<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

હાઈકોર્ટનો મોટો ઝટકો: ટીએમસી નેતા જહાંગીર ખાન પર ધરપકડની લટકતી તલવાર : પ્રોટેક્શન લંબાવવાની અરજી ફગાવી

મતદારોને ડરાવવાના આક્ષેપો વચ્ચે ફાલ્ટાની ચૂંટણી રદ થયા બાદ પાંચ એફઆઈઆરનો સામનો કરી રહેલા ટીએમસીના કદાવર નેતાને વેકેશન બેંચ તરફથી રાહત ન મળતાં પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભારે ખળભળાટ

કોલકાતા:  પશ્ચિમ બંગાળના રાજકારણમાં આક્ષેપો અને વિવાદોના કેન્દ્રમાં રહેલા તૃણમૂલ કોંગ્રેસના નેતા જહાંગીર ખાન માટે કાનૂની મુશ્કેલીઓ બેવડાઈ ગઈ છે. કોલકાતા હાઈકોર્ટની ઉનાળુ વેકેશન બેન્ચે આજે મોટો આંચકો આપતાં જહાંગીર ખાનને મળેલી વચગાળાની કાનૂની સુરક્ષાને આગળ લંબાવવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. જસ્ટિસ પાર્થ સારથી સેનની ખંડપીઠે ૨૬ મે સુધી આપેલું પ્રોટેક્શન રદ કરી દેતાં હવે ટીએમસી નેતા પર ગમે ત્યારે જેલના સળિયા પાછળ જવાનો ગંભીર ભય મંડરાઈ રહ્યો છે, જેને પગલે પક્ષના સ્થાનિક સંગઠનમાં પણ દોડધામ મચી ગઈ છે.

આ સમગ્ર મામલાના મૂળ દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાના ફાલ્ટા વિસ્તાર સાથે જોડાયેલા છે, જ્યાં ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારોને ખુલ્લેઆમ ડરાવવા અને ધમકાવવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા હતા. આ વિવાદ એટલો વણસ્યો હતો કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસવાના ડરે ૨૯ એપ્રિલના રોજ યોજાનારી ચૂંટણી જ રદ કરવાની ફરજ પડી હતી. તે સમયે ધરપકડથી બચવા માટે જહાંગીર ખાને ઉતાવળે હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા, જ્યાં ગત ૧૮ મેના રોજ કોર્ટે તેમને આંશિક રાહત આપી પોલીસને ૨૬ મે સુધી કોઈ પણ દંડાત્મક પગલાં ન ભરવાનો આદેશ આપ્યો હતો.

જોકે, મુદત પૂરી થતાં જહાંગીર ખાન વતી પ્રોટેક્શન વધારવા માટે આજીજી કરવામાં આવી હતી, પરંતુ અદાલતે મામલાની ગંભીરતા જોતાં રક્ષણ આપવાનો સાફ ઈનકાર કરી દીધો છે. પોલીસ રેકોર્ડ અનુસાર, જહાંગીર ખાન સામે હાલમાં જુદા જુદા ગુનાહિત કેસોમાં અંદાજે પાંચ અલગ-અલગ એફઆઈઆર (FIR) નોંધાયેલી છે. કોર્ટમાંથી રક્ષણાત્મક કવચ હટી જતાં જ સ્થાનિક પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને અટકાયત માટે ગમે તે ઘડીએ ખાનની આસપાસ પોતાનો ગાળિયો મજબૂત કરી શકે છે તેવા સંકેતો મળી રહ્યા છે.

(7:17 PM IST)