<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 29th July 2026

બેન્‍કોએ મિનિમમ બેલેન્‍સના નામે ૭૦૦૦ કરોડથી વધુ ખંખેર્યા

રાજ્‍યસભામાં રાજ્‍યકક્ષાના નાણામંત્રી પંકજ ચૌધરીએ આપેલી માહિતીમાં ચોંકાવનારો ખુલાસો : સૌથી વધુ એચડીએફસી રૂા.૧,૭૯૮.૧૪ અને એક્‍સિસ બેન્‍કે રૂા. ૧,૦૮૧,૩૩ કરોડ દંડ પેટે વસૂલ કર્યા

નવી દિલ્‍હી તા.૨૯: દેશની ખાનગી બેન્‍કો અને જાહેર બેન્‍કો દ્વારા મિનિમમ બેલેન્‍સના નામે કરેલી કથિત લૂંટના મામલે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. સંસદના ઉપલાગૃહ રાજ્‍યસભામાં રાજ્‍યકક્ષાના નાણામંત્રી પંકજ ચૌધરીએ માહિતી આપતા જણાવ્‍યું કે, નાણાકીય વર્ષ ૨૦૨૬માં ખાતાધારકો દ્વારા તેમના ચાલુ ખાતા અને બચત ખાતામાં મિનિમમ એવરેજ બેલેન્‍સ જાળવી રાખવામાં નિષ્‍ફળ રહેવા બદલ ખાનગી ક્ષેત્રની બેન્‍કોએ રૂપિયા ૪,૯૪૮,૭૧ કરોડ એકત્ર કર્યા છે. સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન, જાહેર ક્ષેત્રની બેન્‍કોએ પણ લઘુત્તમ સરેરાશ બેલેન્‍સ જાળવી ન રાખવા બદલ રૂપિયા ૨, ૧૩૭,૯૨ કરોડ એકત્ર કર્યા છે. આમ ખાનગી અને જાહેર ક્ષેત્રની બેન્‍કોએ કુલ રૂા. ૭,૦૮૬.૮૩ કરોડ મિનિમમ બેલેન્‍સના નામે વસૂલ કર્યા છે.

તેમણે રિઝર્વ બેન્‍ક ઓફ ઇન્‍ડિયાના ડેટાને ટાંકીને જણાવ્‍યું હતું કે, નાણાકીય વર્ષ ૨૦૨૬ દરમિયાન એચડીએફસી બેન્‍કે સૌથી વધુ એટલે કે રૂપિયા ૧,૭૯૮.૧૪ કરોડ એકત્ર કર્યા હતા, ત્‍યારબાદ એક્‍સિસ બેન્‍કે રૂપિયા ૧,૦૮૧.૩૩ કરોડ એકત્ર કર્યા હતા. આમ, એચડીએફસી અને એક્‍સિસ બેન્‍કે લઘુતમ સરેરાશ બેલેન્‍સના ચાર્જના નામે રૂપિયા ૨,૮૭૯.૪૭ કરોડ એકત્ર કર્યા હતા.

કેન્‍દ્રીય રાજ્‍યકક્ષાના નાણામંત્રીએ વધુમાં જણાવ્‍યું કે, બેઝિક સેવિગ્‍સ બેન્‍ક ડિપોઝિટએકાઉન્‍ટ્‍સ, જેમાં પ્રધાન મંત્રી જન ધન યોજનાના ખાતાઓ વગેરેનો સમાવેશ થાય છે, તેના પર કોઈ દંડ વસૂલવામાં આવતો નથી. અન્‍ય એક પ્રશ્નનો જવાબ આપતા ચૌધરીએ જણાવ્‍યું હતું કે સ્‍વસ્‍થ બેલેન્‍સ શીટ, ઐતિહાસિક રીતે ઊંચા નફા અને ગ્રોસ નોન-પર્ફોર્મિગ એસેટ્‍સના મલ્‍ટી-ડેકેડ નિમ્‍ન સ્‍તરસાથે જાહેર ક્ષેત્રની બેન્‍કોના નાણાકીય સ્‍વાસ્‍થ્‍યમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્‍યો છે.

જાહેર ક્ષેત્રની બેન્‍કોએ અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોમાં સતત ક્રેડિટ વૃદ્ધિ નોંધાવી છે. તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે પશ્ચિમ એશિયાની કટોકટીને કારણે વ્‍યવસાયો દ્વારા સામનો કરવામાં આવતી કોઈપણ ટૂંકા ગાળાની લિક્‍વિડિટી અસંતુલનને દૂર કરવા માટે સરકારે મે ૨૦૨૬માં ઈમરજન્‍સી ક્રેડિટ લાઈન ગેરંટી યોજના શરૂ કરી છે. આ યોજના એમએસએમઈ માટે ૧૦૦ ટકા ગેરંટી કવરેજ પૂરું પાડે છે.

 

(1:30 PM IST)