તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Tuesday, 23rd June 2026
કર્ણાટકમાં ‘બિદાદી ટાઉનશીપ’ પ્રોજેક્ટ પર મહાસંગ્રામ: રિયલ એસ્ટેટના આક્ષેપો વચ્ચે સીએમ શિવકુમારે કુમારસ્વામીને આપ્યું ખુલ્લું આમંત્રણ, HDKએ પણ ફેંક્યો પડકાર!
બે દાયકા જૂના પ્રોજેક્ટ પર રામનગરની રાજનીતિ ગરમાઈ: ખેડૂતો માટે એકર દીઠ ₹૨.૫ કરોડના ઐતિહાસિક વળતરની જાહેરાત બાદ વિપક્ષી ગઢમાં ગાબડું, હવે ૨૭ જૂને ગામડાની ચોપાલ પર જામશે જંગ

બેંગલુરુ:તા. ૨૩ જૂન, ૨૦૨૬:કર્ણાટકના મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારે સત્તાના સૂત્રો સંભાળ્યા બાદ તેમનો સૌથી મોટો અને પ્રતિષ્ઠિત પ્રોજેક્ટ 'બિદાદી ટાઉનશીપ' હવે પ્રચંડ રાજકીય વિવાદનું કેન્દ્ર બન્યો છે. જનતા દળ (સેક્યુલર) અને ભાજપના સંયુક્ત વિપક્ષ દ્વારા આ પ્રોજેક્ટને શાસક પક્ષનો ‘રિયલ એસ્ટેટ ખેલ’ ગણાવીને ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ કડવાશને ડામવા અને વિવાદનો અંત લાવવા માટે મુખ્યમંત્રી ડી. કે. શિવકુમારે વિરોધનું નેતૃત્વ કરી રહેલા પૂર્વ મુખ્યમંત્રી એચ. ડી. કુમારસ્વામીને પત્ર લખીને આગામી ૨૬ જૂને વિધાનસભામાં તેમના પાંચ સમર્થકો સાથે ખાસ બેઠક માટે આમંત્રણ આપ્યું છે. જોકે, કુમારસ્વામીએ ૨૬ જૂને પોતાની વ્યસ્તતા દર્શાવીને મુખ્યમંત્રીને ૨૭ જૂને સીધા અસરગ્રસ્ત ગામમાં આવીને ખેડૂતોની હાજરીમાં ખુલ્લી ચર્ચા કરવા સામેથી પડકાર ફેંક્યો છે.
આ વિવાદની કહાની ખૂબ જ રસપ્રદ છે. વાસ્તવમાં, વર્ષ ૨૦૦૬માં જ્યારે એચ. ડી. કુમારસ્વામી પોતે કર્ણાટકના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે જ આ બિદાદી ટાઉનશીપ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી અને ૭,૪૮૧ એકર જેટલી વિશાળ જમીનને 'રેડ ઝોન' જાહેર કરી દીધી હતી. કુમારસ્વામીનો આ વિસ્તારમાં રાજકીય પ્રભાવ છે અને બિદાદી તથા ચન્નાપટ્ટણા વચ્ચે તેમનું અંગત ફાર્મહાઉસ પણ આવેલું છે. જોકે, ત્યારબાદ યેદિયુરપ્પાથી લઈને સિદ્ધારમૈયા અને બોમ્મઈ સુધીના અનેક મુખ્યમંત્રીઓ આવ્યા પરંતુ આ પ્રોજેક્ટ લગભગ બે દાયકા સુધી કોલ્ડ સ્ટોરેજમાં ધૂળ ખાતો રહ્યો. જમીન સંપાદનની તલવાર લટકતી હોવાથી સ્થાનિક ગ્રામજનો વર્ષો સુધી પોતાની મિલકતો વેચી પણ શક્યા નહીં, જેના કારણે ભારે આક્રોશ હતો. હવે શિવકુમાર મુખ્યમંત્રી બનતા જ આ પ્રોજેક્ટ તેમનો ગૃહ જિલ્લો હોવાના નાતે ફરી એક્શન મોડમાં આવ્યો છે.
જેવા શિવકુમારે આ પ્રોજેક્ટ પર આગળ વધવાની જાહેરાત કરી કે તરત જ કુમારસ્વામી અને ભાજપે મોરચો ખોલી દીધો અને ગામડાઓમાં ‘પદયાત્રા’ શરૂ કરી દીધી. જોકે, મુત્સદ્દી મુખ્યમંત્રી શિવકુમારે આ વિરોધની હવા કાઢવા માટે ખેડૂતોને પ્રતિ એકર ₹૨.૫ કરોડનું મસમોટું વળતર આપવાની જાહેરાત કરી દીધી છે, જે કર્ણાટકના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું જમીન વળતર છે. આ ઐતિહાસિક રકમની લાલચે અગાઉ કોંગ્રેસ અને જેડી(એસ)ના જૂથોમાં વહેંચાયેલા ખેડૂતોના સૂર બદલી નાખ્યા છે અને હવે પ્રોજેક્ટનો વિરોધ કરનારા સ્થાનિકોની સંખ્યા ઘટી રહી છે. આમ છતાં, અગાઉના રામનગર જિલ્લા (જેને હવે બેંગલુરુ દક્ષિણ જિલ્લો કહેવાય છે) પર પોતાનું રાજકીય વર્ચસ્વ જાળવી રાખવા માટે શિવકુમાર અને કુમારસ્વામી વચ્ચેની આ લડાઈ આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવા પૂરા સંકેતો છે.
(4:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
