તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 10th July 2026
સાવધાન! બધી માહિતી સાચી હોવા છતાં અટકી શકે છે તમારું ટેક્સ રિફંડ, આ એક નાની ભૂલના કારણે ઇન્કમટેક્સ વિભાગ રોકી દેશે તમારા પૈસા
આ વર્ષે માત્ર ૭ દિવસમાં મળી રહ્યા છે રિફંડ પણ જો આટલું ચૂક્યા તો થશે મોટું નુકસાન; જાણો ૩૧ જુલાઈની ડેડલાઈન પહેલાં કરદાતાઓએ કઈ બાબતોનું રાખવું પડશે ખાસ ધ્યાન

નવી દિલ્હી, તા.૧૦: જો તમે નાણાકીય વર્ષ માટે તમારો આવકવેરા રિટર્ન (ITR) સમયસર ફાઇલ કરી દીધો હોય અને બધી જ વિગતો સાચી ભરી હોવા છતાં હજુ સુધી બેંક ખાતામાં રિફંડના પૈસા જમા ન થયા હોય, તો આ સમાચાર તમારા માટે લાલબત્તી સમાન છે. કરદાતાઓ અવારનવાર એવી નાની નાની ટેકનિકલ ભૂલો કરી બેસે છે, જેના કારણે બધું સાચું હોવા છતાં ઇન્કમટેક્સ વિભાગ રિફંડની પ્રક્રિયા રોકી દે છે. દિલ્હીના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) ગોવિંદ ગુપ્તાના જણાવ્યા અનુસાર, આ વર્ષે સેન્ટ્રલાઇઝ્ડ પ્રોસેસિંગ સેન્ટર (CPC) માં ઓટોમેશન વધવાને કારણે સામાન્ય પગારદાર કરદાતાઓને માત્ર ૭ જ દિવસમાં રિફંડ મળી રહ્યા છે, પરંતુ નાની બેદરકારી આ સ્પીડ પર બ્રેક લગાવી શકે છે.
ફક્ત ITR ફાઇલ કરવું પૂરતું નથી, 'ઈ-વેરિફિકેશન' માં આળસ પડશે મોંઘી
ઘણા કરદાતાઓ એવું વિચારે છે કે રિટર્ન ઓનલાઈન સબમિટ થઈ ગયું એટલે કામ પૂરું, પરંતુ વાસ્તવિકતા એ છે કે જ્યાં સુધી તમે તમારા ITR નું ઇ-વેરિફિકેશન (e-Verification) પૂર્ણ નથી કરતા, ત્યાં સુધી ટેક્સ વિભાગ તમારા રિટર્નની પ્રોસેસ શરૂ જ કરતું નથી. આ સિવાય, જો તમારા ફોર્મ ૧૬, ફોર્મ ૨૬AS, AIS (એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ) અને TIS માં દર્શાવેલી વિગતો તેમજ તમે ફાઇલ કરેલા ડેટા વચ્ચે જરાય વિસંગતતા કે તફાવત જણાશે, તો તમારું રિફંડ વિવાદમાં આવી જશે અને પ્રક્રિયા ધીમી પડી જશે.
બેંક ખાતાનો આ લોચો રિફંડ અટકાવી દેશે
ટેક્સ રિફંડ અટકવાનું એક બહુ મોટું અને સામાન્ય કારણ બેંક ખાતાની વિગતો છે. જો તમારું બેંક એકાઉન્ટ આવકવેરા પોર્ટલ પર પ્રી-વેલિડેટ (Pre-validated) ન હોય, બેંકનો IFSC કોડ કે એકાઉન્ટ નંબર ખોટો હોય, ખાતું લાંબા સમયથી બંધ હોય, અથવા તમારા પાન કાર્ડ (PAN) મુજબનું નામ બેંકના રેકોર્ડ સાથે મેચ ન થતું હોય, તો રિફંડની રકમ બેંક દ્વારા રિજેક્ટ થઈ જાય છે.
સુપરફાસ્ટ રિફંડ મેળવવા માટે અપનાવો આ સ્માર્ટ ટિપ્સ:
· આવકનો સચોટ મેળ: ITR ફાઇલ કરતા પહેલાં ફોર્મ ૨૬AS અને AIS સાથે તમારી તમામ કમાણી, વ્યાજની આવક અને ટેક્સ ક્રેડિટનો બરાબર મેળ બેસાડી લો.
· સાચું ફોર્મ પસંદ કરો: તમારી આવકના સ્ત્રોત મુજબ જ યોગ્ય ITR ફોર્મ (જેમ કે ITR-1, ITR-2 વગેરે) પસંદ કરો.
· બેંક એકાઉન્ટ અપડેટ: જે ખાતામાં રિફંડ મેળવવું હોય તેને અગાઉથી વેલિડેટ કરી લો.
· ઇ-વેરિફિકેશન: રિટર્ન સબમિટ કર્યાની સાથે જ આધાર ઓટીપી કે નેટ બેંકિંગ દ્વારા ત્વરિત ઇ-વેરિફાય કરી લો.
૩૧ જુલાઈ છે છેલ્લી તારીખ, હવે ગણતરીના દિવસો બાકી
યાદ રહે કે વર્ષ ૨૦૨૬ માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ ૩૧ જુલાઈ, ૨૦૨૬ નક્કી કરવામાં આવી છે. જુલાઈ મહિનાના ૧૦ દિવસ ઓલરેડી વીતી ચૂક્યા છે અને હવે કરદાતાઓ પાસે ખૂબ જ ઓછો સમય બચ્યો છે. છેલ્લી ઘડીએ વેબસાઇટ પર ટ્રાફિક વધવાને કારણે સર્વર ડાઉનની સમસ્યા સર્જાઈ શકે છે, તેથી દંડ અને કાનૂની મુશ્કેલીઓથી બચવા માટે આજે જ આ નાની ભૂલો સુધારીને તમારો આઈટીઆર ફાઇલ કરી દેવો હિતાવહ છે.
(5:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
