<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

ભજ્જીના ઘર પર ભડકો: રાઘવ ચઢ્ઢા બાદ હરભજન સિંહના ઘરની દીવાલો પર AAP કાર્યકરોએ લખ્યું 'ગદ્દાર', તોડફોડ કરી વ્યક્ત કર્યો આક્રોશ

રાજ્યસભાના ૭ સાંસદોના કેસરિયા બાદ પંજાબમાં હંગામો; જલંધરમાં પૂર્વ ક્રિકેટરના નિવાસસ્થાને સુરક્ષા વચ્ચે કાળો રંગ લગાવી 'દેશદ્રોહી' લખાયું, આપ અને ભાજપ વચ્ચે જંગ તેજ

જલંધર: આમ આદમી પાર્ટી (AAP) ના સાત સાંસદોએ એકસાથે પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની જાહેરાત કરતા જ દેશના રાજકારણમાં ભૂકંપ આવી ગયો છે. આ રાજકીય ઉથલપાથલની સૌથી ઉગ્ર અસર પંજાબમાં જોવા મળી રહી છે. જલંધર ખાતે બે વખતના વર્લ્ડ કપ વિજેતા અને રાજ્યસભાના સાંસદ હરભજન સિંહના નિવાસસ્થાને આજે 'આપ' કાર્યકરોએ ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આક્રોશે ભરાયેલા કાર્યકરોએ હરભજન સિંહના ઘરની બહારની દીવાલો પર કાળા રંગથી 'ગદ્દાર' (દેશદ્રોહી) લખી નાખ્યું હતું અને કેટલીક જગ્યાએ દીવાલોને નુકસાન પહોંચાડી તોડફોડ કરી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
અહેવાલ મુજબ, ઘટનાસ્થળે સુરક્ષા કર્મચારીઓની હાજરી હોવા છતાં કાર્યકરોએ દીવાલો પર કાળા અક્ષરે અપશબ્દો લખ્યા હતા. એપ્રિલ ૨૦૨૨માં રાજ્યસભામાં નામાંકિત થયેલા હરભજન સિંહ વિરોધ પ્રદર્શન સમયે ઘરે હાજર નહોતા. ઉલ્લેખનીય છે કે, હજુ સુધી ભજ્જીએ ભાજપમાં જોડાવા અંગે કોઈ સત્તાવાર જાહેર નિવેદન આપ્યું નથી, પરંતુ સાત સાંસદોની યાદીમાં તેમનું નામ આવતા જ કાર્યકરોનો પિત્તો ગયો હતો.
રાઘવ ચઢ્ઢાએ આપ્યો જડબાતોડ જવાબ:
બીજી તરફ, આ જૂથના અન્ય કદાવર નેતા રાઘવ ચઢ્ઢાએ દિલ્હીથી 'આપ' નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, "અમે ડરથી નહીં પણ આમ આદમી પાર્ટીથી નિરાશ થઈને પક્ષ છોડ્યો છે. જ્યારે પક્ષ ભ્રષ્ટ અને સમાધાનકારી લોકોના હાથમાં જતો રહ્યો હોય ત્યારે દેશભક્ત નેતાઓ ત્યાં રહી શકતા નથી." રાઘવના આ નિવેદને બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે, જેના કારણે કાર્યકરોમાં રોષ વધુ વકર્યો છે.
આ ૭ સાંસદોએ છોડ્યો 'ઝાડુ' નો સાથ:
આમ આદમી પાર્ટીના જે સાત દિગ્ગજ સાંસદોએ ભાજપમાં જોડાવાનો નિર્ણય કર્યો છે તેમાં હરભજન સિંહ, રાઘવ ચઢ્ઢા, સ્વાતિ માલીવાલ, અશોક મિત્તલ, સંદીપ પાઠક, વિક્રમ સાહની અને રાજિન્દર ગુપ્તાનો સમાવેશ થાય છે. આ પક્ષપલટાથી રાજ્યસભામાં AAP નું સંખ્યાબળ નબળું પડ્યું છે અને પંજાબથી લઈને દિલ્હી સુધી રાજકીય ગરમાવો વધી ગયો છે. જલંધરમાં બનેલી આ ઘટના બાદ હરભજન સિંહના ઘરની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

(8:15 PM IST)