<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

એર ઇન્ડિયાના મુસાફરોને મોટો ફટકો: જૂનથી ઓગસ્ટ સુધી ૧૦૦થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ, અમેરિકા-કેનેડા જનારાઓના પ્લાન ખોરવાશે!

મધ્ય પૂર્વના યુદ્ધ અને ઇંધણના ભડકે બળતા ભાવને કારણે ટાટા ગ્રુપનો મોટો નિર્ણય; લાંબા રૂટ અને એરસ્પેસ પ્રતિબંધોએ એરલાઇન્સની કમર તોડી, જાણો લેટેસ્ટ અપડેટ

નવી દિલ્હી, તા.૧૩: જો તમે આગામી ઉનાળુ વેકેશનમાં એર ઇન્ડિયા (Air India) દ્વારા અમેરિકા, કેનેડા કે અન્ય વિદેશી દેશોમાં જવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે ચેતવણી સમાન છે. પશ્ચિમ એશિયામાં વધી રહેલા સંઘર્ષ અને જેટ ઇંધણ (ATF) ના આસમાને પહોંચેલા ભાવને કારણે એર ઇન્ડિયાએ આગામી જૂનથી ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન દર અઠવાડિયે તેની ૧૦૦ થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં કાપ મૂકવાની સત્તાવાર જાહેરાત કરી છે.

યુદ્ધની અસર વિમાનના રૂટ પર

એર ઇન્ડિયાના સીઈઓ (CEO) કેમ્પબેલ વિલ્સને આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવને કારણે અનેક એરસ્પેસ બંધ કરી દેવામાં આવ્યા છે. આને કારણે ફ્લાઇટ્સને લાંબા અને ડાયવર્ટ કરેલા રૂટ પરથી ઉડાન ભરવી પડી રહી છે. લાંબા રૂટને કારણે ઇંધણનો વપરાશ અને ખર્ચ બંનેમાં તોતિંગ વધારો થયો છે. નેટવર્કની સ્થિરતા જાળવવા અને મુસાફરોને છેલ્લી ઘડીએ થતી હાલાકીથી બચાવવા માટે કંપનીએ અગાઉથી જ ફ્લાઇટ્સ ઘટાડવાનો કઠોર નિર્ણય લીધો છે.

કયા રૂટ પર પડશે સૌથી વધુ અસર?

ટાટા ગ્રુપની માલિકીની આ એરલાઇન્સ મુખ્યત્વે દિલ્હી અને મુંબઈથી અમેરિકા, કેનેડા અને યુરોપના દેશોમાં જતી ફ્લાઇટ્સમાં ઘટાડો કરી રહી છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની સાથે કેટલીક રાષ્ટ્રીય કનેક્ટિવિટી પર પણ તેની અસર જોવા મળી શકે છે. જોકે, એરલાઇન્સે ખાતરી આપી છે કે જેમણે અગાઉથી ટિકિટ બુક કરાવી છે, તેમને વૈકલ્પિક વ્યવસ્થા અથવા રિફંડની પ્રક્રિયામાં મદદ કરવામાં આવશે.

મુસાફરો માટે સૂચના

એર ઇન્ડિયાએ મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ એરપોર્ટ પર જતા પહેલા અથવા પ્રવાસનું આયોજન કરતા પહેલા એરલાઇન્સની વેબસાઇટ કે કસ્ટમર કેર દ્વારા ફ્લાઇટનું સ્ટેટસ ચોક્કસ ચેક કરી લે. ઇંધણના વધતા ભાવ અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે આગામી દિવસોમાં હવાઈ મુસાફરી વધુ મોંઘી અને પડકારજનક બની શકે છે. અત્યારે તો એર ઇન્ડિયાની ૧૦૦ થી વધુ ફ્લાઇટ્સ રદ થતા હજારો પ્રવાસીઓના પ્રવાસના આયોજન પર પાણી ફરી વળ્યું છે.

(5:19 PM IST)