તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 27th June 2026
૨ વર્ષથી ઈરાનમાં વારંવાર બેન્કિંગ સેવાઓ ઠપ્પ: લોકો હેરાન-પરેશાન
એટીએમ, મોબાઈલ બેન્કિંગ અને કાર્ડ સેવાઓ અવારનવાર બંધ થઈ જાય છે: બેફામ સાયબર હુમલા અને સર્વિસ નિષ્ફળતાનું મહાદુષ્ચક્ર : લોકોને બ્રેડ ખરીદવા કે ટેક્સી ભાડું ચૂકવવામાં ભારે મુશ્કેલી: મિલી, સાદેરાત, તેજારત, એક્સપોર્ટ ડેવલપ. બેન્ક ઓફ ઈરાન જેવી મોટી બેન્કોમાં સાયબર એટેક

તહેરાન: ઈરાનના જાણીતા દૈનિક અખબાર શાર્ઘના અહેવાલ મુજબ ઈરાનની બેન્કિંગ વ્યવસ્થા સાયબર હુમલા અને સેવાઓના પતનના દુષ્ચક્રમાં ફસાઈ ગઈ છે. છેલ્લા ૨ વર્ષથી ઈરાનમાં બેન્કિંગ સેવાઓ ખોરવાઈ જવી સામાન્ય બાબત બની ગઈ છે. એટીએમ, મોબાઈલ બેન્કિંગ અને કાર્ડ સેવાઓ અવારનવાર ઠપ્પ થઈ જાય છે જેના કારણે લોકોને બ્રેડ ખરીદવા કે ટેક્સી ભાડું ચૂકવવા જેવી રોજિંદી બાબતોમાં ભારે મુશ્કેલી પડે છે.
જૂન મહિનામાં મિલી, સાદેરાત, તેજારત અને એક્સપોર્ટ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઈરાન જેવી મોટી બેન્કોમાં સાયબર હુમલા થયા હતા. બેન્કોની સંકલન પરિષદ અને ઇન્ફોર્મેટિક્સ સર્વિસ કોર્પોરેશને સાયબર હુમલાની પુષ્ટિ કરી હતી પરંતુ ગ્રાહકોનો ડેટા સુરક્ષિત હોવાનો દાવો કર્યો હતો. ગયા વર્ષે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના ૧૨ દિવસીય યુદ્ધ દરમિયાન બેન્ક સેપાહ પર પ્રિડેટરી સ્પેરો નામના હેકર જૂથે મોટો સાયબર હુમલો કર્યો હતો અને ત્યારબાદ બેન્ક પાસરાગઢને પણ નિશાન બનાવવામાં આવી હતી.
ઈલેક્ટ્રોનિક બેન્કિંગ નિષ્ણાત નીમા અમીરશકારીના જણાવ્યા અનુસાર ઈરાનનું બેન્કિંગ માળખું ૩૦ વર્ષ જૂનું છે અને તેનું મૂળભૂત સોફ્ટવેર આધુનિક નથી. સાયબર સુરક્ષા નિષ્ણાત સઈદ સૌઝંગર માને છે કે માત્ર જૂની ટેકનોલોજી જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો, ઈન્ટરનેટ પરના નિયંત્રણો અને કુશળ નિષ્ણાતોનો અભાવ પણ આ માટે જવાબદાર છે.
ઈરાનમાં સાયબર હુમલા વખતે જનતાને પારદર્શક માહિતી આપવાનો કોઈ કાયદો નથી. સંચાર નાયબ મંત્રી બેહદાદ અકબરીએ ઈન્ટરનેટના ઉપયોગને કારણે આ હુમલા થયા હોવાની વાતને નકારી કાઢીને જણાવ્યું હતું કે બેન્કોની મુખ્ય સિસ્ટમ્સ પબ્લિક ઈન્ટરનેટ સાથે જોડાયેલી નથી. આમ છતાં સત્તાવાળાઓ દ્વારા નુકસાન કે જવાબદારી અંગે કોઈ સ્પષ્ટ અહેવાલ આપવામાં આવતો નથી.
(4:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
