તા. ૧૧ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૪ મંગળવાર
News of Tuesday, 11th August 2026
બેન્કોએ ૧૨ વર્ષમાં મોટા ઉદ્યોગોની રૂ.૧૦ લાખ કરોડની લોન માંડવાળ કરી
૨૦૨૦-૨૧માં નાણાકીય ખાધ જીડીપીના ૯.૨ ટકા હતી, જે ૨૦૨૫-૨૬માં ઘટીને ૪.૪ ટકા નોંધાઈ : ૨૦૧૮-૧૯ના રૂ.૧.૫૦ લાખ કરોડની સામે ૨૦૨૫-૨૬માં માત્ર રૂ.૨૦,૪૮૫ કરોડની લોનની માંડવાળઃ સંસદમાં સરકારનો જવાબ

નવી દિલ્હી,તા.૧૧: નાના લોનધારકોને એક-એક હપ્તાની વસૂલાત માટે હેરાન કરતી બેન્કોએ છેલ્લાં ૧૨ વર્ષમાં મોટા ઉદ્યોગો અને સર્વિસિસની રૂ. ૯,૯૫,૦૦૦ કરોડની લોનની માંડવાળ કરી છે. આ અંગે સંસદમાં માહિતી આપતાં કેન્દ્રીય રાજ્ય નાણા મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે, બેન્કો દ્વારા કરાતી લોનની માંડવાળ (રાઈટ ઓફ)ની રકમ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ. ૧,૪૮,૭૫૩ કરોડ હતી, જે ૨૦૨૫-૨૬માં ઘટીને રૂ. ૨૦,૪૮૫ કરોડ નોંધાઈ હતી.
મોટા ઉદ્યોગો અને સેવાઓની બાકી લોનની રકમ અંગેના રિઝર્વ બેન્કના આંકડાની વિગતો રજૂ કરતાં તેમણે જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં બાકી લોનની કુલ રકમ રૂ.૬૩,૧૯,૦૫૭ કરોડ હતી, જે વધીને નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં રૂ. ૬૯,૨૧,૭૩૪ કરોડ નોંધાઈ હતી. અન્ય એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું હતું કે, સરકાર સાતત્યપૂર્ણ આર્થિક વૃદ્ધિ જાળવવાની સાથે નાણાકીય શિસ્ત જાળવવા માટે પ્રતિબદ્ધ છે.
નાણાં વર્ષ ૨૦૨૦-૨૧માં નાણાકીય ખાધ જીડીપીના ૯.૨ ટકા હતી, જે ૨૦૨૫-૨૬માં ઘટીને ૪.૪ ટકા રહેવા પામી છે. આ સાથે જ બાકી દેવું ૨૦૨૦-૨૧ના જીડીપીના ૬૧.૫ ટકાથી ૨૦૨૫-૨૬ (અંદાજિત)માં ઘટીને ૫૮.૨ ટકા રહેવા પામ્યું છે, જે નાણાકીય શિસ્તમાં સતત થઈ રહેલો સુધારો સૂચવે છે તેમ તેમણે ઉમેર્યું હતું. આ ઉપરાંત ૨૦૨૦-૨૧ના રૂ. ૪.૩ લાખ કરોડની તુલનાએ મૂડી ખર્ચ ૨૦૨૫-૨૬(અંદાજિત)વધીને રૂ. ૧૦.૭ લાખ કરોડ થયો છે
લોન માંડવાળ કરવાથી દેવાદારના માથેથી જવાબદારી ઘટતી નથી
લોન માંડવાળ અંગે કેન્દ્રીય રાજ્ય નાણાં મંત્રી પંકજ ચૌધરીએ ભારપૂર્વક સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, દેવાની માંડવાળ એ હિસાબી પ્રક્રિયાનો એક ભાગ છે, જેમાં કોર્પોરેટ સહિતના એક પણ દેવાદારને કોઈ પણ પ્રકારની રાહત અપાતી નથી. લોનની આ પ્રકારે કરાતી માંડવાળથી દેવાદારના માથેથી દેવાની જવાબદારીમાં કોઈ ઘટાડો નથી થતો. દેવાદારે કે લોનધારકના માથે લોનની ચૂકવણીની જવાબદારી તો યથાવત્ જ રહે છે અને બેન્કો પણ જે-તે ખાતેદાર પાસેથી લોન વસૂલવાની કામગીરી પણ ચાલુ જ રાખે છે. રિઝર્વ બેન્કના નિયમોને અધિન રહીને બેન્કો પોતાની બેલેન્સ શીટને એડજસ્ટ કરવા માટે લોનની માંડવાળ કરે છે.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
