News of Saturday, 2nd May 2026
ઉત્તરમાં ફરવા જવાનું આયોજન હોય તો સાવધાન! હવામાન વિભાગે કરી કડાકા-ભડાકા સાથે વરસાદની આગાહી: પહાડી વિસ્તારોમાં કરા પડવાનું એલર્ટ
આગામી ૭ દિવસ ઝારખંડ, બિહાર અને ઓડિશામાં ૫૦ કિમીની ઝડપે પવન ફૂંકાશે; પૂર્વોત્તર રાજ્યોમાં અતિભારે વરસાદની ચેતવણી વચ્ચે પર્યટકોને સાવચેત રહેવા સૂચના

અમદાવાદ: દેશના અનેક રાજ્યોમાં કાળઝાળ ગરમીની વચ્ચે હવે કુદરત પોતાનો મિજાજ બદલવા જઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન દેશના પૂર્વ, ઉત્તર અને પૂર્વોત્તર ભાગોમાં વીજળીના કડાકા અને જોરદાર પવન સાથે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં મુસાફરી કરવાનું આયોજન કરી રહેલા લોકો માટે હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે.
પહાડી અને મેદાની વિસ્તારોમાં કરાની ચેતવણી
૩ થી ૬ મે દરમિયાન જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ:
• ૩ મેના રોજ જમ્મુ-કાશ્મીરમાં અને ૪ મેના રોજ હિમાચલમાં કરા પડી શકે છે.
• ૪-૫ મે દરમિયાન ઉત્તરાખંડ, પંજાબ અને હરિયાણામાં પણ કરા પડવાની શક્યતા છે.
• ૪ મેના રોજ રાજસ્થાનમાં ધૂળભરી આંધી ચાલવાની ચેતવણી આપવામાં આવી છે.
પૂર્વોત્તર અને દક્ષિણ ભારતમાં સ્થિતિ
પૂર્વોત્તર રાજ્યોમાં આગામી પાંચ દિવસ સુધી કુદરતનો પ્રકોપ જોવા મળી શકે તેમ છે. અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને મણિપુરમાં ૨ થી ૪ મે દરમિયાન ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ભારતના રાજ્યો જેવા કે તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં પણ ૬ મે સુધી છૂટોછવાયો વરસાદ અને ગાજવીજ સાથે પવન ફૂંકાઈ શકે છે. ૨ મેના રોજ લક્ષદ્વીપ અને દરિયાકાંઠાના કર્ણાટકમાં વીજળી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ઉત્તર પ્રદેશ અને પંજાબમાં આંધીનું એલર્ટ
પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં ૪ અને ૫ મેના રોજ પવનની ગતિ ૫૦-૬૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. ઉત્તર પ્રદેશમાં પણ પશ્ચિમ વિસ્તારમાં ૩ થી ૬ મે અને પૂર્વ ઉત્તર પ્રદેશમાં ૪ થી ૭ મે દરમિયાન વીજળીના કડાકા સાથે આંધી અને વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઝારખંડ, બિહાર અને ઓડિશામાં પણ આગામી સપ્તાહ દરમિયાન વરસાદી માહોલ જામશે.
(9:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
