<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

ભોપાલ બોગસ પાસપોર્ટ કૌભાંડના તાર સીધા સરહદી કચ્છ સાથે જોડાયા: ૭૦થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોના નકલી દસ્તાવેજોના આધારે ભારતીય પાસપોર્ટ બનાવવાનો પર્દાફાશ

મુખ્ય આરોપીની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો: પાસપોર્ટ દીઠ રૂ. ૩૦,૦૦૦ વસૂલી ભોપાલના પાસપોર્ટ સેવા કેન્દ્રના કર્મચારીની મિલીભગતથી વેરિફિકેશન વગર ફાઈલો કરાતી હતી ક્લિયર

ભુજ, તા.૨૧: દેશની રાષ્ટ્રીય સુરક્ષાને હચમચાવી નાખે તેવું એક મોટું આંતરરાજ્ય બોગસ પાસપોર્ટ કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે, જેના તાર હવે ગુજરાતના સંવેદનશીલ સરહદી કચ્છ જિલ્લા સાથે સીધા જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. મધ્યપ્રદેશ સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (STF) દ્વારા ભોપાલથી ઝડપાયેલા આ કૌભાંડના મુખ્ય આરોપી નસીમ અખ્તરે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) સમક્ષ કરેલી આકરી પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તપાસમાં બહાર આવ્યું છે કે બનાવટી દસ્તાવેજોના સહારે ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસેલા આશરે ૭૦ જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો માટે મહારાષ્ટ્રના નાગપુર ઉપરાંત સરહદી કચ્છ જિલ્લાના નકલી અને બોગસ રહેણાંક સરનામાઓનો ઉપયોગ કરીને ઓરિજિનલ ભારતીય પાસપોર્ટ કઢાવી આપવામાં આવ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ આંતરરાષ્ટ્રીય રેકેટનો મુખ્ય સૂત્રધાર રિયાલ ચૌધરી શંકાસ્પદ બાંગ્લાદેશીઓ પાસેથી પાસપોર્ટ દીઠ માતબર રૂપિયા ૩૦,૦૦૦ વસૂલતો હતો. જેમાંથી રૂપિયા ૨૦,૦૦૦ ભોપાલમાં ટૂર એન્ડ ટ્રાવેલ્સ એજન્સી ચલાવતા મુખ્ય એજન્ટ નસીમ અખ્તરને આપવામાં આવતા હતા. આ સમગ્ર કાવતરામાં સૌથી ગંભીર બાબત એ છે કે ભોપાલ સ્થિત પાસપોર્ટ સેવા કેન્દ્ર (PSK) ના એક કર્મચારીની પણ સીધી સંડોવણી ખુલી છે, જે મોટી રકમની લાંચ લઈને કોઈપણ પ્રકારના યોગ્ય પોલીસ કે ભૌતિક વેરિફિકેશન વગર જ આ બોગસ ફાઈલોને મંજૂરી આપી દેતો હતો. સરહદી અને સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ એવા કચ્છ જિલ્લાના સરનામે વિદેશી નાગરિકોના પાસપોર્ટ બન્યા હોવાની વિગત બહાર આવતા જ દેશભરની ગુપ્તચર એજન્સીઓ અને સુરક્ષા દળો હાઈ એલર્ટ પર આવી ગયા છે.

સ્થાનિક એજન્ટોની સંડોવણી અને આગળની તપાસ

આ રેકેટનો વ્યાપ વધતો જોઈને હવે મધ્યપ્રદેશ એસટીએફ અને એસઆઈટી દ્વારા ગુજરાત પોલીસ તથા કચ્છના સ્થાનિક વહીવટી તંત્ર સાથે સંકલન સાધીને ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. કચ્છમાં કયા સ્થાનિક મધ્યસ્થીઓ કે એજન્ટોએ આ બાંગ્લાદેશી ઘૂસણખોરોને નકલી સરનામાના કાગળો અને સપોર્ટ પૂરો પાડ્યો હતો, તે અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આ ગંભીર કૌભાંડના લીધે સરહદી વિસ્તારોમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે સુરક્ષા એજન્સીઓ વધુ સક્રિય બની છે અને આગામી સમયમાં કેટલાક મોટા ખુલાસા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

(4:19 PM IST)