<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th November 2026

અમેરિકામાં વસતા ભારતીય ટેક પ્રોફેશનલ્સ માટે મોટો ઝટકો: IBMએ H-1B અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ બંધ કરતાં ભારત પરત ફરનારા કર્મચારીઓના પગારમાં 80% સુધીનો તોતિંગ ઘટાડો થવાની ભીતિ

કંપનીએ કર્મચારીઓને વિદેશ ટ્રાન્સફર સ્વીકારવા અથવા 31 ડિસેમ્બર સુધીમાં નોકરી છોડવા માટે 3 અઠવાડિયાનું અલ્ટીમેટમ આપ્યું; ભારતમાં 1,125 જગ્યાઓ ઉપલબ્ધ, પરંતુ અમેરિકા જેવો પગાર નહીં મળે

બેંગલુરુ, તા. ૨૬: અમેરિકામાં H-1B વિઝા અને ગ્રીન કાર્ડના સપના સાથે કામ કરી રહેલા હજારો ભારતીય આઇટી (IT) પ્રોફેશનલ્સ પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. દિગ્ગજ ટેક કંપની IBMએ તેના કન્સલ્ટિંગ વિભાગમાં મોટાભાગના હોદ્દાઓ માટે વિઝા અને ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ બંધ કરવાનો આકરો નિર્ણય લીધો છે. આ નિર્ણયને કારણે જે કર્મચારીઓએ અમેરિકા છોડીને ભારત સ્થળાંતર કરવું પડશે, તેમના પગારમાં અંદાજે 80 ટકા જેટલો જંગી ઘટાડો થઈ શકે છે.

અનામી કાર્યસ્થળ ફોરમ 'બ્લાઇન્ડ' (Blind) પર IBMના એક કર્મચારીએ દાવો કર્યો છે કે ભારત ટ્રાન્સફર લેવાથી પગારમાં 80 ટકા સુધીનો કાપ મૂકાઈ શકે છે. જોકે, IBM દ્વારા આ પગાર ઘટાડાના આંકડાને સત્તાવાર સમર્થન અપાયું નથી, પરંતુ કંપનીએ અમેરિકા સ્થિત અસરગ્રસ્ત H-1B અને ગ્રીન કાર્ડ ધારક કર્મચારીઓને નિર્ણય લેવા માટે માત્ર ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો છે. કર્મચારીઓ પાસે બે જ વિકલ્પ છે: અન્ય દેશમાં ટ્રાન્સફર સ્વીકારવું અથવા કંપની છોડી દેવી. જે કર્મચારીઓ ટ્રાન્સફર નહીં સ્વીકારે, તેમને ત્રણ મહિનાનું 'સેવરન્સ પે' (વળતર) આપી 31 ડિસેમ્બર, 2026ના રોજ છૂટા કરવામાં આવશે.

વિદેશમાં ટ્રાન્સફર થવા માંગતા કર્મચારીઓ માટે ભારત સૌથી મોટું વિકલ્પ બનીને ઉભર્યું છે. 'રેસ્ટ ઓફ વર્લ્ડ'ના અહેવાલ મુજબ, 19 નવેમ્બર સુધીમાં IBMના કરિયર પોર્ટલ પર અમેરિકા બહાર કુલ 1,278 કન્સલ્ટિંગ જગ્યાઓ ખાલી હતી, જેમાંથી સૌથી વધુ 1,125 જગ્યાઓ એકલા ભારતમાં છે. આ ઉપરાંત સિંગાપોરમાં 23 અને યુકેમાં 18 જગ્યાઓ ઉપલબ્ધ છે. જોકે, વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા પરિવારો માટે ભારત પરત ફરવું અને 80 ટકા ઓછા પગારમાં ગુજરાન ચલાવવું એ નાણાકીય અને કૌટુંબિક રીતે અત્યંત કપરો નિર્ણય સાબિત થઈ રહ્યો છે.

આ ઘટનાક્રમ એવા સમયે બન્યો છે જ્યારે અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્ર હેઠળ વિદેશી કામદારોની ભરતી પર નિયમો અત્યંત કડક બનાવવામાં આવ્યા છે. સપ્ટેમ્બર 2025માં વ્હાઇટ હાઉસે નવી H-1B અરજીઓ પર $100,000ની જંગી ફી લાદી હતી. વધુમાં, તાજેતરમાં જ યુએસ લેબર ડિપાર્ટમેન્ટે માઇક્રોસોફ્ટ, એડોબ, ટીસીએસ, ઇન્ફોસિસ અને કોગ્નિઝન્ટ જેવી મોટી કંપનીઓને ગ્રીન કાર્ડ માટેની 'PERM' પ્રક્રિયામાંથી સસ્પેન્ડ કરી છે. H-1B વિઝા ધારકોમાં લગભગ 75 ટકા હિસ્સો ભારતીયોનો હોવાથી, IBMના આ પગલાથી ભારતીય ટેક જગતમાં ભારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

(5:25 PM IST)