તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 25th September 2026
૧લી ઓક્ટોબરથી બેંક FD ના નિયમો બદલાશે: 'બલ્ક ડિપોઝિટ' માટે RBI નો મોટો નિર્ણય, જાણો તમારી ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દર પર શું પડશે અસર?
રૂ. ૩ કરોડથી વધુની થાપણો માટે વ્યાજ દરો નક્કી કરવામાં બેંકોને મળશે છૂટ; રોજ સવારે ૧૦:૧૦ વાગ્યા સુધીમાં અપડેટ કરવા પડશે દર

મુંબઈ, તા.૨૫: બેંક ફિક્સ્ડ ડિપોઝિટ (FD) માં રોકાણ કરનારા લાખો થાપણદારો માટે ૧લી ઓક્ટોબર, ૨૦૨૬થી મહત્વના બેંકિંગ નિયમો બદલાવા જઈ રહ્યા છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ ડિપોઝિટ સંબંધિત માર્ગદર્શિકામાં મહત્વના સુધારા કર્યા છે, જે મુખ્યત્વે મોટી રકમની થાપણો એટલે કે 'બલ્ક ડિપોઝિટ' (Bulk Deposit) ના વ્યાજ દરો અને પારદર્શિતા સાથે સંકળાયેલા છે. આ નવા નિયમનો મુખ્ય હેતુ મોટી ડિપોઝિટના દરો નક્કી કરવામાં બેંકોને વધુ સુગમતા આપવાનો અને રોકાણકારોને વ્યાજ દરોની સચોટ માહિતી પૂરી પાડવાનો છે.
સુધારેલી વ્યવસ્થા મુજબ, રૂ. ૩ કરોડ કે તેથી વધુ રકમની 'બલ્ક ડિપોઝિટ' માટે બેંકો પોતાની ભંડોળની જરૂરિયાત અને બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને વ્યાજ દર નક્કી કરવા માટે સ્વતંત્ર રહેશે. ૧લી ઓક્ટોબરથી તમામ બેંકોએ પોતાની અધિકૃત વેબસાઈટ પર બલ્ક ડિપોઝિટના દરો દર્શાવવા ફરજિયાત બનશે. દરેક કામકાજના દિવસે સવારે ૧૦:૦૦ વાગ્યા સુધીમાં અને વધુમાં વધુ ૧૦:૧૦ વાગ્યા સુધીમાં આ દરો અપડેટ કરી દેવાના રહેશે, જેથી રોકાણકારો વિવિધ બેંકોના દરોની સરખામણી સરળતાથી કરી શકશે.
સામાન્ય (રિટેલ) થાપણદારો પર શું અસર પડશે?
સામાન્ય ગ્રાહકો કે જેઓ હજારો અથવા થોડા લાખ રૂપિયાની નિયમિત FD ધરાવે છે, તેમના માટે હાલના વ્યાજ દરોમાં આ નિયમોના કારણે સીધો કોઈ ફેરફાર થશે નહીં. આ નિયમ મુખ્યત્વે મોટી રકમનું રોકાણ કરતા સંસ્થાકીય અથવા એચએનઆઈ (HNI) રોકાણકારોને લાગુ પડશે.
જોકે, બેંકો પોતાની લિક્વિડિટી (રોકડ પ્રવાહ) ની જરૂરિયાતો મુજબ જુદા જુદા સમયગાળા માટે દરો બદલતી રહેતી હોય છે. પરિણામે, અલગ-અલગ બેંકોમાં વ્યાજ દરોમાં તફાવત જોવા મળી શકે છે. તેથી મોટી રકમની એફડી કરાવતા પહેલા બેંકોના રોજના અપડેટેડ દરો ચકાસીને રોકાણ કરવું વધુ ફાયદાકારક સાબિત થશે.
(4:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
