<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 5th October 2026

ઉત્તરાખંડ રાજકારણમાં મોટો ધમાકો: ભાજપ હાઈકમાન્ડે ફરી એકવાર મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના વિશ્વાસુ દિનેશ આર્ય પર પસંદગીનો કળશ ઢોળ્યો

દિનેશ આર્યને રાજ્યસભાના ઉમેદવાર બનાવી ભાજપે દલિત કાર્ડ ખેલ્યું: વરિષ્ઠ નેતાઓને પાછળ છોડી મુખ્યમંત્રી ધામીની પક્ષ અને સંગઠન પર મજબૂત પકડ સાબિત થઈ

દેહરાદૂન : ઉત્તરાખંડમાં આગામી રાજ્યસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી હાઈકમાન્ડે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના ભૂતપૂર્વ જનસંપર્ક અધિકારી અને મજબૂત દલિત ચહેરા દિનેશ આર્ય પર પસંદગી ઉતારીને તમામ રાજકીય નિષ્ણાતોને ચોંકાવી દીધા છે. દિલ્હી સ્થિત પક્ષના કેન્દ્રીય નેતૃત્વએ ફરી એકવાર મુખ્યમંત્રી ધામીની પસંદગી પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરીને રાજ્યના રાજકારણમાં તેમનો વધતો પ્રભાવ સાબિત કર્યો છે. લાંબા સમયથી ધામી સાથે સંગઠન અને સરકારમાં કામ કરી ચૂકેલા આર્યનું નામ ઉમેદવાર તરીકે જાહેર થતાં ઉત્તરાખંડથી લઈને દિલ્હી સુધી ધામી સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

 

રાજ્યસભાની આ ટિકિટ મેળવવાની રેસમાં ભાજપના ૩ ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ, વર્તમાન કેબિનેટ મંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ સહિત કુલ ૨૫ જેટલા અગ્રણી દાવેદારો શોર્ટલિસ્ટ થયા હતા. રાજ્ય કોર કમિટી દ્વારા કેન્દ્રીય ચૂંટણી સમિતિને મોકલવામાં આવેલા ૧૫ નામોની પેનલમાં પણ અનેક દિગ્ગજ નેતાઓ સામેલ હતા. પરંતુ મુખ્યમંત્રી ધામીના મજબૂત લોબિંગ અને વ્યૂહાત્મક રજૂઆતના કારણે તમામ વરિષ્ઠ દાવેદારોને પાછળ છોડીને દિનેશ આર્ય આ મહત્વપૂર્ણ ટિકિટ મેળવવામાં સફળ રહ્યા છે.

 

રાજકીય પંડિતોના મતે, આ નિર્ણય પાછળ ભાજપે આગામી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને દલિત વોટબેંકને સાધવાની મોટી રણનીતિ બનાવી છે. દિનેશ આર્ય નૈનિતાલ ક્ષેત્રમાંથી આવે છે, જે રાજ્યના સૌથી અગ્રણી દલિત નેતાઓનો પરંપરાગત ગઢ ગણાય છે. કોંગ્રેસની મજબૂત ગણાતી દલિત વોટબેંકમાં સંધિશાળ કરવા અને કુમાઉ પ્રદેશમાં સામાજિક સમીકરણો સંતુલિત કરવાના હેતુથી ભાજપની કેન્દ્રીય વ્યૂહરચના ટીમે આ સરપ્રાઈઝ દાવ ખેલ્યો છે.

 

દિનેશ આર્યનો રાજકીય ઇતિહાસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS), અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને ભાજપના પાયાના કાર્યકર તરીકે રહ્યો છે. ભૂતકાળમાં તેમણે પક્ષના જિલ્લા પ્રમુખ અને રાષ્ટ્રીય સંગઠનમાં સેવાઓ આપી છે. જોકે, તેમણે નૈનિતાલ અને મુક્તેશ્વર બેઠકો પરથી વિધાનસભા ચૂંટણી લડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાં સફળતા મળી નહોતી. લાંબા સમય સુધી પડદા પાછળ રહીને પક્ષ માટે સક્રિય કામગીરી કર્યા બાદ હવે તેમને સીધા રાજ્યસભા જેવા ઉચ્ચ ગૃહની મોટી જવાબદારી સોંપવામાં આવી છે.

 

ઉત્તરાખંડના ઇતિહાસમાં દિવંગત નેતા નારાયણ દત્ત તિવારી પછી કોઈ મુખ્યમંત્રી પૂર્ણ કાર્યકાળ પૂરો કરી શક્યા નહોતા, પરંતુ પુષ્કર સિંહ ધામીએ સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા મુખ્યમંત્રી તરીકે નવો રેકોર્ડ બનાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો તેમના પર અતૂટ વિશ્વાસ રહ્યો છે. આ અગાઉ મંત્રીમંડળના વિસ્તરણ અને રાજ્ય સંગઠનના હોદ્દેદારોની નિમણૂકમાં પણ કેન્દ્રીય નેતૃત્વએ ધામીની પસંદગીઓને જ મંજૂરી આપી હતી, જે રાજ્યમાં તેમની ભવિષ્યની નિર્ણાયક ભૂમિકા દર્શાવે છે.

 

આ નિર્ણયથી જમીની સ્તરે કામ કરતા પક્ષના સામાન્ય કાર્યકરોમાં એક નવો ઉત્સાહ સંચાર થયો છે કે નિષ્ઠાવાન કામગીરીને યોગ્ય સમયે પક્ષમાં સ્થાન મળે છે. નામાંકનની સત્તાવાર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે રાજ્યસભામાં તેમની બિનહરીફ અથવા બહુમતીથી ચૂંટાઈ આવવાની ઔપચારિકતા બાકી છે. આગામી દિવસોમાં આ નિર્ણયથી રાજ્યના દલિત રાજકારણ અને કેન્દ્ર-રાજ્ય વચ્ચેના સંગઠનાત્મક તાલમેલમાં કેવા ફેરફારો થાય છે તેના પર સૌની નજર રહેશે.

 

(7:04 PM IST)