<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

BHIM એપ બનશે AI આધારિત નવી સુવિધાઓથી સજ્જ: PhonePe અને Google Payને આપશે ટક્કર

BHIM એપમાં વોઇસ કમાન્ડ, સ્માર્ટ સૂચનો, ઝડપી ગ્રાહક સહાય અને સરળ ટ્રાન્ઝેક્શન જેવી સુવિધાઓ ઉમેરાઈ શકે:ટેક્નોલોજીનું ઓછું જ્ઞાન ધરાવતા લોકો પણ સરળતાથી ડિજિટલ પેમેન્ટ કરી શકશે.

ભારતની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ UPI હવે નવા ટેક્નોલોજીકલ યુગમાં પ્રવેશ કરવા જઈ રહી છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) UPIમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ટેક્નોલોજીનો વધુ વ્યાપક ઉપયોગ કરવાની તૈયારી કરી રહ્યું છે. તેનો મુખ્ય હેતુ ડિજિટલ પેમેન્ટને વધુ સરળ, સુરક્ષિત અને દરેક વર્ગના લોકો માટે ઉપયોગી બનાવવાનો છે. ખાસ કરીને સરકારની BHIM એપને AI આધારિત નવી સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે જેથી તે PhonePe અને Google Pay જેવી લોકપ્રિય એપ્સને મજબૂત સ્પર્ધા આપી શકે. નવી ટેક્નોલોજીના કારણે BHIM એપ વધુ સ્માર્ટ અને યુઝર્સ ફ્રેન્ડલી બનવાની અપેક્ષા છે.

NPCIના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ દિલીપ આસ્બેએ જણાવ્યું કે ભારતના ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રમાં આગામી મોટું પરિવર્તન AIના કારણે જોવા મળશે. તેમના જણાવ્યા અનુસાર AI લાખો નવા યુઝર્સને  UPI સાથે જોડવામાં મદદ કરશે. ભવિષ્યમાં BHIM એપમાં વોઇસ કમાન્ડ, સ્માર્ટ સૂચનો, ઝડપી ગ્રાહક સહાય અને સરળ ટ્રાન્ઝેક્શન જેવી સુવિધાઓ ઉમેરાઈ શકે છે. આથી ટેક્નોલોજીનું ઓછું જ્ઞાન ધરાવતા લોકો પણ સરળતાથી ડિજિટલ પેમેન્ટ કરી શકશે. સાથે જ AI યુઝર્સની જરૂરિયાતોને સમજીને વધુ ઝડપી અને અનુકૂળ અનુભવ આપશે.

NPCIનું માનવું છે કે ભારત જેવા વૈવિધ્યસભર દેશમાં માત્ર અંગ્રેજી આધારિત ટેક્નોલોજી પૂરતી નથી. તેથી હિન્દી સહિત વિવિધ ભારતીય ભાષાઓમાં કાર્ય કરી શકે તેવા સ્મોલ લેંગ્વેજ મોડેલ્સ (SLMs) વિકસાવવા પર પણ કામ થઈ રહ્યું છે. આ પહેલથી ગ્રામ્ય વિસ્તારો અને પ્રાદેશિક ભાષા બોલતા લોકો માટે UPIનો ઉપયોગ વધુ સરળ બનશે. ઉપરાંત BHIM એપમાં ભવિષ્યમાં વિવિધ સરકારી યોજનાઓ, નાણાકીય સેવાઓ અને અન્ય ડિજિટલ સુવિધાઓને પણ એક જ પ્લેટફોર્મ પર લાવવાની યોજના છે. હાલમાં PhonePe અને Google Pay બજારમાં અગ્રેસર છે, પરંતુ AI આધારિત નવી સુવિધાઓ સાથે BHIM એપ પણ ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રમાં પોતાની મજબૂત ઓળખ ઉભી કરી શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

(10:12 PM IST)