<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

જમ્મુ-કાશ્મીરમાંથી ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મોટું એક્શન: વાયુસેનાના ખાસ વિમાનમાં 150 લોકોને બાગડોગરા ખસેડાયા

માન્ય દસ્તાવેજો વિના રહેતા વિદેશી નાગરિકો સામે સુરક્ષા દળોનું મોટું ઓપરેશન: પ્રથમ તબક્કામાં 150 ઘૂસણખોરોને BSFને સોંપાયા: 7 ઓક્ટોબરે બીજી બેચને પણ ડિપોર્ટ કરાશે

શ્રીનગર:  જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા અને ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે વહીવટીતંત્રે મોટો સિક્રેટ ડેમોલિશન અને ડિપોર્ટેશન પ્લાન અમલમાં મૂક્યો છે. ઘાટીમાં કોઈ પણ જાતના માન્ય વિઝા કે કાયદેસર દસ્તાવેજો વિના આશ્રય લઈ રહેલા 150 બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ કરીને તેમની અટકાયત કરવામાં આવી હતી. આ તમામ ગેરકાયદે રહેવાસીઓને ભારતીય વાયુસેના (IAF) ના એક વિશેષ સૈન્ય વિમાન મારફતે સીધા પશ્ચિમ બંગાળના બાગડોગરા એરપોર્ટ પર એરલિફ્ટ કરીને મોકલી આપવામાં આવ્યા છે, જેથી સરહદ પાર મોકલવાની પ્રક્રિયા ઝડપી બનાવી શકાય.

આ સમગ્ર ગુપ્ત અને સંવેદનશીલ ઓપરેશન અંગે શ્રીનગર પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ સત્તાવાર વિગતો આપતા જણાવ્યું છે કે, બાગડોગરા પહોંચાડાયા બાદ આ તમામ 150 નાગરિકોનો કબ્જો સીધો સીમા સુરક્ષા બળ ના જવાનોને સોંપી દેવાયો છે. BSF હવે આંતરરાષ્ટ્રીય સરહદ નિયમો અને જરૂરી પ્રોટોકોલનું પાલન કરીને આ લોકોને સરહદ પાર બાંગ્લાદેશ પરત મોકલવાની અંતિમ પ્રક્રિયા પૂરી કરશે. સુરક્ષા દળોના જણાવ્યા મુજબ, સરહદી વિસ્તારમાં ગેરકાયદે ઘૂસણખોરી અને વસવાટ સામેની આ અત્યાર સુધીની સૌથી મોટી કડક કાર્યવાહી માનવામાં આવી રહી છે.

સુરક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર આ માત્ર પ્રથમ તબક્કાની કામગીરી છે. આગામી 7 ઓક્ટોબરના રોજ બાંગ્લાદેશી નાગરિકોના બીજા મોટા જૂથને પણ આ જ રીતે ડિપોર્ટ કરવાની તૈયારીઓ આખરી તબક્કામાં છે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે સ્પષ્ટ કર્યું છે કે સુરક્ષાના દૃષ્ટિકોણથી આંતરિક ક્ષેત્રોમાં વગર દસ્તાવેજે રહેતા દરેક વિદેશી નાગરિકની શોધખોળ ચાલુ રહેશે અને તેમને શોધીને તેમના દેશમાં પરત મોકલવાનું આ અભિયાન આ જ રીતે સતત જારી રહેશે.

(6:30 PM IST)