તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
વ્રજ મંડળના અગ્રવન આગ્રામાં પૂ. મોરારિબાપુની ‘માનસ ઋષિ પંચમી’ રામકથાનો પ્રારંભ : ઋષિ પંચમી, ગણેશ ચોથ અને સંવત્સરીની પાઠવી મંગળ કામનાઓ
"વિશ્વને વાણી દ્વારા ઋષિ અને મૌન દ્વારા મુનિ જાગૃત કરે છે" : ૨૩ વર્ષ બાદ આગ્રાની પવિત્ર ભૂમિ પર પુનઃ રામકથા ગાનનો સુંદર સંયોગ

આગ્રા: વ્રજ મંડળના પવિત્ર વન અગ્રવન આગ્રા ખાતે પૂ. મોરારિબાપુના શ્રીમુખે ‘માનસ ઋષિ પંચમી’ રામકથાનો મંગળ પ્રારંભ થયો છે. મંગલાચરણ વંદના સાથે કથા ગાનનો પ્રારંભ કરતાં પૂ. મોરારિબાપુએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વને વાણી દ્વારા ઋષિ અને મૌન દ્વારા મુનિ જાગૃત કરવાનું કાર્ય કરે છે. આ પાવન પ્રસંગે તેમણે ઋષિ પાંચમ, ગણેશ ચોથ અને પવિત્ર સંવત્સરી પર્વની દેશ અને દુનિયાના શ્રદ્ધાળુઓને હાર્દિક મંગળ કામનાઓ પાઠવી હતી.
દેશ અને વિદેશમાં સત્ય, પ્રેમ અને કરુણાનો દિવ્ય સંદેશ ફેલાવતાં પૂ. મોરારિબાપુએ રામચરિતમાનસની પ્રસિદ્ધ ચોપાઈ ‘એક બાર ત્રેતા જુગ માહીં સંભુ ગયે કુંભજ રિષિ પાહીં...’ ને કેન્દ્રમાં રાખીને ‘માનસ ઋષિ પંચમી’ કથાનું ગાન શરૂ કર્યું હતું. સનાતન શાસ્ત્રોનો મહિમા વર્ણવતાં તેમણે ઉમેર્યું હતું કે ઋષિઓ અને મુનિઓ પોતાના તપ અને વિચારોથી માનવજાતને સતત સન્માર્ગે વાળે છે.
કથાના પ્રારંભિક સત્રમાં પૂ. બાપુએ રામકથાના વિશાળ નભોમંડળમાં વિરાજમાન સાત મુખ્ય ઋષિઓ - વાલ્મીકી, વશિષ્ઠ, વિશ્વામિત્ર, યાજ્ઞવલ્ક, ભરદ્વાજ, કુંભજ (અગસ્ત્ય) અને અત્રીનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. આ સાથે કથાના વિવિધ મંગલાચરણ અને વંદનાઓ સંપન્ન કરવામાં આવી હતી તથા તેનો ગૂઢ મહિમા શ્રોતાઓને સમજાવવામાં આવ્યો હતો.
આગ્રાની ભૂમિ સાથેના પાવન સ્મરણો વાગોળતાં પૂ. મોરારિબાપુએ જણાવ્યું હતું કે, બરાબર ૨૩ વર્ષના દીર્ઘ સમયગાળા બાદ આગ્રામાં પુનઃ રામકથાનો આ સુંદર સંયોગ રચાયો છે. આ પૂર્વે યોજાયેલી કથાને ‘માનસ તેજ મહલ’ નામ આપવામાં આવ્યું હતું. આજના આ કથા પ્રારંભ પ્રસંગે તેમણે મનોરથી સંસ્થા ‘કરુણા નિધાન’ તથા તેની સાથે જોડાયેલા આગ્રા ગુજરાતી સમાજના પદાધિકારીઓ અને સભ્યોની સેવાભાવના બિરદાવી હૃદયપૂર્વકનો રાજીપો વ્યક્ત કર્યો હતો. (અહેવાલ - મુકેશ પંડિત)
(10:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
