<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

કન્યાકુમારીથી કેદારનાથ તરફ પ્રયાણ કરતી 'ભારત સ્વસ્તિક યાત્રા' રામકથાનું જમ્મુમાં આગમન : પૂ. મોરારિબાપુએ વૈષ્ણોદેવી, અમરનાથ, શંકરાચાર્યજી અને કશ્યપ ઋષિને ગણાવ્યા ક્ષેત્રના સ્વસ્તિક

જમ્મુ મુકામે રામકથાના ૧૧મા દિવસે પૂ. બાપુ દ્વારા શાસ્ત્ર, લોકસાહિત્ય અને હળવા ચિંતન સાથે સુંદર વ્યાખ્યાન : આગામી શુક્રવારે ઉત્તરાખંડના કેદારનાથ ધામ ખાતે થશે પ્રથમ તબક્કાનું સમાપન

જમ્મુ : કન્યાકુમારીથી પ્રસ્થાન પામેલી અને કેદારનાથ તરફ આગળ વધી રહેલી ઐતિહાસિક 'ભારત સ્વસ્તિક યાત્રા' રામકથાનું જમ્મુ ખાતે આગમન થયું હતું, જ્યાં આ કથા યાત્રાનો મુકામ રહ્યો હતો. આ પાવન અવસરે પૂ. મોરારિબાપુએ જમ્મુ-કાશ્મીરની આ ભૂમિ પર વૈષ્ણોદેવી, અમરનાથ, શંકરાચાર્યજી અને કશ્યપ ઋષિને આ ક્ષેત્રના ચાર 'સ્વસ્તિક' તરીકે ગણાવ્યા હતા.

પૂ. બાપુએ સ્વસ્તિકનું રૂપક ચિંતન પ્રસ્તુત કરતા જણાવ્યું હતું કે, 'માતૃદેવો ભવ:' એટલે વૈષ્ણોદેવી, 'પિતૃદેવો ભવ:' એટલે અમરનાથ, 'આચાર્યદેવો ભવ:' એટલે શંકરાચાર્યજી અને 'અતિથિદેવો ભવ:' એટલે કશ્યપ ઋષિ છે. જમ્મુમાં યોજાયેલી આ કથાના અગિયારમા દિવસે પૂ. બાપુએ શાસ્ત્ર, લોકસાહિત્ય, સંગીત અને હળવા ચિંતન સંદેશ સાથે રામકથાનું રસપાન કરાવ્યું હતું.

કથાના વિવિધ પ્રસંગો અને વાઘા બોર્ડરની મુલાકાતનો ઉલ્લેખ:
કથા દરમિયાન પૂ. મોરારિબાપુએ ભરતજીના સ્વભાવનું વર્ણન કરતા શાંતિ, શક્તિ, ભક્તિ, નિર્મળતા અને મસ્તી જેવા ગુણોનું સુંદર નિરૂપણ કર્યું હતું. આ ઉપરાંત વિશ્વામિત્ર યજ્ઞ, જનકપુર યાત્રા, ધનુષ્યભંગ, સીતા સ્વયંવર તેમજ અરણ્યકાંડ અને કિષ્કિંધાકાંડ સહિતના પ્રસંગોનું વર્ણન કરી રામેશ્વર મહાદેવની વંદના સાથે આજની કથાનું સમાપન કરવામાં આવ્યું હતું. કથાના પ્રારંભે દશેરા પર્વનો ઉલ્લેખ કરતા પૂ. બાપુએ ગત દિવસોમાં અમૃતસર પાસે વાઘા-અટારી સરહદની લીધેલી મુલાકાતને યાદ કરી ભારતીય સેનાની રાષ્ટ્ર ફરજ અને કવાયત પ્રત્યેનો પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો.

કેદારનાથ યાત્રા અંગે માર્ગદર્શન અને આગામી કાર્યક્રમ:
કેદારનાથ યાત્રામાં રહેલા પ્રાકૃતિક પડકારોને ધ્યાનમાં રાખીને પૂ. મોરારિબાપુએ માત્ર શારીરિક રીતે સક્ષમ ભાવિકોને જ સાથે રહેવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો અને બાકીના સૌ માટે કથા ત્યાં પહોંચી ગયાનો હળવો ભાવ વ્યક્ત કર્યો હતો. જમ્મુમાં કથા સંપન્ન થયા બાદ આ યાત્રા આગામી શુક્રવારે ઉત્તરાખંડના કેદારનાથ ધામ પહોંચશે, જ્યાં 'ભારત સ્વસ્તિક યાત્રા' રામકથાના પ્રથમ તબક્કાની પૂર્ણાહુતિ થશે. આ યાત્રા દરમિયાન કેટલાક યાત્રિકો જમ્મુથી પરત ઋષિકેશ અને હરિદ્વાર પહોંચ્યા છે, જ્યારે અન્ય યાત્રિકો હિમાલય ક્ષેત્રમાં કથાનો લાભ લેવા માટે રવાના થયા છે. (અહેવાલ - મુકેશ પંડિત)

(6:06 PM IST)