News of Wednesday, 1st July 2026
દલાલ સ્ટ્રીટમાં રીંછ હાર્યા, આખલાઓની ધમાકેદાર વાપસી: સેન્સેક્સે લગાવ્યો ૪૪૩ પોઈન્ટનો કુદકો, નિફ્ટી ૨૪,૦૦૦ ને પાર: સેન્સેક્સ ૪૪૩.૯૭ પોઈન્ટના મજબૂત વધારા સાથે ૭૬,૯૨૨.૬૪ ની સપાટી પર બંધ બીજી તરફ, નિફ્ટી પણ ૧૪૦.૧૦ પોઈન્ટની તેજી સાથે ૨૪,૦૦૫.૮૫ ના મનોવૈજ્ઞાનિક સ્તરને પાર કરવામાં સફળ
ઓટો અને FMCG શેરોમાં આવેલી તોફાની તેજીથી બજારમાં રોકાણકારો ગદગદ; વૈશ્વિક બજારોના પોઝિટિવ સંકેતોએ પણ ભરી હૂંફ

મુંબઈ, તા.૦૧: છેલ્લા કેટલાક દિવસોના ભારે ઘટાડા અને અસ્થિરતા બાદ ભારતીય શેરબજારમાં બુધવારે શાનદાર રિકવરી જોવા મળી છે. વેચવાલીના દબાણને ફગાવીને બજારના બંને મુખ્ય સૂચકાંકો - સેન્સેક્સ અને નિફ્ટી - જોરદાર ઉછાળા સાથે લીલા નિશાનમાં બંધ થયા છે. આજના કારોબારના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ ૪૪૩.૯૭ પોઈન્ટ (૦.૫૮%) ના મજબૂત વધારા સાથે ૭૬,૯૨૨.૬૪ ની સપાટી પર બંધ રહ્યો હતો. બીજી તરફ, નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ ૧૪૦.૧૦ પોઈન્ટની તેજી સાથે ૨૪,૦૦૫.૮૫ ના મનોવૈજ્ઞાનિક સ્તરને પાર કરવામાં સફળ રહ્યો હતો.
આ બે સેક્ટર્સે બજારમાં ફૂંક્યો પ્રાણ
આજની આ તેજી પાછળ મુખ્યત્વે ઓટોમોબાઈલ અને FMCG (ફાસ્ટ મુવિંગ કન્ઝ્યુમર ગુડ્સ) સેક્ટરના શેરોનો સિંહફાળો રહ્યો હતો. જૂન મહિનાના ઓટો વેચાણના આંકડા અપેક્ષા કરતાં ઘણા સારા આવતા રોકાણકારોએ ઓટો શેરોમાં ધૂમ ખરીદી કરી હતી, જેના કારણે નિફ્ટી ઓટો ઈન્ડેક્સ ૧ ટકાથી વધુ ઉછળ્યો હતો. ગ્રામીણ માંગમાં સુધારાની આશાએ FMCG ઈન્ડેક્સમાં પણ ૧.૫ ટકાથી વધુનો તોતિંગ નફો નોંધાયો હતો. આ ઉપરાંત રિયલ એસ્ટેટ સેક્ટરમાં પણ રોકાણકારોનું સેન્ટિમેન્ટ મજબૂત જોવા મળ્યું હતું. જોકે, આ તેજી વચ્ચે આઈટી (IT), મેટલ અને ફાર્મા શેરો પર થોડું દબાણ જોવા મળ્યું હતું અને તેમાં નજીવો ઘટાડો નોંધાયો હતો.
ગ્લોબલ માર્કેટ તરફથી મળી મજબૂત કિક
ભારતીય બજારને સ્થાનિક પરિબળો ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારોમાંથી પણ પૂરતો સપોર્ટ મળ્યો હતો. એશિયન બજારોમાં આજે સવારથી જ રોનક જોવા મળી હતી. જાપાનનો નિક્કી (Nikkei), તાઈવાનનો વેઈટેડ ઈન્ડેક્સ અને ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ નોંધપાત્ર વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જેની હકારાત્મક અસર ભારતીય રોકાણકારોના મનોબળ પર પડી હતી. જોકે, દક્ષિણ કોરિયાના કોસ્પી (Kospi) માં જોવા મળેલા ઘટાડાને કારણે ભારતીય આઈટી શેરોની આગેકૂચ થોડી અટકી હતી. નિષ્ણાતોના મતે, આગામી દિવસોમાં જો વૈશ્વિક તણાવ હળવો રહેશે તો બજારમાં આ તેજી વધુ આગળ વધી શકે છે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
