તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
બ્યૂમોન્ટ શહેરના ખજાનચી અનુપ ગીરીશ પટેલે ૧.૬૬ મિલિયન ડોલરની આવક છૂપાવીને ટેક્સમાં ચોરી કરી
કેલિફોર્નિયામાં મોટેલ ચલાવતા ગુજરાતી પર ટેક્સ ચોરીનો આરોપ

કેલિફોર્નિયા તા.૧૭: કેલિફોર્નિયાના બ્યૂમોન્ટ શહેરના ખજાનચી તેમજ મોટેલ ઓપરેટર અનુપ ગીરીશ પટેલ ઉર્ફે AJ પર લાખો ડોલરની ટેક્સ ચોરીનો આરોપ મૂકવામાં આવ્યો છે. રિવરસાઈડ કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટર્નીના જણાવ્યા અનુસાર અનુપ પટેલ સામે પબ્લિક કરપ્શન અંગેની તપાસમાં મળેલા પુરાવા બાદ છ ફેલોની ચાર્જિસ લગાવવામાં આવ્યા છે. પ્રોસેક્યુટર્સનો આરોપ છે કે આરોપીએ બ્યૂમોન્ટમાં આવેલી પોતાની મોટેલને ભરવાના થતાં ટ્રાન્ઝિઅન્ટ ઓક્યુપન્સી ટેક્સ અથવા TOTને લગતી ખોટી માહિતી આપી ૧,૬૬,૭૩૯ ડોલરની ટેક્સ ચોરી કરી છે. ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસના જણાવ્યા અનુસાર આરોપીએ એપ્રિલ ૨૦૨૦થી ડિસેમ્બર ૨૦૨૩ દરમિયાન મલ્ટિપલ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યા હતા જેમાં તેમણે ઝીરો ગ્રોસ રેટ મળ્યું હોવાનું જણાવ્યું હતું.
આ મામલે પ્રોસેક્યુટર્સનું એવું કહેવું છે કે આરોપીએ ટેક્સ રિટર્નમાં આપેલી માહિતીથી વિરૂદ્ધ જાન્યુઆરી ૨૦૨૧થી ડિસેમ્બર ૨૦૨૩ના સિટી ઓડિટમાં તેમની મોટેલે ગ્રોસ રેન્ટ પેટે ડોલર ૧૬,૬૭,૩૦૦ એટલે કે ૧.૬૬ મિલિયન ડોલર ગ્રોસ રેન્ટ પેટે કલેક્ટ કર્યા હોવાનું જાણવા મળ્યું હતું. ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસનો આક્ષેપ છે કે આ ગ્રોસ રેન્ટ પર અનુપ પટેલે ટ્રાન્ઝિઅન્ટ ઓક્યુપન્સી ટેક્સ પેટે ૧,૬૬,૭૩૦ ડોલર ચૂકવવાના થતા હતા, અને હવે આ રકમ દંડ સાથે વસૂલ કરવામાં આવશે. તેમની સામે જે છ ફેલોની ચાર્જિસ લગાવવામાં આવ્યા છે તેમાં ત્રણ ચાર્જિસ આઈડેન્ટિટી થેફટ, ફોર્જરી તેમજ ફોલ્સ પર્સોનેશન અને ખોટી માહિતી સબમિટ કરાવવાને લગતા છે. તપાસ અધિકારીઓએ અનુપ પટેલ પર બીજા કોઈની ઓળખનો ઉપયોગ કરીને ફ્રોડેન્ટલ લીઝ અગ્રિમેન્ટ તૈયાર કરી પોતાને ચૂકવવાના થતા ટેક્સની ખોટી માહિતી આપી હોવાનો પણ આરોપ લગાવ્યો છે.
આ મામલામાં હાલ આરોપી અનુપ પટેલે ૩૦ હજાર ડોલરના બેલ પોસ્ટ કરી દીધા છે, તેમને ઓક્ટોબર ૨૬ના રોજ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવશે. હાલ તેમના પર જે ચાર્જિસ લગાવાયા છે તે જો કોર્ટમાં પુરવાર થાય તો તેમાં વધુમાં વધુ છ વર્ષ અને ચાર મહિના સુધીની જેલની સજા થઈ શકે છે. લાખો ડોલરની ટેક્સ ચોરી કરવાના આરોપોનો સામનો કરી રહેલા અનુપ પટેલ પોતે પાછા બ્યૂમોન્ટ સિટીના ટ્રેઝરર એટલે કે ખજાનચી છે. સિટી ઓફ બ્યૂમોન્ટે આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવયું છે કે અનુપ પટેલ પર લાગેલા આરોપ તેમના પ્રાઈવેટ બિઝનેસને લગતા છે અને શહેરના ખજાનચી તરીકેની તેમની સત્તાવાર ફરજ સાથે તેને કંઈ લાગતું વળગતું નથી. સિટી કાઉન્સિલે અનુસ પટેલ સામે આ મામલે સિવિલ લોસ્યૂટ ફાઈલ કરાયો હોવાની સાથે ડિસ્ટ્રિક્ટ એટર્ની ઓફિસને આ અંગે જાણ કરી હોવાની પણ પુષ્ટિ કરી છે. બ્યૂમોન્ટ સિટી કાઉન્સિલની વેબસાઈટમાં અનુપ પટેલને હાલ પણ સિટી ટ્રેઝરર તરીકે દર્શાવાઈ રહ્યા છે.
કેલિફોર્નિયામાં મોટેલ, હોટેલ કે પછી Airbnbમાં ત્રીસ દિવસથી ઓછા સમય માટે રોકાતા ગેસ્ટ પાસેતી ટ્રાન્ઝિઅટ ઓક્યુપન્સી ટેક્સ વસૂલવામાં આવે છે. આ ટેક્સ જે-તે મોટેલ કે હોટેલે કસ્ટમર પાસેથી લઈને સિટી કાઉન્સિલને ચૂકવવાનો હોય છે. જોકે, દસ ટકા જેટલો ટેક્સ પે ના કરવો તે માટે કેટલાક મોટેલ ઓનર્સ શોર્ટ ટર્મ માટે પ્રોપર્ટીમાં રહેતા ગેસ્ટ પાસેથી થયેલી આવકને દર્શાવતા જ નથી હોતા. આ ઉપરાંત કેશમાં થતી લેવડ-દેવડમાં પણ કોઈ ભાગ્યે જ ટેક્સ ચૂકવે છે. જેમ પ્રોપર્ટીના ઓનર ટેક્સમાં ચોરી કરતા હોય છે તેવી જ રીતે ત્યાં કામ કરતા અમુક દેસીઓ ગેસ્ટને કેશ પેમેન્ટ પર સારું એવું ડિસ્કાઉન્ટ ઓફર કરી તમામ પૈસા પોતાના ખિસ્સામાં સેરવી લેતા હોય છે.
ટેક્સમાં ચોરી કરવા ઉપરાંત મોટેલના બિઝનેસ તેમજ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શનને લગતા ખોટા ડોક્યુમેન્ટ્સ રજૂ કરી પ્રોપર્ટી પર મોટી લોન લઈ લેવાના ખેલ પણ અમેરિકામાં મોટાપાયે ચાલે છે અને તેમાં ઘણા દેસીઓ પણ સંડોવાયેલા છે. હજુ થોડા દિવસો પહેલા જ ન્યૂજર્સીમાં રહેતી અને મોટેલ બિઝનેસ સાથે સંકળાયેલી મૂળ ગુજરાતી શેઠ ફેમિલી પર ૧૦૦ મિલિયન ડોલરથી પણ વધુનું કૌભાંડ કરવાના આક્ષેપ સાથે અમેરિકાની સરકારે સિવિલ લો સ્યૂટ ફાઈલ કર્યો હતો. શેઠ ફેમિલી બનાવટી પેપર્સ રજૂ કરીને તેમજ માત્ર કહેવા ખાતર પોતાની પ્રોપ્રટીને બીજા કોઈના નામે ટ્રાન્સફર કરી બેંકોની આંખોમાં ધૂળ નાખીને લાખો ડોલરની લોન લેતી હતી, આ ફેમિલી ઘણી લોન ભરવામાં ડિફોલ્ટ થઈ હતી બેંકને ગેરમાર્ગે દોરી તેણે પોતાની જ પ્રોપર્ટીઝને બીજા કોઈના નામે સસ્તામાં ખરીદી લઈ બેંકોને લાખો ડોલરનો ચૂનો લગાવ્યો હતો.
(9:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
