તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
કેન્દ્ર સરકારને લોકસભામાં મોટો ફટકો : 131મું બંધારણીય સુધારો બિલ જરૂરી બહુમતીના અભાવે પસાર થવામાં નિષ્ફળ : બિલ પર થયેલા મતદાનમાં સરકારના પક્ષમાં 298 મતો પડ્યા હતા, જ્યારે વિરોધમાં 230 સભ્યોએ મતદાન કર્યું
મહિલા અનામત અને સીમાંકન સંબંધિત બિલ પર સરકાર પાસે 2/3 બહુમતી ન હોવાથી પરાજય : વિપક્ષની એકતા સામે એનડીએનું ગણિત ઉંધુ પડ્યું : લોકસભાની બેઠકો 850 કરવાની દરખાસ્ત અટકી

નવી દિલ્હી : કેન્દ્રની નરેન્દ્ર ભાઈની સરકાર માટે સંસદમાં અત્યંત આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. લોકસભામાં મહિલા અનામત કાયદામાં ફેરફાર અને બેઠકોના સીમાંકન સંબંધિત 131મું બંધારણીય સુધારો બિલ જરૂરી બહુમતી ન મળવાને કારણે પરાજિત થયું છે. સત્તાધારી નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) ગૃહમાં કાયદો પસાર કરાવવા માટે અનિવાર્ય એવી બે-તૃતીયાંશ (2/3) બહુમતી મેળવવામાં નિષ્ફળ રહ્યું છે, જે સરકાર માટે મોટો રાજકીય આંચકો માનવામાં આવે છે.
મત વિભાજનમાં બિલનો પરાજય:
ગુરુવારે રજૂ કરવામાં આવેલા આ વિવાદાસ્પદ બિલ પર થયેલા મતદાનમાં સરકારના પક્ષમાં 298 મતો પડ્યા હતા, જ્યારે વિરોધમાં 230 સભ્યોએ મતદાન કર્યું હતું. બંધારણીય સુધારા માટે જરૂરી વિશેષ બહુમતીનો આંકડો ન વટાવી શકવાને કારણે બિલ પસાર થઈ શક્યું નહોતું. વિપક્ષે એકજુટ થઈને શરૂઆતના તબક્કે જ વોઈસ વોટને બદલે મત વિભાજન (Division of votes) ની માંગ કરી સરકારને ભીંસમાં મૂકી હતી. સામાન્ય રીતે બિલ પસાર થતી વખતે ડિવિઝન માંગવામાં આવે છે, પરંતુ અહીં વિપક્ષે રજૂઆતના તબક્કે જ શક્તિપ્રદર્શન કર્યું હતું.
બેઠકોની સંખ્યા 850 કરવાની હતી યોજના:
આ બિલ દ્વારા સરકાર લોકસભાની હાલની 543 બેઠકોની સંખ્યા વધારીને મહત્તમ 850 કરવાની યોજના ધરાવતી હતી. જેમાં રાજ્યોમાંથી 815 અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 35 સભ્યોની જોગવાઈ હતી. આ સાથે જ સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે લાંબા સમયથી પડતર એક-તૃતીયાંશ અનામતને અમલમાં મૂકવાની પણ દરખાસ્ત હતી. દિલ્હી, પુડુચેરી અને જમ્મુ-કાશ્મીર જેવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં મહિલા ક્વોટા લાગુ કરવા માટે અન્ય બે સામાન્ય બિલો પણ રજૂ કરાયા હતા, પરંતુ મુખ્ય બંધારણીય બિલ અટકી પડતા સમગ્ર પ્રક્રિયા પર બ્રેક લાગી છે.
રાહુલ ગાંધી અને પ્રધાનમંત્રી વચ્ચે શાબ્દિક જંગ:
લોકસભામાં ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહારો કરતા આ બિલને 'ગભરાટમાં લેવાયેલો નિર્ણય' ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આ દેશના ચૂંટણી નકશાને બદલવાનો પ્રયાસ છે અને 'જાદુગર પકડાઈ ગયો છે'. બીજી તરફ, પ્રધાનમંત્રીએ અગાઉ ખાતરી આપી હતી કે સીમાંકનમાં કોઈ રાજ્ય સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં. તેમણે વિપક્ષને ચેતવણી પણ આપી હતી કે આ બિલનો વિરોધ કરવા બદલ તેમને લાંબા સમય સુધી કિંમત ચૂકવવી પડશે. જોકે, વિપક્ષના દાવા મુજબ આ બિલ પસાર થવાથી લોકશાહી ખતમ થઈ જત. હાલમાં તો બિલના પતન સાથે જ દેશના રાજકીય અને ચૂંટણી માળખામાં મોટા ફેરફાર કરવાની સરકારની મહેચ્છા પર પાણી ફરી વળ્યું છે.
(7:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
