News of Monday, 29th June 2026
મેક્સિકોમાં ‘બેટમેન’નો આતંક: બાઈક ચોરોને પકડીને જાહેરમાં ખંભે બાંધી, ચહેરા પર બિલ્લીની મૂછો દોરીને કરી રહ્યાં છે અનોખી સજા
જલિસ્કોના રસ્તાઓ પર રહસ્યમયી ન્યાયધીશનો દબદબો: છેલ્લા ૧૦ દિવસમાં ૫ શંકાસ્પદ ચોરોને પાઠ ભણાવ્યા બાદ પોલીસ એક્શન મોડમાં

જલિસ્કો (મેક્સિકો): મેક્સિકોના જલિસ્કો પ્રાંતમાં છેલ્લા કેટલાક દિવસોથી એક અજીબોગરીબ અને રહસ્યમયી ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. અહીં એક અજાણ્યો વ્યક્તિ, જેને લોકો સોશિયલ મીડિયા પર ‘મેક્સિકન બેટમેન’ અથવા ‘લાગોસ ડી મોરેનોનો બેટમેન’ કહી રહ્યા છે, તે જાતે જ કાયદો હાથમાં લઈને બાઈક ચોરોને પાઠ ભણાવી રહ્યો છે. આ રહસ્યમયી વ્યક્તિનો ન્યાય કરવાનો અંદાજ એટલો ચોંકાવનારો છે કે તે ગુનેગારોને પકડીને તેમની પિટાઈ કરે છે અને ત્યારબાદ તેમને જાહેરમાં લેમ્પપોસ્ટ કે વીજળીના થાંભલા સાથે મજબૂત ટેપ વડે બાંધી દે છે.
ચહેરા પર મજાકિયા ચિત્રો અને માથે ‘ચોર’નું લેબલ
આ રહસ્યમયી ન્યાયધીશની કામગીરીમાં માત્ર સજા જ નથી, પરંતુ તેમાં અપમાનનો અંશ પણ જોવા મળે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ (અગાઉનું ટ્વિટર) પર વાયરલ થયેલી તસવીરોમાં જોઈ શકાય છે કે, થાંભલે બંધાયેલા વ્યક્તિઓના ચહેરા પર કાળા રંગથી બિલ્લી જેવી મૂછો દોરવામાં આવી છે. એટલું જ નહીં, તેમના માથે સ્પષ્ટ શબ્દોમાં ‘રાટેરો’ (સ્પેનિશમાં ચોર) લખેલું પણ જોવા મળે છે. એક કિસ્સામાં તો બે ચોરોને એકબીજાની પીઠ સટાડીને થાંભલે બાંધવામાં આવ્યા હતા અને તેમની ઉપર એક ચમકીલો ગુલાબી રંગનો ચેતવણી સૂચક બોર્ડ પણ લગાવવામાં આવ્યો હતો.
ચોરીની બાઈક સાથે જ છોડી દે છે આરોપીઓને
આ ઘટનાક્રમની સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે, જે મોટરસાયકલની ચોરી કરવાનો આરોપ આ વ્યક્તિઓ પર હોય છે, તે બાઈકને પણ આ ‘બેટમેન’ તેમની નજીક જ લાવીને મૂકી દે છે, જાણે કે તે કોઈને પુરાવા બતાવી રહ્યો હોય. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, ૧૩ જૂનથી શરૂ થયેલી આ સિલસિલાબદ્ધ ઘટનાઓમાં અત્યાર સુધીમાં ૫ લોકો આ રીતે થાંભલે બંધાયેલા મળી આવ્યા છે.
પોલીસ માટે માથાનો દુખાવો બન્યો રહસ્યમયી ‘બેટમેન’
આ અનોખી સજા આપનાર વ્યક્તિને શોધવા માટે જલિસ્કો પોલીસે હવે કવાયત તેજ કરી દીધી છે. સુરક્ષા વિભાગના સચિવ જુઆન પાબ્લો હર્નાન્ડેઝે જણાવ્યું છે કે, પોલીસ આ રહસ્યમયી વ્યક્તિની સક્રિયપણે શોધ કરી રહી છે. જોકે, પોલીસની મોટી સમસ્યા એ છે કે જે વ્યક્તિઓને થાંભલે બાંધવામાં આવ્યા છે, તેમને પોલીસ અત્યારે ‘પીડિત’ માની રહી છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ હજુ સુધી એ સ્પષ્ટ કરી શકી નથી કે આ તમામ વ્યક્તિઓ ખરેખર ચોરીના ગુનામાં સામેલ હતા કે કેમ. આ રહસ્યમયી ‘બેટમેન’ની ઓળખ હજુ સુધી અકબંધ છે અને તે કાયદા માટે એક મોટી પડકારરૂપ બની ગયો છે.
(5:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
