તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
બોસ નહીં મકાન માલિકથી કંટાળી રહ્યા છે બેંગલુરુના યુવાનો
વધારે રુપિયા આપીને પણ દબાઈને રહેવું પડે!

બેંગલુરુ તા.૧૮: આજના યુવાનો સૌથી વધારે નોકરીને લઈને ટેન્શનમાં રહેતા હોય છે, પણ બેંગલુરુમાં રહેનારા યુવાનોની વાત કરીએ તો તેમને પોતાના બોસથી વધારે મકાન માલિકનું ટેન્શન રહેતું હોય છે. નોકરી તો ગમે તેમ મળી જાય છે, પણ મુશ્કેલી થાય છે એક સારું ઘર શોધવામાં. કલાકો ઓનલાઈન સર્ચ કરવું અને દલાલો સાથે વાત કર્યા બાદ વીકેન્ડ પર ટાઈમ કાઢી શોધવા નીકળીએ ત્યારે માંડ એકાદું રહેવાલાયક મકાન મળે, લોકેશન પણ મળી જાય છે અને ભાડું પણ ઠીકઠાક લાગી જાય છે, પણ અચાનક ઘર ખાલી કરવા માટે કહી દે અથવા તો હજારો રૂપિયા ભાડા વધારી દે ત્યારે મુશ્કેલીનો પહાડ તૂટી પડે છે.
ઉપર જે સિચ્યુએશન લખી છે, બની શકે છે કે આવી સ્થિતિ આપની સાથે ક્યારેય ન થઈ હોય, પણ જે યુવાનો પોતાના કરિયર બનાવવા માટે અજાણ્યા શહેરોમાં પહોંચી જાય છે, તેમના માટે આ સ્થિતિ કોઈ મોટા સંકટથી કમ નથી. બેંગલુરુમાં કેટલાય ભાડુઆતો માટે આ સ્થિતિ હવે સામાન્ય બની ગઈ છે. શહેરમાં ભાડા સતત વધી રહ્યા છે અને અચાનક ભાડામાં વધારો અથવા મકાન માલિક સાથે મુશ્કેલ અનુભવોની કહાણીઓ ખૂબ વાયરલ થઈ રહી છે. આ દરમ્યાન વધુ એક વાયરલ વીડિયોએ તેની ચર્ચા જગાવી છે.
ઈન્સ્ટાગ્રામ યુઝર દિશાકાએ હાલમાં જ એક વીડિયો શેર કરતા દાવો કર્યો છે કે તેની મકાન માલિકે તેને ખોટા કારણો આપી ફલેટ ખાલી કરવા માટે કહી દીધું અને પછી અચાનક ભાડામાં દર મહિને ૪૦૦૦ રૂપિયા વધારી દીધા. વીડિયોમાં દિશાકાએ જણાવ્યું કે તેના મકાન માલિકે પહેલા કહ્યું કે, તેમના ભાઈ બેંગલુરુ આવી રહ્યા છે અને આ ફલેટ તેમને આપવાનો છે, જેમાં તે રહે છે. શરૂઆતમાં કારણ સ્પષ્ટ લાગ્યું પણ બાદમાં તેને શંકા ગઈ કે આમાં કંઈક બીજું જ કારણ છે.
દિશાકાએ જણાવ્યું કે બાદમાં મને જાણવા મળ્યું કે મકાન માલિકે મને ખોટું બોલ્યા હતા. તેમણે અચાનક મારું ભાડું ૪ હજાર રૂપિયા વધારી દીધું. એવું કહેતા કે તેમના ભાઈ શહેરમાં આવી રહ્યા છે અને તેમને મારા એપાર્ટમેન્ટમાં શિફટ કરવાના છે. આ સ્થિતિ સૌથી મુંઝવણવાળી વાત એ હતી કે મકાન માલિક આખી બિલ્ડિંગનો માલિક છે, છતાં તેને ખાલી મને જ બહાર કાઢવી હતી.
દિશાકાના જણાવ્યા અનુસાર, મકાન માલિકનું અસલી કારણ પછી સ્પષ્ટ થયું. તેમણે દાવો કર્યો કે બાદમાં મકાન માલિકે માન્યું કે વિસ્તારમાં એક બેડરૂમવાળા ફલેટ ૨૬,૦૦૦થી ૨૮,૦૦૦ રૂપિયાના મહિનાના ભાડે આપવામાં આવી રહ્યા છે, સ્વાભાવિક છે કે તેમને મારા ફલેટનું ભાડું વધારવાનું હતું. ત્યારે મને સમજાયું કે તે મને બહાર કાઢવા કેમ માગતા હતા, જેથી તેમને વધારે પૈસા મળી શકે અને તેમની કહાણી ખોટી હતી. દિશાકાએ કહ્યું કે બેંગલુરુમાં આવી સ્થિતિ હવે સામાન્ય થઈ ગઈ છે. હું બસ જાણવા માગતી હતી કે શું આ ખાલી મારી સાથે જ થઈ રહ્યું છે કે બીજા લોકો સાથે પણ આવું જ થાય છે. હાલમાં હું ૪ હજાર રૂપિયા મહિને વધારાનું ભાડું આપી રહી છું.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
