<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

"૧TB ડેટા લીકના દાવા વચ્ચે બેંક ઓફ બરોડાની સ્પષ્ટતા!": કર્મચારીનો ઈમેલ હેક થતાં ડેટા લીક થયો, પણ કોર બેંકિંગ સિસ્ટમ સંપૂર્ણ સુરક્ષિત

ગ્રાહકોના નાણાં અને મુખ્ય બેંકિંગ સિસ્ટમ સુરક્ષિત હોવાનો બેંકનો દાવો; સિક્યોરિટી એલર્ટ બાદ વ્યાપક ફોરેન્સિક તપાસ શરૂ

મુંબઈ : જાહેર ક્ષેત્રની દેશની અગ્રણી બેંક ઓફ બરોડા (Bank of Baroda) સાથે જોડાયેલો આશરે ૧ ટેરાબાઇટ (1TB) જેટલો ડેટા ડાર્ક વેબ પર લીક થયો હોવાના હેકરોના દાવ બાદ બેંકે પોતાનું પ્રથમ સત્તાવાર નિવેદન જારી કર્યું છે. હેકરે ગ્રાહકોના રેકોર્ડ અને આંતરિક દસ્તાવેજો લીક કર્યાનો દાવો કર્યો હતો. આ અંગે બેંકે સ્પષ્ટતા કરી છે કે આ ઘટના એક કર્મચારીના ઈમેલ એકાઉન્ટ સાથે ચેડા (હેકિંગ) થવાના કારણે બની છે, પરંતુ બેંકની મુખ્ય 'કોર બેંકિંગ સિસ્ટમ' (Core Banking System) ને કોઈ નુકસાન થયું નથી અને તે સંપૂર્ણપણે સુરક્ષિત છે.

કર્મચારીના ઈમેલ સાથે ચેડાં, પણ સિસ્ટમ સુરક્ષિત

સોમવારે જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં બેંકે ખુલાસો કર્યો છે કે ઈમેલ એકાઉન્ટ હેક થવાના કારણે ચોક્કસ આંતરિક ડેટાની અનધિકૃત ઍક્સેસ થઈ હતી. જોકે, આ બાબત સામે આવતા જ સેફ્ટી પ્રોટોકોલ સક્રિય કરીને સ્થિતિ પર તાત્કાલિક નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું હતું.

"આ ઘટનામાં માત્ર એક કર્મચારીના ઈમેલ એકાઉન્ટ સાથે ચેડા થયા હતા, જેનાથી ચોક્કસ ડેટા સુધી પહોંચ થઈ શકી હતી. આ બાબત તાત્કાલિક ધ્યાન પર આવતા નિયંત્રણના કડક પગલાં લેવાયા છે. બેંકની કોર બેંકિંગ સિસ્ટમ સાથે કોઈ પણ જાતની છેડછાડ થઈ નથી અને તે પૂર્ણપણે સુરક્ષિત રહે છે."

— બેંક ઓફ બરોડા (સત્તાવાર નિવેદન)

૧TB ડેટા લીકનો હેકરનો દાવો અને ફોરેન્સિક તપાસ

હેકરના દાવો અનુસાર, લીક થયેલી ફાઇલોમાં ગ્રાહકોના રેકોર્ડ, બેંકિંગ વિગતો, આંતરિક ઓડિટ રિપોર્ટ્સ અને કમ્પ્લાયન્સ સંબંધિત દસ્તાવેજો સામેલ છે. જોકે, બેંકે કયા પ્રકારનો ચોક્કસ ડેટા એક્સેસ થયો છે તે અંગે કોઈ પુષ્ટિ કરી નથી અને મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

તપાસની પ્રક્રિયા વિશે માહિતી આપતાં બેંકે જણાવ્યું છે કે, ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે એક વ્યાપક ફોરેન્સિક તપાસ (Forensic Investigation) શરૂ કરવામાં આવી છે. બેંક તમામ સરકારી અને નિયમનકારી સત્તાધિકારીઓ (Regulatory Authorities) સાથે મળીને કામ કરી રહી છે અને તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો જાહેર કરવામાં આવશે.

(8:21 PM IST)