News of Sunday, 5th July 2026
બ્યુટી ક્રીમ કે કિડની માટે ઝેર? મહારાષ્ટ્રમાં પાકિસ્તાની ફેરનેસ ક્રીમ સહિત ૩ પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ
કાનૂની મર્યાદા કરતાં ૭૫૨ ગણો વધુ ઝેરી પારો (મરક્યુરી) ધરાવતી 'ગોરી બ્યુટી ક્રીમ' અને 'ફેસ ફ્રેશ' ઓનલાઈન માર્કેટમાંથી જપ્ત: નાગપુરમાં ક્રીમ વાપરતી ૧૮ મહિલાઓની કિડની ફેલ થતાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની કડક કાર્યવાહી

મુંબઈ: સુંદર અને ગોરા દેખાવાની ઘેલછામાં મહિલાઓ કેવી ખતરનાક પ્રોડક્ટ્સનો શિકાર બની રહી છે, તેનો એક ચોંકાવનારો કિસ્સો મહારાષ્ટ્રમાં સામે આવ્યો છે. મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ લેબ ટેસ્ટિંગ બાદ પાકિસ્તાનમાં બનતી પ્રખ્યાત 'ગોરી બ્યુટી ક્રીમ', 'ફેસ ફ્રેશ ગોલ્ડ' (ક્રીમ અને સીરમ) તેમજ 'ગોલ્ડન સ્ટાર બ્યુટી ક્રીમ' પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. મીશો સહિતની લોકપ્રિય ઓનલાઈન શોપિંગ સાઇટ્સ અને ઇન્સ્ટાગ્રામ પેજીસ દ્વારા ધૂમ વેચાતી આ ક્રીમ્સમાં ઝેરી ધાતુઓ પારો (મરક્યુરી) અને સીસું (લેડ) ખતરનાક સપાટીએ મળી આવ્યા છે, જે માનવ શરીર માટે અત્યંત ઘાતક છે.
આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે નાગપુરના તબીબોએ છેલ્લા બે વર્ષમાં કિડનીની ગંભીર બીમારીથી પીડાતી ૧૮ મહિલાઓની તબીબી તપાસ કરી. આ તમામ મહિલાઓમાં એક સમાન બાબત એ જોવા મળી કે તેઓ ત્વચાને ચમકાવવા માટે 'ગોરી બ્યુટી ક્રીમ' નો નિયમિત ઉપયોગ કરતી હતી. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ ક્રીમમાં પારાનું સ્તર નિર્ધારિત કાનૂની મર્યાદા કરતાં ૭૫૨ ગણું વધારે હોવાનું પ્રયોગશાળાના પરીક્ષણમાં સાબિત થયું છે. આ ઝેરી પારો ત્વચામાં રહેલા મેલાનિનના ઉત્પાદનને રોકીને કામચલાઉ ધોરણે ચહેરો ગોરો તો કરે છે, પરંતુ તે લોહી વાટે શરીરમાં પ્રવેશીને કિડની અને નર્વસ સિસ્ટમને કાયમ માટે નુકસાન પહોંચાડે છે.
ફક્ત ભારત જ નહીં, પરંતુ ન્યુઝીલેન્ડ અને ફિલિપાઇન્સ જેવા દેશોએ પણ ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અગાઉ આ બ્રાન્ડ્સ અને તેના જેવા જ કોસ્મેટિક્સ પર પ્રતિબંધ લાદેલો છે, કારણ કે આ કંપનીઓ બેચ નંબર, ઉત્પાદન કે એક્સપાયરી ડેટ જેવી અનિવાર્ય કાનૂની વિગતો પણ છુપાવતી હતી. એફડીએ અને તબીબોએ સામાન્ય જનતાને સખત અપીલ કરી છે કે જો તેમના પરિવાર, મિત્રો કે ઘરમાં કામ કરતા લોકો આવી કોઈ ક્રીમ વાપરતા હોય તો તેને તાત્કાલિક કચરાપેટીમાં ફેંકી દે. આ આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રતિબંધો અને વધી રહેલા તબીબી કેસોએ હવે બ્યુટી પ્રોડક્ટ્સના બજારમાં ચાલતા કાળા કારોબાર સામે લાલબત્તી ધરી દીધી છે.
(9:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
