તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 17th September 2026
યુપી ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો: ૧૩ વર્ષ બાદ છ વખતના પૂર્વ મંત્રી રામ આસારે કુશવાહાની સપામાં ઘરવાપસી, અખિલેશને સીએમ બનાવવાનો લીધો સંકલ્પ
‘જ્યાં સન્માન નથી ત્યાં કંઈ નથી’: કાનપુરના પ્રભાવશાળી નેતાએ સમર્થકો સાથે ભાજપ છોડી ધર્યું સાયકલનું હેન્ડલ; અખિલેશ યાદવે વિશ્વકર્મા જયંતીની રજા અને યુપીઆઈ ફી મુદ્દે સરકારને ઘેરી

લખનૌ, તા.૧૭: ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપને મોટો આંચકો આપતા યુપી સરકારમાં છ વખત મંત્રી રહી ચૂકેલા અને કાનપુરના વરિષ્ઠ નેતા રામ આસારે કુશવાહાએ ભાજપ સાથેનો ૧૩ વર્ષ જૂનો નાતો તોડીને સમાજવાદી પાર્ટી (SP)માં ભવ્ય ઘરવાપસી કરી છે. સપા પ્રમુખ અખિલેશ યાદવની હાજરીમાં પક્ષનો ખેસ ધારણ કરતા તેમણે ભાવુક બનીને જણાવ્યું હતું કે, તેમને આજે પણ નેતાજી (મુલાયમ સિંહ યાદવ) પોતાની વચ્ચે હોવાનો અહેસાસ થાય છે. તેમણે પોતાના હજારો સમર્થકોને અપીલ કરી હતી કે જ્યાં સુધી અખિલેશ યાદવને ફરીથી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનાવવામાં ન આવે ત્યાં સુધી કોઈએ શાંતિથી બેસવાનું નથી.
ઉલ્લેખનીય છે કે રામ આસારે કુશવાહા કાનપુર નગરના સરસૌલ વિસ્તારમાંથી ધારાસભ્ય રહી ચૂક્યા છે અને અન્ય પછાત વર્ગ (OBC)ના મોટા ચહેરા તરીકે ઓળખાય છે. ૨૦૧૩માં સપાથી અળગા થયા બાદ તેઓ ભાજપમાં જોડાયા હતા. જોકે, ભાજપ પર ઉપેક્ષાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે, "જ્યાં સન્માન હોય ત્યાં જ સગાઈ કે રાજકારણ નભી શકે, સન્માન વિના ક્યાંય ન ટકી શકાય." તેમની વાપસીથી પછાત વર્ગની મતબેંક પર સમાજવાદી પાર્ટીની પકડ વધુ મજબૂત બનશે તેમ મનાઈ રહ્યું છે.
બીજી તરફ, આ જ મંચ પરથી સપા પ્રમુખ અખિલેશ યાદવે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જાહેરાત કરી હતી કે સપાની સરકાર બનતા જ ભગવાન વિશ્વકર્મા જયંતી પર જાહેર રજા પુનઃ શરૂ કરવામાં આવશે અને વિશ્વકર્મા સમાજના કારીગરો માટે વિશેષ આર્થિક યોજનાઓ અંકિત કરાશે. વધુમાં, અખિલેશે યુપીઆઈ (UPI) ટ્રાન્ઝેક્શન પર ફી વસૂલવાના નિર્ણયને જનતાની તિજોરી પર ડાકો ગણાવીને તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો અને રાજ્યમાં એક્સપ્રેસવે તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની નબળી ગુણવત્તા મુદ્દે પણ શાસક પક્ષને આડે હાથ લીધો હતો.
(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
