<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th November 2026

બેંક ડૂબીને રાષ્ટ્રપતિની ખુરશી ગઈઃ સંસદે પદભ્રષ્ટ કર્યા બાદ પૂર્વ શાસક પોતાના જ ઘરમાં નજરકેદ!

દક્ષિણ અમેરિકન રાષ્ટ્ર પરાગ્‍વેમાં એક અગ્રણી ડિજિટલ નાણાકીય સંસ્‍થા અચાનક પડી ભાંગતાં અભૂતપૂર્વ રાજકીય તોફાન

લંડન,તા.૭: દક્ષિણ અમેરિકન રાષ્ટ્ર પરાગ્‍વેમાં એક અગ્રણી ડિજિટલ નાણાકીય સંસ્‍થા અચાનક પડી ભાંગતાં અભૂતપૂર્વ રાજકીય તોફાન સર્જાયું છે. લાખો ગ્રાહકોની પરસેવાની કમાણી ફસાઈ જવાના કારણે પેદા થયેલા જનઆક્રોશ વચ્‍ચે દેશના સર્વોચ્‍ચ વડાને પોતાની સત્તા ગુમાવવાનો વારો આવ્‍યો છે. સંસદના ઉચ્‍ચ ગૃહમાં યોજાયેલી ઐતિહાસિક પ્રક્રિયા બાદ રાષ્ટ્રપતિને તત્‍કાલ અસરથી બરતરફ કરવામાં આવ્‍યા છે અને તેમને પોતાના જ નિવાસસ્‍થાને નજરકેદ કરી દેવાયા છે. સરકારી સંસાધનો અને જાહેર પેન્‍શન ભંડોળનો દુરુપયોગ કરીને ખાનગી સંસ્‍થાને ગેરકાયદે પ્રોત્‍સાહન આપવાના આરોપોએ સમગ્ર દેશના અર્થતંત્રને હચમચાવી દીધું છે.

દેશની સેનેટમાં શુક્રવારે સર્વોચ્‍ચ પદ પરથી હટાવવા માટે લાવવામાં આવેલા પ્રસ્‍તાવ પર મતદાન યોજાયું હતું. ગૃહમાં ઉપસ્‍થિત તમામ ૪૪ સાંસદોએ સર્વાનુમતે પદભ્રષ્ટ કરવાની તરફેણમાં મતદાન કર્યું હતું. લોકપ્રતિનિધિઓએ સ્‍પષ્ટ આરોપ મૂક્‍યો હતો કે બંધારણીય હોદ્દા પર રહીને શાસકે પોતાના અંગત હિતો ખાતર ખોટું આચરણ કર્યું અને નાણાકીય સંસ્‍થાના ગેરકાયદે વ્‍યવહારોને રાજકીય છત્રછાયા પૂરી પાડી હતી.

મતદાન પૂર્વે ગુરુવારે જ તેમણે સ્‍વેચ્‍છાએ પદ છોડવાની રજૂઆત કરી હતી, પરંતુ વિપક્ષી સાંસદોએ આ દરખાસ્‍તને સ્‍પષ્ટપણે ફગાવી દીધી હતી. વિરોધ પક્ષોનું કહેવું હતું કે જો રાજીનામું સ્‍વીકારવામાં આવે તો તેઓ પૂર્વ વડા તરીકે મળતી આજીવન સદસ્‍યતા અને બંધારણીય કાનૂની રક્ષણનો લાભ લઈને તપાસથી બચી જશે. વિદાય સંદેશમાં રાજકીય અસ્‍થિરતા ન ફેલાવવાની વાત કરીને તેમણે પોતાના પર લાગેલા તમામ આરોપો નકારી કાઢ્‍યા હતા.

પદભ્રષ્ટ કરાયા બાદ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ પેડ્રો અલિયાનાએ દેશના નવા રાષ્ટ્રપતિ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. સંસદના બંને ગૃહોના સંયુક્‍ત સત્રમાં શપથ લીધા બાદ તેમણે સ્‍પષ્ટ કર્યું કે તેઓ બાકી રહેલો કાર્યકાળ પૂર્ણ કરશે. પોતાના પ્રથમ સંબોધનમાં તેમણે ખાતરી આપી હતી કે બેંકિગ પ્રક્રિયાથી પ્રભાવિત થયેલા નિર્દોષ નાગરિકોની થાપણો સુરક્ષિત રીતે પરત અપાવવા સરકાર પ્રથમ અગ્રતાના ધોરણે નક્કર પગલાં ભરશે.

આ સમગ્ર વિવાદની શરૂઆત મંગળવારે થઈ જ્‍યારે નાણાકીય નિયામકોએ ખાનગી સંસ્‍થાનું સંચાલન પોતાના હાથમાં લીધું હતું. તપાસમાં સામે આવ્‍યું છે કે સરકારી પેન્‍શન ફંડમાંથી કાયદાકીય મર્યાદા કરતાં વધુ એટલે કે આશરે ૩૫.૫ કરોડ ડોલર જેટલી જંગી રકમ આ સંસ્‍થામાં જમા કરાવી દેવાઈ હતી. અગાઉ આ સંસ્‍થાની પિતૃ કંપનીમાં હિસ્‍સેદારી ધરાવતા શાસકે પોતાના વિશ્વાસુ અધિકારીને સેન્‍ટ્રલ બેંકના વડા બનાવીને નિયમનકારી તપાસને દબાવી રાખવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો સંસદમાં કરવામાં આવ્‍યો હતો.

ખાતાઓ બ્‍લોક થઈ જતાં પાટનગર અસુન્‍સિઓન સહિત અનેક શહેરોમાં નાગરિકો રસ્‍તા પર ઊતરી આવ્‍યા હતા. સરકારી પેન્‍શનની સુરક્ષા સુનિヘતિ કરવા દેશવ્‍યાપી હડતાળની જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ ન્‍યાયિક એજન્‍સીઓએ બેંકના મુખ્‍ય શેરધારક મિગુએલ વાસ્‍કેઝ સહિત ૨૭ લોકો સામે વિશ્વાસઘાત અને છેતરપિડીની કલમો હેઠળ ગુનો નોંધ્‍યો છે. અધિકારીઓના ઘરોમાંથી ૯ લક્‍ઝરી કાર, યાટ અને વિમાનો જપ્ત કરવામાં આવ્‍યા છે, જ્‍યારે ૬ ડિરેક્‍ટરોને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયા છે.

(10:26 AM IST)