News of Saturday, 19th September 2026
ATS નો મોટો ધડાકો: અલ-કાયદા સાથે જોડાયેલા શંકાસ્પદ આતંકીઓ પાકિસ્તાન-તુર્કી ભાગવાની ફિરાકમાં હતા
આઝમગઢ અને તમિલનાડુથી પકડાયેલા આતંકીઓ બોમ્બ બનાવવા પોટેશિયમ નાઇટ્રેટ શોધી રહ્યા હતા: જેહાદી પુસ્તકો અને સુરક્ષિત એપ પર કોડવર્ડ દ્વારા કટ્ટરપંથી પ્રવૃત્તિ ચલાવતા હોવાનો સળગતો ખુલાસો

લખનૌ: ઉત્તર પ્રદેશ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે દેશમાં એક મોટી આતંકી કાવતરાનો પર્દાફાશ કરતા ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ‘અલ-કાયદા ઇન ધ ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ’ સાથે જોડાયેલા અને તાજેતરમાં પકડાયેલા મોહમ્મદ નબીલ અને મકસુદ અલી નામના શંકાસ્પદ આતંકીઓ દેશમાં મોટા પાયે બોમ્બ બનાવવા માટે પોટેશિયમ નાઇટ્રેટ જેવા ઘાતક રસાયણો એકઠા કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અત્યંત ઘાતક વિસ્ફોટકો તૈયાર કરવાની સાથે જ આ બંને આતંકીઓ એડવાન્સ આતંકવાદી તાલીમ મેળવવા માટે પાકિસ્તાન, તુર્કી અને બાંગ્લાદેશ ભાગી જવાની ફિરાકમાં હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું છે.
ATS એ ૧૨ અને ૧૪ સપ્ટેમ્બરના રોજ ઉત્તર પ્રદેશના આઝમગઢ અને તમિલનાડુથી આ બંને શંકાસ્પદ આતંકીઓની અટકાયત કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આ આરોપીઓ "ફ્લેમ્સ ઓફ વોર" જેવા આંતરરાષ્ટ્રીય કટ્ટરપંથી જૂથો સાથે સીધા સંપર્કમાં હતા, જેમાં બાંગ્લાદેશ, મ્યાનમાર અને સાઉદી અરેબિયાના કટ્ટરપંથીઓ જોડાયેલા હતા. આરોપીઓ સોશિયલ મીડિયા પર અનવર ઉલ અવલાકીનું પુસ્તક "44 વેઝ ટુ વેજ જેહાદ" અને મૌલાના અસીમ ઉમરનું "તીસરી જંગ-એ-અઝીમ" જેવા ઝેરી પુસ્તકો શેર કરીને ભારતીય યુવાનોને બ્રેઇનવોશ કરી AQIS માં જોડાવા માટે ઉશ્કેરતા હતા.
સુરક્ષા એજન્સીઓના જણાવ્યા મુજબ, આ આતંકી નેટવર્ક એક અત્યંત સુરક્ષિત અને એન્ક્રિપ્ટેડ મોબાઇલ એપ્લિકેશન દ્વારા એકબીજાના સંપર્કમાં હતું. પોતાનું નેટવર્ક છુપાવવા માટે તેઓ વિશિષ્ટ કોડવર્ડ્સનો ઉપયોગ કરતા હતા, જેમાં રસાયણો માટે "રસ", શસ્ત્રો માટે "પેન" અને જેહાદી પ્રવૃત્તિઓ માટે "ક્ષેત્ર" જેવા શબ્દો નક્કી કરાયા હતા. હાલમાં ATS ટીમ આ સિક્રેટ એપ સાથે જોડાયેલા અન્ય મોબાઇલ નંબરો અને કોડવર્ડ્સનું ડીકોડિંગ કરી રહી છે, જેથી ઉત્તર પ્રદેશ અને દેશના અન્ય રાજ્યોમાં પથરાયેલા તેમના સ્લીપર સેલ્સ અને સાથીદારો સુધી પહોંચી શકાય.
(7:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
