તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
ભગવંત માનના નિવેદનથી રાજકીય ધમાસાણ! હરિયાણાના CM નાયબ સિંહ સૈનીએ લીધા આકરા પાણીએ, કહ્યું: "ગુરુદ્વારે જઈને માફી માગો"
પાઘડી માત્ર વસ્ત્ર નથી પણ ગુરુઓનું સન્માન, આસ્થા અને ગૌરવનું પ્રતીક છે: CM સૈનીનો આકરો પલટવાર; પંજાબના મુખ્યમંત્રીની ટિપ્પણીથી સમગ્ર સિંખ સમુદાય અને પંજાબની જનતાની લાગણી દુભાઈ હોવાનો દાવો

ચંડીગઢ, તા.૧૫: પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા પાઘડી (પગડી) અંગે કરવામાં આવેલી એક ટિપ્પણીને લઈને પાડોશી રાજ્ય હરિયાણા અને પંજાબ વચ્ચે રાજકીય પારો ચરમસીમાએ પહોંચ્યો છે. હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ આ મુદ્દે અત્યંત આકરું વલણ અપનાવતા ભગવંત માન પર તીખા પ્રહારો કર્યા છે. ચંડીગઢ ખાતે આયોજિત એક કાર્યક્રમ બાદ મીડિયા સાથે વાતચીત કરતા CM સૈનીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, પાઘડી એ કોઈ સામાન્ય વસ્ત્ર નથી, પરંતુ આપણા મહાન ગુરુઓની પરંપરા, શ્રદ્ધા, વિશ્વાસ અને સન્માનનું સર્વોચ્ચ પ્રતીક છે.
ચંડીગઢમાં ભાજપના એક મહત્વના કાર્યક્રમ દરમિયાન અનેક નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. આ પ્રસંગે પંજાબ ભાજપના અધ્યક્ષ કેવલ સિંહ ઢિલ્લો સહિતના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં નાયબ સિંહ સૈનીએ ભગવંત માનના નિવેદનને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ગુરુઓએ આપેલા મહાન સંસ્કારો અને પરંપરાઓના બળ પર જ આજે આપણો સમાજ અને સરકારો આગળ વધી રહી છે. આવી પવિત્ર અને સંવેદનશીલ બાબતો પર હળવાશથી કે અપમાનજનક ટિપ્પણીઓ કરવાથી કરોડો લોકોની ધાર્મિક અને સામાજિક લાગણીઓને ઊંડો આઘાત પહોંચે છે.
નાયબ સિંહ સૈનીએ ભગવંત માનને સલાહ આપતા કહ્યું કે, તેમણે વિલંબ કર્યા વગર તુરંત જ ગુરુદ્વારા સાહેબના શરણમાં જઈને પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવું જોઈએ અને ગુરુ સાહેબની સાથે સમગ્ર પંજાબની જનતાની બિનશરતી માફી માંગવી જોઈએ. તેમણે ગુરુઓના અમૂલ્ય બલિદાન અને શહાદતને યાદ અપાવતા કહ્યું હતું કે, આજે આપણે જે આઝાદી અને સ્વાભિમાનથી જીવી રહ્યા છીએ તે ગુરુઓના ત્યાગનું પરિણામ છે, તેથી તેમના પ્રતીકોનું સન્માન જાળવવું એ દરેક જનપ્રતિનિધિની નૈતિક જવાબદારી છે.
(4:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
