તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Wednesday, 22nd April 2026
અકિલા પરિવારની લાડકી દીકરી ભાવના વિરાટમાં સમાઈ ગઈ..
અકિલા - ગણાત્રા - નાગ્રેચા પરિવાર ઉપર આભ તૂટી પડયું: ભાવનાબેનની ચીર વિદાય : અકિલા પરિવારના નાનાબેન ભાવનાબેન દીપકભાઈ નાગ્રેચા શ્રીજીચરણ પામ્યાઃ આવતીકાલે ગુરુવારે સાંજે ૫ થી ૬ રાષ્ટ્રીય શાળા ખાતે પ્રાર્થના સભા

રાજકોટ તા. ૨૨: અકિલા અને ગણાત્રા પરિવાર ટૂંક સમયમાં વધુ એક આઘાતમાં ગરકાવ થઈ ગયો છે. છેલ્લા ચારેક વર્ષમાં નાનાભાઈ રાજુભાઈએ અને વીણાબેન અજીતભાઈ ગણાત્રાએ ચીર વિદાય લીધા પછી ગઈકાલે ઓચિતા જ નાના બહેન ભાવનાબેન (ધારાબેન) દીપકભાઈ નાગ્રેચાએ લાંબા ગામતરાની વાટ પકડતા સમગ્ર પરિવાર ઉપર વીજળી ત્રાટકી હોય તેવો આઘાત સર્જાયો છે.
અત્યંત મૃદુ, મળતાવડો અને માયાળુ સ્વભાવ ધરાવતા ભાવનાબેન (ઉં. ૬૯)ને ત્રણ ચાર દિવસથી વોમિટ થવાની અને વિક્રેસની સામાન્ય ફરિયાદ હતી, તેમની ઘનિષ્ઠ સારવાર ચાલુ હતી, ડો. ગૌરાંગભાઈ પટેલ (એમડી) અને તેમની ટીમની દેખરેખ હેઠળ ભાવનાબેનને ખૂબ સારું થતું જતું હતું. પરંતુ કાળની ગતિ ન્યારી છે તેમ ગઈકાલે તા. ૨૧-૪-૨૦૨૬ના બપોરે અચાનક તેમનું ઓક્સિજન લેવલ ઘટવા લાગ્યુ, પલ્સ ડાઉન થવા લાગી. ડોક્ટરોની ટીમે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તમામ સારવાર અને અથાગ પ્રયાસો શરૂ કરી દીધા. પરંતુ ભાવિમાં વિધાતાએ શું લખ્યું છે તેની કોને ખબર છે અને પલકારામાં ભાવનાબેને આંખો મીચી લીધી.
આખો પરિવાર સ્તબ્ધ થઈ ગયો. વિધાતાએ આ તે કેવો ક્રૂર ખેલ ખેલ્યો. સૌની આંખોમાં આંસુનો દરિયો વહી રહ્યો હતો. કોણ કોને સાંત્વના આપે તેવી સ્થિતિ સર્જાઈ હતી. ઈશ્વરની ગતિને કોઈ પામી શક્યું નથી એ સનાતન સત્ય સ્વીકારી સહુ નતમસ્તક થઈ ગયા. પરિવારની આ લાડકી દીકરી ભાવના સૌને વિલાપ કરતા છોડી, વિરાટમાં સમાઈ ગઈ. અકિલા અને ગણાત્રા પરિવાર ઉપર છેલ્લા ચાર વર્ષમાં આ ત્રીજો અસહ્ય, કારમો ઘા આવી પડ્યો. ઈશ્વર દીકરી ભાવનાના આત્માને શાશ્વત શાંતિ અર્પી પોતાનામાં સમાવી લ્યે તેવી પ્રાર્થના. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ જય જલારામ બાપા
સ્વ. બાબુભાઈ (ગુણવંતરાય) લાલજીભાઈ ગણાત્રા (જય સૌરાષ્ટ્ર પ્રેસ - અકિલા દૈનિક) અને સ્વ. શાંતાબેન ગુણવંતરાય ગણાત્રાના પુત્રી અને શ્રીમતી માનસી અભિજીત પારઘીના માતુશ્રી ભાવનાબેન (ધારાબેન) દીપકકુમાર નાગ્રેચા તા. ૨૧-૪-૨૦૨૬ને મંગળવારે શ્રીજી ચરણ પામ્યા છે. તેઓ દિપકભાઈ દુર્લભજીભાઈ નાગ્રેચા (મૂળ સાવરકુંડલા હાલ રાજકોટ)ના ધર્મપત્ની અને હર્ષદભાઈ દુર્લભજીભાઈ નાગ્રેચા (ભાવનગર) અને દિલીપભાઈ દુર્લભજીભાઈ નાગ્રેચા (દમણ)ના નાના ભાઈના પત્ની તથા દીપ્તિબેન નટવરલાલ ગોંધીયા (ભાવનગર) અને ભાવનાબેન વિપુલભાઈ ઠક્કર (લંડન)ના ભાભી તથા જલારામ જ્યોતના તંત્રી સુરેશભાઈ ગુણવંતરાય ગણાત્રા, અકિલાના મેનેજિગ તંત્રી કિરીટભાઈ ગુણવંતરાય ગણાત્રા, અકિલાના ચીફ તંત્રી અજીતભાઈ ગુણવંતરાય ગણાત્રા તથા સ્વ. રાજુભાઈ ગુણવંતરાય ગણાત્રા તથા મીનાબેન હરીશભાઇ ચગ, ભારતીબેન લલીતભાઈ સવજીયાણી, સ્મિતાબેન સુનિલભાઈ રાયચૂરાના બહેન તથા અકિલાના એક્ઝિક્યુટિવ એડિટર અને અકિલાની વેબસાઈટના એડિટર નિમિશભાઈ કિરીટભાઈ ગણાત્રા તથા કિરણબેનના ફઈબા થતા હતા. તેમની સ્મશાન યાત્રા આજે બુધવારે તા. ૨૨-૪-૨૦૨૬ન સવારે ૧૦:૩૦ વાગ્યે અકિલા કાર્યાલય મોટી ટાંકી ખાતેથી નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં સગા સંબંધીઓ, અગ્રણીઓ, જ્ઞાતિજનો જોડાયા હતા. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ જય જલારામ બાપા..
સ્વ ભાવનાબેન દીપકભાઈ નાગ્રેચાની પ્રાર્થના સભા (પિયર અને સાસરીયા પક્ષની - ભાઈઓ અને બહેનોની) આવતીકાલે ગુરુવારે તા. ૨૩-૪-૨૦૨૬ના સાંજે પાંચ થી છ વચ્ચે રાષ્ટ્રીય શાળા મધ્યસ્થ હોલ રાજકોટ ખાતે રાખી છે.
(12:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
