<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

ઈરાનમાં 'વાહિદી યુગ'નો પ્રારંભ: રાજદ્વારીઓને હાંસિયામાં ધકેલીને IRGC એ સત્તા કબજે કરી!

હોર્મુઝમાં જહાજોની નાકાબંધી અને તેહરાનમાં પડદા પાછળનો ખતરનાક ખેલ: શું વિશ્વ હવે ઈરાન-અમેરિકા વચ્ચે સીધા યુદ્ધના સાક્ષી બનશે?

તેહરાન: ઈરાનના આંતરિક રાજકારણમાં છેલ્લા 48 કલાકમાં જે પરિવર્તન આવ્યું છે તેણે ઈતિહાસની દિશા બદલી નાખી છે. અમેરિકન થિંક ટેન્ક 'ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ સ્ટડી ઓફ વોર' (ISW) ના રિપોર્ટ અનુસાર, વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી હવે માત્ર નામ પૂરતા પ્રધાન રહ્યા છે, જ્યારે વાસ્તવિક સત્તા મેજર જનરલ અહમદ વાહિદી ના હાથમાં આવી ગઈ છે. વાહિદીએ માત્ર લશ્કરી નિર્ણયો જ નહીં, પરંતુ ઈરાનની વિદેશ નીતિ પર પણ લોખંડી પકડ જમાવી લીધી છે. ઈસ્લામાબાદમાં ચાલી રહેલી શાંતિ વાટાઘાટોમાંથી ઈરાની પ્રતિનિધિમંડળને અચાનક પરત બોલાવી લેવું એ સ્પષ્ટ સંકેત છે કે ઈરાન હવે 'નરમ' પડવાને બદલે 'આરપારની લડાઈ' ના મૂડમાં છે.

સૌથી ગંભીર સ્થિતિ હોર્મુઝમાં જોવા મળી રહી છે. અરાઘચી જ્યારે આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ ખોલવા માટે તૈયાર હતા, ત્યારે જ વાહિદીના આદેશ પર IRGC એ તેની ઝડપી હુમલાખોર નૌકાઓ તૈનાત કરી દીધી છે. છેલ્લા બે દિવસમાં ત્રણ મોટા જહાજોને નિશાન બનાવીને ઈરાને સાબિત કર્યું છે કે તે વૈશ્વિક તેલ પુરવઠાની નસ દબાવવા માટે તૈયાર છે. મોજતબા ખામેનીનું મૌન સમર્થન એ વાતની પુષ્ટિ કરે છે કે ઈરાનનું સર્વોચ્ચ નેતૃત્વ હવે પશ્ચિમી દેશો સાથેના કોઈ પણ કરારમાં વિશ્વાસ કરવાને બદલે સૈન્ય સંઘર્ષને જ ઉકેલ માની રહ્યું છે.

આ સત્તા પરિવર્તનને કારણે અમેરિકા સાથેના યુદ્ધનો નવો અને વધુ ભયાનક રાઉન્ડ શરૂ થવાની આશંકા વધી ગઈ છે. વોશિંગ્ટન હવે ઈરાની સૈન્યના આ વલણને સીધો પડકાર ગણી રહ્યું છે. મંગળવારની ડેડલાઇન જે રીતે નજીક આવી રહી છે અને જે રીતે મધ્યમમાર્ગી નેતાઓને શાંત કરી દેવામાં આવ્યા છે, તે જોતા મધ્ય-પૂર્વમાં શાંતિની આશા હવે નહિવત રહી છે. જો હોર્મુઝમાં જહાજોની નાકાબંધી ચાલુ રહેશે, તો અમેરિકા તેના નૌકાદળનો ઉપયોગ કરીને આ માર્ગ ખોલાવવા માટે સૈન્ય કાર્યવાહી કરી શકે છે, જે આખા વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધની નજીક લઈ જઈ શકે છે.

(6:45 PM IST)