<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

ઓટોમોબાઈલ ક્ષેત્રે મોટો ધડાકો: સપ્ટેમ્બરમાં પેસેન્જર વાહનોના વેચાણમાં ૩૨.૧ ટકાનો ભવ્ય ઉછાળો નોંધાયો

ફાડાના અહેવાલ મુજબ ટુ-વ્હીલર અને કોમર્શિયલ વાહનોની ધૂમ ખરીદીથી કુલ ૨૫.૩૬ લાખ વાહનોનું ઓલ-ટાઇમ રેકોર્ડ રિટેલ વેચાણ; સીએનજી અને ઈલેક્ટ્રિક વાહનોની માંગ પણ વધી

નવી દિલ્હી : દેશના ઓટોમોબાઈલ રિટેલ ક્ષેત્રે ગત સપ્ટેમ્બર મહિના દરમિયાન વેચાણના તમામ જૂના રેકોર્ડ તોડીને એક નવો ઈતિહાસ રચ્યો છે. ફેડરેશન ઑફ ઈન્ડિયન્સ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશન (FADA) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, ગત સપ્ટેમ્બરમાં પેસેન્જર વાહનોના (કાર વગેરે) રિટેલ વેચાણમાં વર્ષાનુવર્ષ ધોરણે ૩૨.૧ ટકાનો પ્રચંડ ઉછાળો નોંધાયો છે અને કુલ વેચાણ ૪,૨૭,૨૧૩ યુનિટની સપાટીએ પહોંચી ગયું છે. તહેવારોની મોસમ પૂર્વે શહેરી તેમજ ગ્રામીણ બંને વિસ્તારોમાં ગ્રાહકો દ્વારા કરવામાં આવેલી જોરદાર ખરીદીને કારણે સમગ્ર ઓટો સેક્ટરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

ફાડા દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતવાર આંકડાકીય માહિતી મુજબ, માત્ર કાર જ નહીં પરંતુ તમામ શ્રેણીના વાહનોના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. દ્વિચક્રી (ટુ-વ્હીલર) વાહનોની માગ ૩૩.૦૮ ટકા વધીને ૧૭,૯૦,૧૮૮ યુનિટ પર પહોંચી છે, જ્યારે ત્રિચક્રી (થ્રી-વ્હીલર) વાહનોનું વેચાણ ૨૨.૨૫ ટકા વધીને ૧,૩૨,૫૭૦ યુનિટ રહ્યું છે. આ ઉપરાંત વેપારી વાહનોનું (કોમર્શિયલ વ્હીકલ્સ) રિટેલ વેચાણ પણ ૩૭.૬૨ ટકાના તોતિંગ વધારા સાથે ૧,૦૩,૫૫૭ યુનિટના સ્તરે પહોંચ્યું છે. તમામ શ્રેણીઓ મળીને દેશમાં કુલ વાહનોનું વેચાણ ૩૧.૮૨ ટકા વધીને ૨૫,૩૬,૯૨૦ યુનિટની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે.

 

આ રેકોર્ડબ્રેક વૃદ્ધિ અંગે ફાડાના પ્રમુખ સાઈ ગિરધરે મહત્વપૂર્ણ વિગતો આપતા જણાવ્યું હતું કે, ભારતીય ઓટોમોબાઈલ રિટેલ ક્ષેત્ર માટે ગત સપ્ટેમ્બર મહિનો અત્યાર સુધીનો સૌથી સફળ મહિનો પુરવાર થયો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ માસિક સમયગાળાની દ્રષ્ટિએ પણ ઉદ્યોગે ૨૦.૭૭ ટકાની મજબૂત વૃદ્ધિ નોંધાવીને કુલ ૧,૫૫,૧૨,૩૧૯ યુનિટનું વેચાણ કર્યું છે. ઓગસ્ટ મહિનાની સરખામણીએ પણ સપ્ટેમ્બરમાં ૪.૬૯ ટકાનો સુધારો જોવા મળ્યો છે. તેમણે ઉમેર્યું કે ગત વર્ષના જીએસટી સુધારા અને નીચા બેઝની અસરને બાદ કરીએ તો પણ વાસ્તવિક માગ ખૂબ જ પ્રોત્સાહક રહી છે.

 

અહેવાલ અનુસાર, દેશના શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં વાહનોની ખરીદીમાં અદભુત સમાનતા જોવા મળી છે, જ્યાં અનુક્રમે ૩૨.૧૧ ટકા અને ૩૨.૦૯ ટકાનો સમાન વધારો નોંધાયો છે. આ ઉપરાંત ઈંધણના વપરાશની બાબતમાં પણ મોટો બદલાવ જોવા મળ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં વૈકલ્પિક ઈંધણ (સીએનજી ૨૩.૧૧%, હાઈબ્રિડ ૯.૪૪% અને ઈલેક્ટ્રિક ૮.૪૫%) ધરાવતા વાહનોનો હિસ્સો કુલ વેચાણમાં ૪૧ ટકા સુધી પહોંચી ગયો છે, જેણે ૪૧.૨૭ ટકા હિસ્સો ધરાવતા પરંપરાગત પેટ્રોલ વાહનોને સીધી ટક્કર આપી છે.

 

ઉદ્યોગના નિષ્ણાતોના મતે, તાજેતરમાં વાહનોના વેચાણમાં જોવા મળેલી આ તેજી પાછળ સરકારી નીતિઓ અને જીએસટી દરોમાં કરાયેલા સાનુકૂળ ફેરફારો મુખ્ય કારણ રહ્યા છે. ગ્રાહકો હવે પરંપરાગત ઈંધણના બદલે સીએનજી અને ઈલેક્ટ્રિક જેવા પર્યાવરણઅનુકૂળ અને આર્થિક રીતે પરવડે તેવા વાહનો તરફ વધુ આકર્ષિત થઈ રહ્યા છે, જેના કારણે ઓટોમોબાઈલ ક્ષેત્રે નવી ઊર્જાનો સંચાર થયો છે.

 

જોકે, આ સકારાત્મક આંકડાઓ વચ્ચે પણ ઓટો ડિલરો આગામી સમયગાળા માટે થોડી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. વાહન ઉત્પાદક કંપનીઓ દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા ભાવવધારાને કારણે સામાન્ય ગ્રાહકોની ખરીદશક્તિ પર અસર પડી શકે છે. પરિણામે, આગામી ત્રિમાસિક ગાળા દરમિયાન નવી માગ પર થોડું જોખમ ઊભું થવાની શક્યતા સેવાઈ રહી છે, પરંતુ આગામી તહેવારોની મુખ્ય સિઝન આ ચિંતાઓને દૂર કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

(8:24 PM IST)