<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

બંગાળના નવા 'કિંગ' સુવેન્દુ અધિકારી: જાણો કોણ છે આ નેતા જેમણે મમતાના ગઢમાં ગાબડું પાડ્યું? વિદ્યાર્થી નેતાથી મુખ્યમંત્રી સુધીની સફર અને રોચક પારિવારિક વિગતો

માત્ર 85 લાખની સંપત્તિ, પોતાની કાર પણ નથી અને હજુ છે અપરિણીત: જાણો બંગાળના 'પોસ્ટર બોય'નો પ્રભાવશાળી રાજકીય વારસો અને પરિવારની અંદરનું અનોખું રાજકારણ

કોલકાતા:  પશ્ચિમ બંગાળમાં ભાજપની ઐતિહાસિક જીતના અસલી હીરો અને હવે રાજ્યના આગામી મુખ્યમંત્રી બનવા જઈ રહેલા સુવેન્દુ અધિકારી અત્યારે દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર છે. 15 ડિસેમ્બર 1970ના રોજ પૂર્વ મેદિનીપુરના કાંથીમાં જન્મેલા સુવેન્દુ અધિકારીનો ઉછેર જ રાજકારણની વચ્ચે થયો છે. તેમના પિતા શિશિર અધિકારી પશ્ચિમ બંગાળના દિગ્ગજ નેતા છે અને ત્રણ વાર લોકસભાના સાંસદ રહી ચૂક્યા છે. સુવેન્દુએ પોતાની કારકિર્દીની શરૂઆત 1989માં એક સામાન્ય વિદ્યાર્થી નેતા તરીકે કરી હતી અને આજે તેઓ બંગાળના સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા છે.
સુવેન્દુ અધિકારીના અંગત જીવનની વાત કરીએ તો 55 વર્ષીય સુવેન્દુ હજુ અપરિણીત છે અને તેમણે પોતાનું સમગ્ર જીવન જનસેવા અને રાજકારણને સમર્પિત કર્યું છે. રસપ્રદ વાત એ છે કે તેમનો પરિવાર રાજકીય રીતે વિવિધ પક્ષોમાં વહેંચાયેલો છે. તેમના એક ભાઈ સૌમેન્દુ અધિકારી ભાજપમાં સક્રિય છે, જ્યારે બીજા ભાઈ દિવ્યેન્દુ અધિકારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાથે જોડાયેલા રહ્યા છે. મમતા બેનર્જીના ખાસ ગણાતા સુવેન્દુએ સાથ છોડ્યા બાદ મમતાને તેમના જ ગઢ ભવાનીપુરમાં હરાવીને પોતાની તાકાતનો પરિચય આપ્યો હતો.
ચૂંટણી પંચમાં રજૂ કરેલી એફિડેવિટ (સોગંદનામું) મુજબ, કરોડોના બજેટવાળા રાજ્યના મુખ્યમંત્રી બનવા જઈ રહેલા સુવેન્દુ પોતે ખૂબ જ સાદગીભર્યું જીવન જીવે છે. તેમની પાસે કુલ અંદાજે 85.87 લાખ રૂપિયાની જ સંપત્તિ છે. આશ્ચર્યની વાત એ છે કે તેમની પાસે પોતાની કોઈ અંગત કાર નથી અને સોના-ચાંદીના ઝવેરાતની પણ કોઈ વિગત સોગંદનામામાં નથી. તેમની પાસે રોકડ તરીકે માત્ર 12,000 રૂપિયા હોવાનું જાહેર કરાયું છે. કોઈ પણ પ્રકારના દેવા વગરના આ નેતા હવે 'સોનાર બાંગ્લા'ના નિર્માણ માટે સજ્જ થયા છે.
આવતીકાલે રવીન્દ્ર જયંતીના પવિત્ર દિવસે જ્યારે તેઓ શપથ લેશે, ત્યારે બંગાળના ઈતિહાસમાં એક નવો અધ્યાય લખાશે. સુવેન્દુ અધિકારી પાસેથી ભાજપને આશા છે કે તેઓ માત્ર બંગાળ જ નહીં પણ સમગ્ર પૂર્વોત્તર ભારતમાં પક્ષને વધુ મજબૂત બનાવશે. તેમની આ નવી ઇનિંગ બંગાળના વિકાસને નવી દિશા આપશે કે કેમ તેના પર સમગ્ર દેશની નજર છે.

(6:56 PM IST)