<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

લાંચ કેસમાં પકડાયેલી મહિલા તહેસીલદારના બેનામી સામ્રાજ્યનો પર્દાફાશ: ACBના દરોડામાં સોના-હીરાના દાગીના, કરોડોની જમીન અને ફ્લેટ સહિત ₹20 કરોડની અપ્રમાણસર મિલકતો મળી!

જેલમાં બંધ ભ્રષ્ટ મહિલા અધિકારીની લક્ઝરી લાઈફ જોઈને એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા: હિમયતનગર સહિત 4 સ્થળોએ સર્ચ ઓપરેશન

હૈદરાબાદ, તા.26: તેલંગાણાના શમીરપેટની મહિલા તહેસીલદાર (મામલતદાર) અને જોઈન્ટ સબ-રજિસ્ટ્રાર ટી. સુચરિતા પર એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા શિકંજો વધુ મજબૂત કરવામાં આવ્યો છે. મે મહિનામાં ₹30 લાખની લાંચ માગવાના કેસમાં ઝડપાયેલી આ મહિલા અધિકારી વિરુદ્ધ હવે આવક કરતાં વધુ મિલકત (Disproportionate Assets)નો નવો કેસ નોંધીને હાથ ધરાયેલી તપાસમાં સ્તબ્ધ કરી દેનારો ખુલાસો થયો છે. ACBના દરોડા દરમિયાન સુચરિતા અને તેના સંબંધીઓના નામે અંદાજે ₹20 કરોડની બેનામી મિલકતો હોવાનું સામે આવ્યું છે.
ભ્રષ્ટાચાર નિરોધક શાખાની ટીમોએ ગુરુવારે હૈદરાબાદના પોશ વિસ્તાર હિમયતનગર સ્થિત તહેસીલદારના નિવાસસ્થાન સહિત કુલ 4 અલગ-અલગ લોકેશન પર એકસાથે દરોડા પાડ્યા હતા. આ સર્ચ ઓપરેશન દરમિયાન અધિકારીઓને અઢળક રોકડ અને કરોડોના કિંમતી ઘરેણાં મળી આવ્યા છે. તપાસમાં ₹12 લાખ રોકડા, બે લક્ઝરી કાર અને આશરે ₹1.20 કરોડની કિંમતના સોના તથા હીરાના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બેંક ખાતાઓમાં ₹38 લાખની ડિપોઝિટ પણ મળી આવી છે.
દસ્તાવેજોમાં કિંમત ઓછી, બજાર ભાવ આસમાને!
ACBના અધિકારીઓના જણાવ્યા મુજબ, દરોડા દરમિયાન જમીન અને પ્રોપર્ટીના જે દસ્તાવેજો મળ્યા છે તેની સરકારી કિંમત (ડોક્યુમેન્ટરી વેલ્યુ) આશરે ₹5.05 કરોડ થાય છે. પરંતુ જ્યારે તેનું વર્તમાન બજાર મૂલ્ય (માર્કેટ વેલ્યુ) આંકવામાં આવ્યું, ત્યારે તે ₹20 કરોડની આસપાસ હોવાનું સામે આવ્યું છે.
સુચરિતાના આ કાળા સામ્રાજ્યમાં સિદ્દીપેટ જિલ્લાના દામરાકુંટા ગામમાં 2 એકર અને 17 ગુંઠા જેટલી ખેતીની જમીન, હૈદરાબાદના જુદા જુદા પ્રાઇમ લોકેશન પર 3 આલીશાન ફ્લેટ અને કીસરા તથા ખાનામેટ વિસ્તારમાં કિંમતી પ્લોટ્સનો સમાવેશ થાય છે. આટલું જ નહીં, તપાસ દરમિયાન અન્ય 12 એકર ખેતીની જમીનના શંકાસ્પદ દસ્તાવેજો પણ મળી આવ્યા છે, જેની હાલ ઝીણવટભરી ચકાસણી ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગત 26 મેના રોજ તહેસીલદાર સુચરિતા એક સત્તાવાર કામના બદલામાં ₹30 લાખની લાંચ માગતા અને તેના ભાગરૂપે ₹2 લાખનો એડવાન્સ હપ્તો સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગઈ હતી. ત્યારથી તે જેલના સળિયા પાછળ ન્યાયિક કસ્ટડીમાં છે, અને હવે ACBની આ નવી કાર્યવાહીથી તેની મુશ્કેલીઓમાં મોટો વધારો થયો છે.

(4:17 PM IST)