<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

બંગાળ અભૂતપૂર્વ પરિવર્તનનું સાક્ષી બનશે :સુવેન્દુની સરકારની શપથવિધિ વચ્ચે મમતાની સાંસ્કૃતિક વંદના

કોલકાતાનું ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ભાજપની પ્રથમ સરકારના શપથ ગ્રહણ સાથે કેસરી રંગે રંગાશે બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી રવીન્દ્ર સંગીતના સૂરો સાથે પોતાની નવી રાજકીય ઇનિંગની રૂપરેખા તૈયાર કરશે.

પશ્ચિમ બંગાળના રાજકીય ઈતિહાસમાં આગામી શનિવારનો દિવસ એક અભૂતપૂર્વ પરિવર્તનનો સાક્ષી બનવા જઈ રહ્યો છે. રાજ્યમાં વર્ષો જૂના સમીકરણો બદલાયા બાદ હવે સત્તા અને સંઘર્ષના બે અલગ-અલગ છેડા જોવા મળશે. કોલકાતાનું ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ જ્યારે ભાજપની પ્રથમ સરકારના શપથ ગ્રહણ સાથે કેસરી રંગે રંગાશે, ત્યારે બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જી રવીન્દ્ર સંગીતના સૂરો સાથે પોતાની નવી રાજકીય ઇનિંગની રૂપરેખા તૈયાર કરશે.

રાજકીય ગરમાવા વચ્ચે સુવેન્દુ અધિકારી મુખ્યમંત્રી તરીકે શપથ લઈને બંગાળમાં નવા યુગની શરૂઆત કરશે. ભાજપના આ ભવ્ય વિજય બાદ હવે સરકારના કેન્દ્રમાં ચરેવેતિ એટલે કે સતત ચાલતા રહેવુંનો મંત્ર હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સુવેન્દુ અધિકારી કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના તાલમેલ દ્વારા બંગાળના વિકાસને નવી ગતિ આપવા અને વડાપ્રધાન મોદીના વિઝનને જમીની સ્તરે ઉતારવા માટે કટિબદ્ધ છે.

ચૂંટણીમાં અનપેક્ષિત પરાજય બાદ તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે આત્મમંથનના મોડમાં છે. મમતા બેનર્જીએ તેમના કાલીઘાટ સ્થિત નિવાસસ્થાને રવીન્દ્ર જયંતી નિમિત્તે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું છે.આ કાર્યક્રમમાં અભિષેક બેનર્જી સહિત પક્ષના ટોચના નેતાઓ હાજર રહેશે. ઇન્દ્રનીલ સેન અને બાબુલ સુપ્રિયો જેવા દિગ્ગજ કલાકારો રવીન્દ્ર સંગીત રજૂ કરે તેવી શક્યતા છે.

રાજકીય નિષ્ણાતો આ કાર્યક્રમને માત્ર સાંસ્કૃતિક નહીં, પણ એક સોફ્ટ પાવર પ્રદર્શન તરીકે જોઈ રહ્યા છે. ટાગોરના વારસા દ્વારા મમતા બંગાળી અસ્મિતા અને પોતાની જડો સાથે જોડાયેલા હોવાનો મજબૂત સંદેશ આપવા માંગે છે.

રાજ્યભરમાં TMC કાર્યકર્તાઓને રવીન્દ્ર જયંતી ઉજવવાની સૂચના આપવામાં આવી છે. જોકે, પક્ષના નેતાઓએ સ્વીકાર્યું છે કે સત્તા ગુમાવ્યા બાદ કાર્યક્રમોની ભવ્યતામાં ઘટાડો થયો છે. હાલમાં હારેલા અને અસુરક્ષિત અનુભવતા કાર્યકર્તાઓ માટે મમતા બેનર્જી આ મંચ પરથી ભવિષ્યના સંઘર્ષની કોઈ નવી રણનીતિ જાહેર કરે છે કે કેમ, તેના પર સૌની મીટ મંડાયેલી છે.

 

બંગાળના રાજકારણમાં રવીન્દ્રનાથ ટાગોરનું સ્થાન હંમેશા સર્વોપરી રહ્યું છે. એક તરફ ભાજપ રવીન્દ્ર જયંતીના દિવસે શપથ ગ્રહણ કરીને પોતાને બંગાળી સંસ્કૃતિના વાહક સાબિત કરવા માંગે છે, તો બીજી તરફ મમતા બેનર્જી એ જ સાંસ્કૃતિક વારસાનો સહારો લઈને ભાજપ સામેના 'વૈચારિક યુદ્ધ'ની તૈયારી કરી રહ્યા છે.

(12:40 AM IST)