<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd November 2026

બિસ્‍લેરીનું પાણી પીતા પહેલાં ચેતી જજો! તપાસમાં મળ્‍યા કેન્‍સરના ખતરનાક કેમિકલ

ફૂડ સેફટી એન્‍ડ સ્‍ટાન્‍ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્‍ડિયાએ જાણીતી પેકેજ્‍ડ વોટર કંપની બિસ્‍લેરી ઈન્‍ટરનેશનલ સામે કાયદેસરનો કેસ ચલાવવાની મંજૂરી આપી

નવી દિલ્‍હી,તા.૨૩: પ્રવાસ દરમિયાન હોય કે બહાર ફરવા ગયા હોઈએ, તરસ લાગે ત્‍યારે મોટાભાગના લોકો કોઈ પણ ખચકાટ વગર 'શુદ્ધ અને સુરક્ષિત' માનીને બિસલેરી જેવી જાણીતી બ્રાન્‍ડની પાણીની બોટલ ખરીદતા હોય છે. પરંતુ, તાજેતરમાં સામે આવેલા એક અહેવાલે ગ્રાહકોની આ માન્‍યતા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો કર્યો છે. પીટીઆઈ (PTI)ના અહેવાલ મુજબ, ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI)એ રવિવારે બિસલેરી ઈન્‍ટરનેશનલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી એટલે કે મુકદ્દમો ચલાવવાની મંજૂરી આપી દીધી છે.

FSSAI દ્વારા કરવામાં આવેલી તપાસમાં બિસલેરી ઈન્‍ટરનેશનલના પેકેજ્‍ડ ડ્રિકિગ વોટર (પેકેજ્‍ડ પીવાના પાણી) ના નમૂનાની ચકાસણી કરવામાં આવી હતી. આ પરીક્ષણ દરમિયાન પાણીના નમૂનામાં નિયત મર્યાદા કરતા વધુ પ્રમાણમાં બ્રોમેટ (Bromate) અને પોલીન્‍યૂક્‍લિયર એરોમેટિક હાઈડ્રોકાર્બન્‍સ (Polycyclic Aromatic Hydrocarbons) જેવા તત્‍વો મળી આવ્‍યા હતા. નિયામક સંસ્‍થાએ આ સ્‍થિતિને ગંભીર ગણીને પાણીના નમૂનાને 'અસુરક્ષિત' જાહેર કર્યો છે.

બ્રોમેટ અને હાઈડ્રોકાર્બન્‍સની માત્રા વધુ FSSAI ની તપાસમાં બિસ્‍લેરી ઈન્‍ટરનેશનલના પેકેજ્‍ડ ડ્રિકિગ વોટરના નમૂનામાં નિર્ધારિત મર્યાદા કરતા વધુ પ્રમાણમાં 'બ્રોમેટ' અને 'પોલીન્‍યુક્‍લિયર એરોમેટિક હાઈડ્રોકાર્બન્‍સ' મળી આવ્‍યા છે. જેના કારણે આ પાણીને સ્‍વાસ્‍થ્‍ય માટે અસુરક્ષિત જાહેર કરવામાં આવ્‍યું છે.

પ્રથમ અને બીજી તપાસમાં ફેલઃ પ્રથમ તપાસમાં પાણીમાં 'બ્રોમેટ' (Bromate)ની માત્રા નિર્ધારિત મર્યાદા કરતા વધુ મળી આવી હતી. કંપનીએ તેના પર વાંધો ઉઠાવતા બીજી વખત તપાસ કરવામાં આવી, પરંતુ તેમાં પણ પાણી અસુરક્ષિત જણાયું અને તેમાં કેન્‍સર પેદા કરતા 'PAHs' જેવા જોખમી તત્‍વો મળી આવ્‍યા.

સીધા પરિસરમાંથી લેવાયા હતા સેમ્‍પલઃ ખાસ વાત એ છે કે પાણીના આ સેમ્‍પલ બજારમાંથી નહીં, પરંતુ સીધા બિસ્‍લેરી કંપનીના પરિસરમાંથી જ લેવામાં આવ્‍યા હતા. બ્રોમેટ અને PAHs બંનેને કેન્‍સર સાથે જોડાયેલા પદાર્થોની શ્રેણીમાં રાખવામાં આવે છે. ૫૦ વર્ષથી વધુ જૂની આ બ્રાન્‍ડ સામે ફૂડ સેફટી એક્‍ટ, ૨૦૦૬ હેઠળ કેસ ચલાવવામાં આવશે.

મોટી કંપનીઓ સાથે વિવાદઃ આ ઘટના એવા સમયે સામે આવી છે, જ્‍યારે FSSAI વિવિધ બેવરેજ કંપનીઓની તપાસ કરી રહ્યું છે. અગાઉ જૂન મહિનામાં FSSAI એ 'એનર્જી ડ્રિક'ના લેબલના ઉપયોગ પર વાંધો ઉઠાવ્‍યો હતો, કારણ કે આ પીણાંમાં ખાંડનું પ્રમાણ ખૂબ જ વધુ હોય છે, અને આવા લેબલથી ગ્રાહકો ગેરમાર્ગે દોરાઈ શકે છે.

રેડ બુલને કોર્ટમાંથી સ્‍ટે, જાન્‍યુઆરીમાં સુનાવણી રેડ બુલ (Red Bull), પેપ્‍સિકો, મોન્‍સ્‍ટર બેવરેજ અને રિલાયન્‍સ કન્‍ઝ્‍યુમરે FSSAI આ આદેશને દિલ્‍હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. હાલમાં રેડ બુલને કોર્ટ તરફથી સ્‍ટે મળ્‍યો છે, જેનાથી તે હાલ એનર્જી ડ્રિક લેબલનો ઉપયોગ ચાલુ રાખી શકે છે, જ્‍યારે અન્‍ય કંપનીઓને વર્તમાન સ્‍ટોક પૂરો થયા બાદ આ લેબલ બંધ કરવા જણાવાયું છે. FSSAI એ રેડ બુલને મળેલી રાહતને પણ પડકારી છે, જેની આગામી સુનાવણી જાન્‍યુઆરીમાં થશે.

(10:09 AM IST)