તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
WhatsApp Web નો ઉપયોગ કરો છો તો સાવધાન : પબ્લિક કમ્પ્યુટર પર લોગઆઉટ કર્યા વગર સેશન છોડ્યું તો હેક થઈ શકે છે તમારું એકાઉન્ટ : ગૃહ મંત્રાલયની I4C એ જાહેર કરી ગંભીર ચેતવણી
ફક્ત બ્રાઉઝર બંધ કરવાથી સેશન ખતમ થતું નથી, દર વખતે મેન્યુઅલી લોગઆઉટ કરવું જરૂરી : સાયબર કાફે, હોટલ કે શેર કરેલા કમ્પ્યુટર પર WhatsApp Web ન વાપરવા સલાહ

નવી દિલ્હી તા.૨૪ : WhatsApp Web નો ઉપયોગ કરતા કરોડો વપરાશકર્તાઓ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગંભીર ચેતવણી જાહેર કરી છે, ગૃહ મંત્રાલયની સાયબર ક્રાઈમ વિરોધી પાંખ ઇન્ડિયન સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર I4C ના નેશનલ સાયબરક્રાઈમ થ્રેટ એનાલિટિક્સ યુનિટ NCTAU એ સોમવારે Safe Use of WhatsApp Web નામની એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પબ્લિક કમ્પ્યુટર, ઓફિસ કમ્પ્યુટર કે શેર કરેલા ડિવાઇસ પર WhatsApp Web નું સેશન લોગઆઉટ કર્યા વગર છોડી દેવામાં આવે તો તે સાયબર ગુનેગારો માટે તમારા એકાઉન્ટમાં ઘૂસવાનો દરવાજો બની શકે છે, એક વખત કોઈ વ્યક્તિને તમારા ઓથેન્ટિકેટેડ સેશનની પહોંચ મળી જાય તો તે તમારા પાસવર્ડ કે OTP વગર જ તમારા પ્રાઇવેટ મેસેજ વાંચી શકે છે, તમારા નામે મેસેજ મોકલી શકે છે, કોન્ટેક્ટ લિસ્ટ અને ગ્રુપ વાતચીત જોઈ શકે છે અને તમારી વિશ્વસનીય ઓળખનો ઉપયોગ કરીને ફ્રોડ, ફિશિંગ અને સોશિયલ એન્જિનિયરિંગ જેવા ગુના આચરી શકે છે, એડવાઇઝરીમાં સૌથી મહત્ત્વની વાત એ કહેવામાં આવી છે કે ફક્ત બ્રાઉઝરની વિન્ડો કે ટેબ બંધ કરવાથી સેશન ખતમ થતું નથી, સેશન એક્ટિવ રહે છે, તેથી દરેક સેશન પછી મેન્યુઅલી લોગઆઉટ કરવું જ ફરજિયાત છે, વપરાશકર્તાઓને ખાસ કરીને ઓફિસ કમ્પ્યુટર, શેર કરેલી સિસ્ટમ, પબ્લિક કમ્પ્યુટર કે અન્ય વ્યક્તિની પહોંચ હોય તેવા ડિવાઇસ પર WhatsApp Web વાપરતી વખતે સાવધાન રહેવા કહેવામાં આવ્યું છે, સરકારી, સંસ્થાકીય, નાણાકીય, ગોપનીય કે અન્ય સંવેદનશીલ માહિતી WhatsApp Web સેશન મારફતે ન મોકલવા સલાહ આપવામાં આવી છે, જો ઉપયોગ અનિવાર્ય હોય તો ઇનકોગ્નિટો કે પ્રાઇવેટ બ્રાઉઝિંગ મોડનો ઉપયોગ કરવો અને પછી પણ લોગઆઉટ કરવું, સાયબર કાફે, પબ્લિક કિઓસ્ક, હોટલ બિઝનેસ સેન્ટર, ઉધાર લીધેલા કમ્પ્યુટર કે અન્ય અવિશ્વસનીય સિસ્ટમ પર તો WhatsApp Web માં લોગિન જ ન કરવા સૂચના આપવામાં આવી છે, તમારા એકાઉન્ટમાંથી તમારા મોકલ્યા વગર મેસેજ જાય, કોન્ટેક્ટ તરફથી અજીબ જવાબ આવે કે કોઈ અજાણી પ્રવૃત્તિ દેખાય તો તેને ગંભીરતાથી લેવા કહેવામાં આવ્યું છે, આ સાથે જ ડિવાઇસ, ઓપરેટિંગ સિસ્ટમ, બ્રાઉઝર અને સિક્યોરિટી સોફ્ટવેર અપડેટ રાખવા અને શંકાસ્પદ ડાઉનલોડ, અજાણી ફાઇલો અને ક્રેક સોફ્ટવેરથી દૂર રહેવા પણ સૂચના આપવામાં આવી છે, આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે અગાઉ જૂન અને ઓગસ્ટ 2026માં પણ I4C એ બોસ સ્કેમ અને CEO ઇમ્પર્સોનેશન જેવા ફ્રોડ અંગે ચેતવણી આપી હતી, જેમાં માલવેર દ્વારા WhatsApp Web ના સેશન ટોકન હાઇજેક કરવાનો પ્રયાસ થતો હોવાનું સામે આવ્યું હતું, નિષ્ણાતોનું કહેવું છે કે એક નાની ભૂલ, એટલે કે લોગઆઉટ કર્યા વગર સેશન છોડી દેવું, તમારા આખા એકાઉન્ટ અને તમારા સંપર્કો માટે મોટું જોખમ બની શકે છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
