તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
સેન્સર બોર્ડનો મોટો ઝાટકો: 'વેલકમ ટુ ધ જંગલ' પર ફરી કાતર : દિશા પટાણી અને જેકલીનના બિકીની દ્રશ્યો હટાવાયા
અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ મલ્ટીસ્ટારર કોમેડી ફિલ્મને ૧૮ કટ સાથે મળ્યું સેન્સર સર્ટિફિકેટ : ૨૬ જૂને સિનેમાઘરોમાં રિલીઝ થનારી ફિલ્મનો રનટાઇમ પણ આવ્યો સામે

મુંબઈ: બોલીવુડના ખેલાડી અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ કોમેડી ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'ની રિલીઝને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સિનેમાઘરોમાં ધમાકો કરતા પહેલા જ આ ફિલ્મ વિવાદો અને ચર્ચાના કેન્દ્રમાં આવી ગઈ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એટલે કે સેન્સર બોર્ડ દ્વારા આ ફિલ્મને લીલી ઝંડી તો મળી ગઈ છે, પરંતુ તે માટે મેકર્સે મોટી કિંમત ચૂકવવી પડી છે. બોર્ડે ફિલ્મ પર કડક વલણ અપનાવતા એક-બે નહીં પરંતુ પૂરા ૧૮ કટ લગાવ્યા છે, જેણે બોલીવુડ ગરિઆરાઓમાં ભારે ચર્ચા જગાવી છે.
આ ફિલ્મમાં ગ્લેમરનો તડકો લગાવતી હોટ એક્ટ્રેસ દિશા પટાણી અને જેકલીન ફર્નાન્ડીઝના કેટલાક બિકીની સીન્સ પર સેન્સર બોર્ડે આકરી કાતર ચલાવીને તેને સંપૂર્ણપણે હટાવી દીધા છે. આ સિવાય ફિલ્મમાં રાખવામાં આવેલા કેટલાક ડબલ મિનિંગ (બેવડા અર્થવાળા) સંવાદો, વાંધાજનક હાવભાવ અને અયોગ્ય દ્રશ્યો પર પણ બોર્ડે સખત વાંધો ઉઠાવ્યો હતો. આ તમામ ફેરફારો બાદ સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મને U/A 16+ સર્ટિફિકેટ આપીને થિયેટરોમાં પ્રદર્શિત કરવાની મંજૂરી આપવામાં આવી છે.
બોલીવુડની સૌથી મોટી મલ્ટીસ્ટારર ફ્રેન્ચાઈઝીની આ ત્રીજી ફિલ્મ ૨ કલાક, ૪૪ મિનિટ અને ૫૦ સેકન્ડના રનટાઇમ સાથે ૨૬ જૂન, ૨૦૨૬ના રોજ દેશભરના સિનેમાઘરોમાં ધૂમ મચાવવા આવી રહી છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે સુનીલ શેટ્ટી, પરેશ રાવલ, અરશદ વારસી, જોની લીવર, રાજપાલ યાદવ અને શ્રેયસ તલપડે સહિતના કલાકારોની લાંબી ફોજ જોવા મળશે. ટ્રેલરને મળેલા જબરદસ્ત પ્રતિસાદ બાદ હવે જોવાનું એ રહેશે કે આટલા બધા કટ અને સેન્સરના નિયમો વચ્ચે પણ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર અગાઉની ફિલ્મોની જેમ જ કમાણીના રેકોર્ડ તોડી શકે છે કે નહીં.
(6:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
