તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
એવિએશન ક્ષેત્રે મોટો ધડાકો: એતિહાદ અને ઉઝબેકિસ્તાન એરવેઝ વચ્ચે ઐતિહાસિક 'કોડશેર' કરાર, હવે સિંગલ ટિકિટ પર ઉઝબેકના ૮ આકર્ષક શહેરોની સફર થશે આસાન
અબુ ધાબી-તાશ્કંદ વચ્ચે શરૂ થશે નવી દૈનિક ફ્લાઇટ; સમરકંદ, બુખારા અને ખીવા જેવા સિલ્ક રોડના ઐતિહાસિક સ્થળોની મુસાફરી બનશે સીમલેસ, બંને એરલાઇન્સના મુસાફરોને મળશે ખાસ રિવોર્ડ્સ

અબુ ધાબી : આંતરરાષ્ટ્રીય હવાઈ સફર કરનારા અને ખાસ કરીને સેન્ટ્રલ એશિયા (મધ્ય એશિયા) ના પ્રવાસીઓ માટે વૈશ્વિક એવિએશન માર્કેટમાંથી એક ખૂબ જ ઉત્સાહજનક સમાચાર સામે આવ્યા છે. દુનિયાની સૌથી લક્ઝુરિયસ એરલાઇન્સમાં ગણાતી એતિહાદ એરવેઝ (Etihad Airways) અને ઉઝબેકિસ્તાન એરવેઝે એક ભવ્ય 'કોડશેર' (Codeshare) ભાગીદારી પર સત્તાવાર હસ્તાક્ષર કર્યા છે. આ ઐતિહાસિક ડીલ બાદ હવે દુનિયાભરના મુસાફરો માત્ર એક જ સિંગલ ટિકિટ ખરીદીને તાશ્કંદ થઈને ઉઝબેકિસ્તાનના ૮ પ્રખ્યાત શહેરોની સીમલેસ અને કોઈપણ ઝંઝટ વગરની સફર માણી શકશે. મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) અને મધ્ય એશિયા વચ્ચેના સંબંધો અને પ્રવાસનને મજબૂત કરવા માટે આ પગલું ગેમ-ચેન્જર સાબિત થશે.
ઓગસ્ટ ૨૦૨૬ થી આકાશી સફર થશે શરૂ, આ ૮ શહેરો સીધા જોડાશે
બે એરલાઇન્સ વચ્ચેનો આ કરાર ભલે ૧૫ મેથી કાગળ પર અમલમાં આવી ગયો હોય, પરંતુ આ રૂટ પર પ્રથમ કોડશેર ફ્લાઇટ્સ આગામી ૯ ઓગસ્ટ, ૨૦૨૬ થી આકાશમાં ઉડાન ભરશે. આ જ દિવસથી એતિહાદ એરવેઝ પોતાની નવી દૈનિક (Daily) અબુ ધાબી-તાશ્કંદ સેવા પણ શરૂ કરવા જઈ રહી છે.
આ કરાર હેઠળ, એતિહાદના મુસાફરો તાશ્કંદ પહોંચ્યા પછી ત્યાંથી ઉઝબેકિસ્તાન એરવેઝની કનેક્ટિંગ ફ્લાઇટ્સ દ્વારા ઉઝબેકના ૮ મુખ્ય શહેરો - સમરકંદ, બુખારા, ઉર્ગેન્ચ, નુકુસ, તેર્મેઝ, ફરગાના, નમાંગન અને અંદિઝાન ની સીધી મુસાફરી કરી શકશે. સાથોસાથ, ઉઝબેક એરવેઝના મુસાફરો પણ એતિહાદની ડેઇલી ફ્લાઇટ પકડીને તાશ્કંદથી સીધા અબુ ધાબી અને ત્યાંથી વિશ્વના અન્ય દેશો સાથે જોડાઈ શકશે.
સિલ્ક રોડના ઇતિહાસ અને વૈભવી આતિથ્યનો અદભુત સમન્વય
ઉઝબેકિસ્તાન હાલમાં વિશ્વભરના પ્રવાસીઓ માટે, ખાસ કરીને ભારતીય મુસાફરો માટે એક લોકપ્રિય ટ્રેન્ડિંગ ડેસ્ટિનેશન તરીકે ઉભરી આવ્યું છે. પ્રાચીન 'સિલ્ક રોડ' (Silk Road) ના ભવ્ય ઇતિહાસ સાથે જોડાયેલા સમરકંદ અને બુખારા જેવા સ્થાપત્યો, ખીવાના કિલ્લાઓ અને કરાકલ્પકસ્તાનના સુંદર લેન્ડસ્કેપ્સ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે.
એતિહાદ એરવેઝના ચીફ રેવન્યુ અને કોમર્શિયલ ઓફિસર એરિક ડેએ જણાવ્યું હતું કે, "ઉઝબેકિસ્તાન હાલમાં અમારા નેટવર્કનું સૌથી રોમાંચક માર્કેટ છે. અમારા ગ્રાહકો લાંબા સમયથી આ સુવિધાની માંગ કરી રહ્યા હતા. ઉઝબેકિસ્તાન એરવેઝના રૂપમાં અમને એક મજબૂત ભાગીદાર મળ્યો છે." બીજી તરફ, ઉઝબેકિસ્તાન એરવેઝના શુક્રત યાદગારોવે આ ડીલને એક વ્યૂહાત્મક સીમાચિહ્નરૂપ ગણાવતા કહ્યું કે, આ નવી સેવા તાશ્કંદ અને દુબઈ વચ્ચેના વર્તમાન રૂટ્સને પૂરક બનાવશે અને ભારત સહિત વૈશ્વિક પ્રવાસીઓ માટે વ્યવસાય અને સાંસ્કૃતિક વિનિમયનો નવો સેતુ બનશે.
ફ્રી ટ્રાવેલ રિવોર્ડ્સ અને ૩૫૦ થી વધુ સ્થળોની વિશાળ પહોંચ
બંને એરલાઇન્સે માત્ર રૂટ્સ જ નથી જોડ્યા, પરંતુ તેમના નિયમિત મુસાફરો (Frequent Flyers) માટે પણ મોટી જાહેરાત કરી છે. હવે બંને કંપનીઓ 'એતિહાદ ગેસ્ટ' (Etihad Guest) અને 'ઉઝએરપ્લસ' (UzAirPlus) પ્રોગ્રામ અંતર્ગત મુસાફરોને ફ્રી માઇલ્સ અને એક્સક્લુઝિવ પુરસ્કારો આપવા પર કામ કરી રહી છે.
તમને જણાવી દઈએ કે, આ નવી ડીલ સાથે જ એતિહાદ એરવેઝનું વૈશ્વિક નેટવર્ક વધુ વિશાળ બન્યું છે. એતિહાદ પાસે હવે વિશ્વભરમાં ૪૬ કોડશેર અને ૧૩૦ થી વધુ ઇન્ટરલાઇન પાર્ટનર્સ છે, જેના કારણે સિંગલ-ટિકિટ કનેક્શન દ્વારા દુનિયાના ૩૫૦ થી વધુ ગંતવ્ય સ્થાનો પર પહોંચવું પ્રવાસીઓ માટે અત્યંત સરળ બની ગયું છે. જો તમે પણ નવા વર્ષમાં કોઈ અનોખા ઇન્ટરનેશનલ કલ્ચરલ એડવેન્ચરનું સપનું જોઈ રહ્યા હોવ, તો આ નવો રૂટ તમારા પ્રવાસને યાદગાર બનાવવા માટે તૈયાર છે.
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
