તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd September 2026
ભાજપ સાથે મોટો દાવઃ તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં ‘૦' વોટ મળ્યા
રાજસ્થાનના નાગોર જિલ્લાની મુંડવા નગરપાલિકામાં ભાજપને શરમજનક હાર મળી : કોંગ્રેસ-આરએલપી ગઠબંધનના અલકા દેવી કંડોઈને ૧૩ મતો મળતાં તેઓ ચેરમેન તરીકે ચૂંટાયા

નવી દિલ્હી, તા.૨૨: રાજસ્થાનના નાગોર જિલ્લાની મુંડવા નગરપાલિકામાં ભાજપને શરમજનક હાર મળી છે. કુલ ૨૫ બેઠકોમાંથી ૧૦ બેઠકો જીતીને સૌથી મોટો પક્ષ હોવા છતાં, ભાજપના ચેરમેન પદના ઉમેદવાર ગીતા દેવીને એક પણ મત મળ્યો નહોતો. કોંગ્રેસ-આરએલપી ગઠબંધનના અલકા દેવી કંડોઈને ૧૩ મતો મળતાં તેઓ ચેરમેન તરીકે ચૂંટાયા. ભાજપના કાઉન્સિલરોએ ક્રોસ વોટિંગ કરતાં પક્ષની આબરૂના ધજાગરા થયા.
રાજસ્થાનના અજમેર અને પાલી કોર્પોરેશનમાં ભાજપ દ્વારા સરકાર બનાવવાની ખબરો સામે આવી હતી, પરંતુ જયપુરથી આશરે ૨૫૦ કિલોમીટર દૂર આવેલા નાગોરની મુંડવા નગર પાલિકામાં સ્થિતિ એકદમ વિપરીત રહી હતી. જિલ્લાની મુંડવા નગરપાલિકામાં સૌથી મોટો પક્ષ હોવા છતાં ભાજપ માત્ર પોતાનો ચેરમેન બનાવવામાં જ નિષ્ફળ ન રહી, પરંતુ શરમજનક સ્થિતિનો પણ સામનો કરવો પડ્યો. અહીં ભાજપના તમામ કાઉન્સિલરએ ક્રોસ વોટિંગ કર્યું હતું અને ભગવા દળના ચેરમેન પદના ઉમેદવારને એક પણ મત પ્રાપ્ત થયો નહોતો. મુંડવા નગરપાલિકામાં ચેરમેન પદ માટે યોજાયેલા મતદાનમાં કોંગ્રેસ અને હનુમાન બેનીવાલની રાષ્ટ્રીય લોતાંત્રિક પાર્ટી(આરએલપી)એ બાજી મારી લીધી હતી. કુલ ૨૫ બેઠકોવાળી આ નગર પાલિકામાં ભાજપ શૂન્ય પર સિમીત રહી ગઈ અને કોંગ્રેસ-આરએલપી ગઠબંધનને એક જ મતથી વિજય પ્રાપ્ત થયો હતો. કોંગ્રેસ અને આરએલપીના સંયુક્ત ઉમેદવાર અલકા દેવી કંડોઈને ૧૩ મત મળ્યા અને તેઓ ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા. બીજી તરફ, અપક્ષ ઉમેદવાર ઘનશ્યામ સદાવાત માત્ર એક મતથી હારી ગયા, જેમને કુલ ૧૨ કાઉન્સિલરના મત મળ્યા હતા. ભાજપમાંથી ટિકિટ ન મળતાં બળવો કરનાર સદાવાતે અપક્ષ ચૂંટણી લડી હતી.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
