તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 1st November 2026
ભુવનેશ્વર રોડ અકસ્માત: ઝડપી બસે કારને ટક્કર મારતાં કારના ટુકડા થઈ ગયા, બે મહિલાઓના મોત
કૃષ્ણા ટાવર પાસે સવારે સર્જાયેલી ગોઝારી દુર્ઘટનામાં ચાની દુકાન પણ ઝપેટમાં આવી, બે ગંભીર ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં ભર્તી

ભુવનેશ્વર:ઓડિશાની રાજધાની ભુવનેશ્વરના નયાપલ્લી વિસ્તારમાં રવિવારે સવારે એક ભયાનક અને કમકમાટીભર્યો માર્ગ અકસ્માત સર્જાયો હતો. સવારે આશરે ૫:૪૫ વાગ્યાના સુમારે રાઉરકેલાથી ભુવનેશ્વર તરફ આવી રહેલી એક અતિ ઝડપી પેસેન્જર બસે કૃષ્ણા ટાવર પાસે એક કારને જોરદાર ટક્કર મારી હતી. આ ગોઝારા અકસ્માતમાં બે મહિલાઓના નીપજ્યા છે, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઘવાયેલા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
બનાવ એટલો ભયાનક હતો કે બસની ટક્કર વાગતા જ કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા અને તેના ભાગો ઘટનાસ્થળથી ઘણા મીટર દૂર સુધી વિખેરાઈ ગયા હતા. ટક્કર માર્યા બાદ કાર રસ્તાની બાજુમાં આવેલી એક ચાની દુકાન સાથે જઈને અથડાઈ હતી. આ અકસ્માતમાં કમનસીબે બે મહિલાઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેમાંથી એક યુવતી સવારના સમયે મોર્નિંગ વોક માટે નીકળી હતી ત્યારે આ અકસ્માતનો ભોગ બની ગઈ હતી.
દુર્ઘટના સર્જાતાં જ આસપાસના વિસ્તારમાં ભારે ભાગદોડ અને ગભરાટનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક ધોરણે બંને ગંભીર રીતે ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની તબીબી સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં જ નયાપલ્લી પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
અકસ્માતનું ચોક્કસ કારણ અને બનાવનો સમગ્ર ક્રમ જાણવા માટે પોલીસ દ્વારા આસપાસના રહેણાંક મકાનો અને વાણિજ્યિક સંસ્થાઓના સીસીટીવી ફૂટેજની બારીકાઈથી તપાસ કરવામાં આવી રહી છે. પાટનગરમાં ઓવરસ્પીડિંગ અને બેફામ દોડતા વાહનો પર અંકુશ મેળવવા માટે પોલીસ દ્વારા ટ્રાફિક પોઈન્ટ્સ પર વધુ સખત ચેકિંગ હાથ ધરવામાં આવશે તેમજ બસ ડ્રાઈવરની બેદરકારી સામે પણ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
