<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

બંગાળ STFની મોટી કાર્યવાહી: જૈશ-એ-મોહમ્મદના આતંકીની ગર્લફ્રેન્ડ ઝારખંડથી ઝડપાઈ, VIP નેતાઓ રેડાર પર હોવાનો સનસનીખેજ ખુલાસો

​હનીટ્રેપના મોટા ષડયંત્રનો પર્દાફાશ: પકડાયેલી યુવતી અર્પિતા સરકાર પર મંત્રીના પુત્રને જાળમાં ફસાવવા અને દેશવિરોધી ગતિવિધિઓ માટે જાસૂસી કરવાનો ગંભીર આરોપ

​કોલકાતા: ​પશ્ચિમ બંગાળની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) ને આતંકવાદી ગતિવિધિઓ અને દેશવિરોધી ષડયંત્રો સામે લડવામાં એક મોટી સફળતા મળી છે. બંગાળ એસટીએફની ટીમે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ (JeM) ના શંકાસ્પદ આતંકવાદી હમીમ મંડલની ગર્લફ્રેન્ડ અર્પિતા સરકારની પાડોશી રાજ્ય ઝારખંડમાંથી ધરપકડ કરી છે. આ ધરપકડ બાદ સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં એક અત્યંત ચોંકાવનારું અને સનસનીખેજ કાવતરું સામે આવ્યું છે.

​સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પકડાયેલી આરોપી યુવતી અર્પિતા સરકાર સીધી રીતે જૈશ-એ-મોહમ્મદના આકાઓના સંપર્કમાં હતી અને તેમના ઈશારે જ કામ કરી રહી હતી. તેના પર આરોપ છે કે તે જૈશના નિર્દેશોનું પાલન કરીને રાજ્યના હાઈ-પ્રોફાઈલ અને વીઆઈપી (VIP) રાજકીય નેતાઓની જાસૂસી કરી રહી હતી અને તેમની દરેક હિલચાલ પર કડક નજર રાખી રહી હતી.

​આ આખા મામલામાં સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, આતંકી સંગઠને અર્પિતાને એક મંત્રીના પુત્રને પોતાના પ્રેમજાળમાં ફસાવીને હનીટ્રેપ કરવાનો ટાસ્ક આપ્યો હતો. આ હનીટ્રેપના માધ્યમથી સંગઠન સરકાર અને વહીવટીતંત્રના ગુપ્ત દસ્તાવેજો અથવા સંવેદનશીલ માહિતી મેળવવાની ફિરાકમાં હતું. જો કે, તે પોતાના આ મનસૂબામાં સફળ થાય તે પહેલાં જ ગુપ્તચર માહિતીના આધારે બંગાળ એસટીએફની ટીમે ઝારખંડમાં દરોડો પાડીને તેને દબોચી લીધી હતી. હાલમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા આ મામલે અર્પિતા સરકારની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી આ આંતરરાજ્ય આતંકી નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સ્લીપર સેલ અને કાવતરાખોરોનો પર્દાફાશ કરી શકાય.

(6:34 PM IST)