<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

સાવધાન! NEET UG 2026 ની પુનઃપરીક્ષાના આડે માત્ર બે જ દિવસ, નકલી WhatsApp મેસેજથી બચવા NTA એ જાહેર કર્યો ઓફિશિયલ 'બ્લુ ટિક' નંબર; જાણો એડમિટ કાર્ડની સાચી રીત

પેપર લીક વિવાદ બાદ ૨૧ જૂને લેવાશે રી-ટેસ્ટ; સ્કેમર્સ ઓટીપી અને પૈસા માંગી વિદ્યાર્થીઓને બનાવી રહ્યા છે શિકાર, એડમિટ કાર્ડ માટે સોશિયલ મીડિયાની લિંક્સ ખોલવાને બદલે ઓફિશિયલ વેબસાઇટનો જ ઉપયોગ કરવા ચેતવણી

નવી દિલ્હી, : NEET UG 2026 ની પુનઃપરીક્ષા આપનારા દેશના લાખો વિદ્યાર્થીઓ માટે આગામી 48 કલાક અત્યંત મહત્વના છે. ૨૧ જૂને યોજાનારી આ નિર્ણાયક પરીક્ષા પહેલા નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ ૧૦ લાખથી વધુ ચિંતિત ઉમેદવારો સુધી ઝડપથી પહોંચવા માટે આ વખતે 'WhatsApp' નો સહારો લીધો છે. પરંતુ, આ ટેક્નોલોજીકલ હદક્ષેપની સાથે જ એક મોટો ખતરો પણ સામે આવ્યો છે. પરીક્ષાના ટેન્શન વચ્ચે વિદ્યાર્થીઓને શિકાર બનાવવા માટે ઓનલાઈન સ્કેમર્સ અને ઠગોનું આખું નેટવર્ક સક્રિય થઈ ગયું છે, જેઓ NTA ના નામે નકલી મેસેજ મોકલી રહ્યા છે.

૩ મેની પરીક્ષા રદ થયા બાદ રી-ટેસ્ટનો માહોલ

ઉલ્લેખનીય છે કે ગત ૩ મેના રોજ યોજાયેલી મૂળ NEET-UG પરીક્ષા ભારે હોબાળા અને પેપર લીકના ગંભીર આરોપો બાદ ૧૨ મેના રોજ રદ કરવામાં આવી હતી, જેની તપાસ હાલમાં સીબીઆઈ (CBI) ચલાવી રહી છે. આ ગંભીર પૃષ્ઠભૂમિ વચ્ચે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે NTA સત્તાવાર રીતે SMS, ઇમેઇલ અને WhatsApp પર રીમાઇન્ડર મોકલી રહી છે. વિદ્યાર્થીઓની આતુરતાનો ફાયદો ઉઠાવીને ઠગ ટોળકી સક્રિય થઈ હોવાથી NTA એ અસલી અને નકલી મેસેજ વચ્ચેનો તફાવત ઓળખવા માટે ખાસ ગાઇડલાઇન જાહેર કરી છે.

સાચો NTA મેસેજ કેવી રીતે ઓળખશો?

તમારો એક ખોટો ક્લિક તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે, તેથી NTA એ સ્પષ્ટ કર્યું છે કે તેમની સત્તાવાર સૂચનાઓ માત્ર અને માત્ર નીચેની વિગતો સાથે જ આવશે:

·         ઓફિશિયલ નંબર: NTA નો વેરિફાઇડ વોટ્સએપ નંબર +૯૧ ૭૮૨૭૯ ૮૦૨૮૭ છે.

·         ગ્રીન/બ્લુ ટિક: આ એકાઉન્ટ પર "National Testing Agency" નામની સાથે ઓફિશિયલ વાદળી કે લીલી વેરિફિકેશન ટિક માર્ક હશે.

·         માત્ર વન-વે કમ્યુનિકેશન: NTA ની આ વોટ્સએપ સેવા માત્ર બ્રોડકાસ્ટ (માહિતી આપવા) માટે છે. એજન્સી ક્યારેય વિદ્યાર્થીઓ પાસે સામેથી કોઈ જવાબ કે વિગતો માંગશે નહીં.

ટેલિગ્રામ પર 'લીક પેપર' ના નામે લાખોની છેતરપિંડી

સરકારી અધિકારીઓના જણાવ્યા મુજબ, સ્કેમર્સ માત્ર વોટ્સએપ જ નહીં પણ ટેલિગ્રામ ચેનલો પર પણ સક્રિય છે. કેટલાક સ્કેમર્સ વિદ્યાર્થીઓ પાસેથી એડમિટ કાર્ડ કે પર્સનલ વિગતો મેળવીને ₹14,000 થી ₹25,000 પડાવી રહ્યા છે, તો વળી અમુક ચેનલો પર 'લીક થયેલા અસલી પેપર' આપવાના ખોટા દાવા સાથે ₹10 લાખ સુધીની મોટી રકમ માંગવામાં આવી રહી છે. NTA એ સખત શબ્દોમાં સ્પષ્ટ કર્યું છે કે કોઈ પેપર લીક થયું નથી અને પ્રશ્નપત્ર કોઈની પાસે ઉપલબ્ધ નથી.

વિદ્યાર્થીઓ માટે ક્વિક ચેકલિસ્ટ:

૧. મેસેજ મોકલનાર પ્રોફાઇલ પર 'બ્લુ ટિક' ન હોય, તો તેના પર સહેજ પણ વિશ્વાસ ન કરો.

૨. NTA ક્યારેય મેસેજ કે ફોન પર OTP, બેંકિંગ વિગતો અથવા પેમેન્ટ ની માંગણી કરતું નથી.

૩. શંકાસ્પદ લિંક્સ પર ક્લિક કરશો નહીં અને આવા ફેક મેસેજ મિત્રોને ફોરવર્ડ કરવાને બદલે રિપોર્ટ કરો.

એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની સેફ રીત

૩ મેના રોજ ઈશ્યુ થયેલા જૂના એડમિટ કાર્ડ આ પુનઃપરીક્ષા માટે માન્ય રહેશે નહીં. અત્યાર સુધીમાં ૧૦ લાખથી વધુ વિદ્યાર્થીઓ પોતાના નવા કાર્ડ ડાઉનલોડ કરી ચૂક્યા છે. ફિશિંગ (નકલી) વેબસાઇટનો શિકાર બનવાથી બચવા માટે સોશિયલ મીડિયા પર આવેલી કોઈ લિંક ખોલવાને બદલે તમારા બ્રાઉઝરમાં મેન્યુઅલી neet.nta.nic.in ટાઈપ કરીને જ લોગ-ઇન કરો. જો તમને કોઈ નકલી ચેનલ કે સ્કેમર દેખાય, તો તમે તુરંત જ સરકારના સમર્પિત પોર્ટલ innovateindia.mygov.in/neet-ug-2026 પર જઈને તેની સત્તાવાર ફરિયાદ નોંધાવી શકો છો.

(7:19 PM IST)