તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
બેંગલુરુમાં લોકશાહીની સુંદર તસવીર: રાજકીય મતભેદો ભૂલી PM મોદી અને ડીકે શિવકુમારની અનોખી 'કેમેસ્ટ્રી' : UPIથી ટિકિટ ખરીદી સાથે કરી મેટ્રોની સવારી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ₹3,470 કરોડના ખર્ચે તૈયાર થયેલી બેંગલુરુ મેટ્રોની 'પિંક લાઇન' અને બેંગલુરુ-મેંગલુરુ-મડગાંવ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી: ઉદ્ઘાટન સમયે પીએમ મોદીએ ડીકે શિવકુમારનો હાથ પકડીને ધ્વજ લહેરાવ્યો, ₹15,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની કર્ણાટકને ભેટ

બેંગલુરુ : રાજકીય વિચારધારા અને પક્ષીય મતભેદોથી ઉપર ઉઠીને દેશના વિકાસ માટે એકસાથે ચાલવાની ભારતીય લોકશાહીની સુંદર તસવીર શુક્રવારે બેંગલુરુમાં જોવા મળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેંગલુરુ મેટ્રોની બહુપ્રતીક્ષિત 'પિંક લાઇન' અને બેંગલુરુ-મેંગલુરુ-મડગાંવ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે વડાપ્રધાન મોદી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ડીકે શિવકુમાર વચ્ચે અદભુત 'કેમેસ્ટ્રી' અને આત્મીયતા જોવા મળી હતી. મેટ્રોને લીલી ઝંડી આપતી વખતે પીએમ મોદીએ ડીકે શિવકુમારનો હાથ પકડીને સંયુક્ત રીતે ધ્વજ લહેરાવ્યો હતો, જ્યારે બંને નેતાઓ હળવાશના મૂડમાં એકબીજા સાથે હસતા અને વાતચીત કરતા કેમેરામાં કેદ થયા હતા.
ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન મોદી અને ડીકે શિવકુમારે સામાન્ય નાગરિકોની જેમ મેટ્રો કાઉન્ટર પર જઈને ડિજિટલ પેમેન્ટ એટલે કે UPIનો ઉપયોગ કરીને પોતાની ટિકિટ ખરીદી હતી. ત્યારબાદ બંને નેતાઓએ રાજ્યપાલ સુધા યાદવ, સાંસદ તેજસ્વી સૂર્યા અને મંત્રી કેબી ગૌડા સાથે તાવરેકેરેથી IIM બેંગલુરુ મેટ્રો સ્ટેશન સુધીના 7.5 કિલોમીટરના રૂટ પર મેટ્રોમાં મુસાફરી કરી હતી. સમગ્ર મુસાફરી દરમિયાન પીએમ મોદી અને ડીકે શિવકુમાર એકબીજાની બાજુમાં બેસીને ઉત્સાહપૂર્વક ચર્ચા કરતા જોવા મળ્યા હતા, જે દ્રશ્યો સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
આ ઐતિહાસિક અવસર પર સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આજનો દિવસ બેંગલુરુ અને સમગ્ર કર્ણાટકની વિકાસ યાત્રાને નવી ગતિ આપશે. તેમણે ઉમેર્યું કે રાજ્યમાં કનેક્ટિવિટી અને ઉર્જા સુરક્ષા સંબંધિત ₹15,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનો શુભારંભ કરવામાં આવ્યો છે, જે માળખાગત સુવિધાઓને નવી તાકાત આપશે. ઉલ્લેખનીય છે કે કાલેના અગ્રહારાથી તાવરેકેરેને જોડતી મેટ્રોની પિંક લાઇન આશરે ₹3,470 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે, જેનાથી બેંગલુરુના ટ્રાફિકમાં મોટી રાહત મળશે, જ્યારે નવી વંદે ભારત એક્સપ્રેસ બેંગલુરુ, દરિયાકાંઠાના કર્ણાટક અને ગોવા વચ્ચેના જોડાણને વધુ મજબૂત બનાવશે.
(6:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
