તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
મતદાર યાદીના છબરડાથી બેંક સીઈઓ પરેશાન: "પાત્ર બન્યો ત્યારથી વોટ આપું છું છતાં હું 'અનમેપ્ડ' કેમ?", IndusInd બેંકના MD રાજીવ આનંદે ચૂંટણી પંચ સામે ઉઠાવ્યા સવાલો
દરેક ચૂંટણીમાં મતદાન અને સરકારી ઓળખપત્રો હોવા છતાં નામ રદ થવાની નોટિસ મળતાં મચ્યો હોબાળો: પ્રાઈવસી અને 'આઈડેન્ટિટી ક્રાઈસિસ' અંગે સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી ચિંતા.

મુંબઈ, તા.૨૮: દેશમાં ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવી રહેલી 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) પ્રક્રિયા દરમિયાન મતદાર યાદીઓની મોટી ગફલતો અને છબરડા સામે આવી રહ્યા છે. આ વખતે તેનો ભોગ સામાન્ય નાગરિક જ નહીં પરંતુ દેશની જાણીતી 'ઇન્ડસઇન્ડ બેંક' (IndusInd Bank) ના MD અને CEO રાજીવ આનંદ પણ બન્યા છે. મતદાર યાદીમાં તેમનું નામ "અનમેપ્ડ" (સિસ્ટમમાં ડેટા લિંક ન હોવો) વર્ગીકૃત કરીને નામ રદ અટકાવવા માટે સુનાવણીમાં હાજર રહેવાની નોટિસ મળતાં તેમણે ભારે ચિંતા અને રોષ વ્યક્ત કર્યો છે.
રાજીવ આનંદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાની ભડાશ કાઢતાં લખ્યું કે, "જ્યારથી હું મતદાન કરવા માટે પાત્ર બન્યો છું ત્યારથી લઈને અત્યાર સુધીની દરેક ચૂંટણીમાં મેં નિષ્ઠાપૂર્વક મત આપ્યો છે. મારી પાસે પાસપોર્ટ, પાન કાર્ડ, વોટર ID કાર્ડ અને ઓળખના તમામ દસ્તાવેજો હોવા છતાં મને નોટિસ આપીને સુનાવણી માટે બોલાવવામાં આવી રહ્યો છે, અન્યથા મારું નામ યાદીમાંથી કાઢી નાખવાની ધમકી અપાઈ રહી છે." તેમણે ઉમેર્યું કે ભારતીયો પાસે આટલા બધા ઓળખપત્રો હોવા છતાં તેમણે પોતાની ઓળખ સાબિત કરવા વારંવાર લાઈનમાં ઊભા રહેવું પડે તે એક પ્રકારનું 'આઈડેન્ટિટી ક્રાઈસિસ' છે.
આ મુદ્દો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ સર્જાયો હતો અને ચૂંટણી પંચની કામગીરી સામે સવાલો ઉઠવા લાગ્યા હતા. વાઈરલ થયેલી નોટિસ અને વધતા વિરોધને પગલે ચૂંટણી પંચે તાત્કાલિક સ્પષ્ટતા જારી કરીને સુધારેલી પ્રક્રિયાની જાહેરાત કરવી પડી હતી. ચૂંટણી પંચે જણાવ્યું કે SIR પ્રક્રિયા દરમિયાન જેમના નામમાં વિસંગતતા કે 'અનમેપ્ડ' રેકોર્ડ આવ્યા છે, તેમણે ERO કચેરીએ રૂબરૂ જવાની જરૂર નથી.
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, હવે બૂથ લેવલ ઓફિસર્સ (BLOs) પોતે આવા મતદારોના ઘરે જઈને દસ્તાવેજો એકત્રિત કરશે અને તેને ECINet પ્લેટફોર્મ પર અપલોડ કરશે. સુનાવણી માત્ર અપવાદરૂપ કિસ્સાઓમાં જ યોજાશે અને તે પણ શક્ય હોય ત્યાં સુધી ઓનલાઈન કરવામાં આવશે. આ ઉપરાંત દિલ્હી અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં મતદારો માટે વાંધા-અરજીઓ રજૂ કરવાની સમયમર્યાદા પણ અનુક્રમે ૩૦ ઓક્ટોબર અને ૧૨ ઓક્ટોબર સુધી લંબાવી દેવામાં આવી છે.
(5:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
