્ટ્રીય સ્તરે ઇન્ટરનેટ ખરીદતા દેશોને હંમેશા વધુ ઝડપી સ્પીડ, અતિ ઓછી લેટન્સી (ડિલે) અને ભરોસાપાત્ર નેટવર્ક પર્ફોર્મન્સ જોઈતું હોય છે, જે માત્ર આવા સીધા અને અનફિલ્ટર્ડ કનેક્શનથી જ શક્ય બને છે.
કઈ રીતે કામ કરશે આ આખી સિસ્ટમ? આ મંજૂર કરાયેલી નવી વ્યાપારી વ્યવસ્થા હેઠળ, બાંગ્લાદેશની સરકારી માલિકીની 'બાંગ્લાદેશ સબમરીન કેબલ કંપની લિમિટેડ' (BSCCL) આગામી ત્રણ વર્ષના કરાર હેઠળ સ્ટારલિંકને બેન્ડવિડ્થ પૂરી પાડનાર પ્રાથમિક સપ્લાયર બનશે. જો કોઈ સંજોગોમાં સરકારી કંપની સ્ટારલિંકની વિશાળ જરૂરિયાતોને પૂર્ણ ન કરી શકે, તો મસ્ક પર્સનલ લિમિટેડ કંપનીને બાંગ્લાદેશની ખાનગી ટેલિકોમ કંપનીઓ જેવી કે 'સમિટ કોમ્યુનિકેશન્સ લિમિટેડ' અને 'ફાઇબર@હોમ લિમિટેડ' પાસેથી પણ બેન્ડવિડ્થ મેળવવાની છૂટ આપવામાં આવી છે. હાલમાં બાંગ્લાદેશ સિંગાપોર સાથે જોડાયેલા બે સબમરીન કેબલ અને ભારતમાંથી આવતા સાત ટેરેસ્ટ્રીયલ કેબલ ઓપરેટરો દ્વારા પોતાની આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ ક્ષમતા મેળવે છે.
સ્થાનિક યુઝર્સની સુરક્ષા માટે કડક જોગવાઈઓ બાંગ્લાદેશ સરકારે આ મંજૂરી આપતાં પહેલાં મહિનાઓ સુધી તેની કડક તકનીકી સમીક્ષા કરી હતી. રેગ્યુલેટર BTRC એ સ્ટારલિંકને સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે આ નિકાસ કરાયેલી અનફિલ્ટર બેન્ડવિડ્થ ફક્ત અને ફક્ત વિદેશી ગ્રાહકોને જ મળવી જોઈએ. બાંગ્લાદેશની સરહદની અંદર રહેતા સ્થાનિક નાગરિકો કે દેશમાં ફરવા આવેલા વિદેશી મુલાકાતીઓ પણ આ આંતરરાષ્ટ્રીય નેટવર્કનો ઉપયોગ કરી શકશે નહીં. સ્ટારલિંકે આ શરતોનું પાલન કરવા માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેટ ટ્રાફિક માટે સંપૂર્ણપણે અલગ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મોનિટરિંગ સિસ્ટમ્સ ગોઠવી દીધી છે અને સરકારી દેખરેખ માટેના તમામ જરૂરી દસ્તાવેજો સબમિટ કરી દીધા છે.
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
