<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

મહારાષ્ટ્ર TET પેપર લીક કાંડમાં મોટો ધડાકો: બિહારથી મુખ્ય સૂત્રધાર બિજેન્દ્ર ગુપ્તા ઝડપાયો, ૩૦ જુલાઈ સુધી પોલીસ કસ્ટડી!

આગ્રાની પ્રિન્ટિંગ પ્રેસમાંથી સેટિંગ કરી ₹૧૬ લાખમાં લીક કરાયું હતું પ્રશ્નપત્ર: નકલી આઈડીથી સિમકાર્ડ મેળવનાર આંતરરાજ્ય ગેંગના ૧૪ શખ્સો જેલભેગા

ભીવંડી : મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) ના પેપર લીકના બહુચર્ચિત કૌભાંડમાં ભીવંડી પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ને મોટી સફળતા સાંપડી છે. ભીવંડી પોલીસે આ આંતરરાજ્ય સિન્ડિકેટના મુખ્ય સૂત્રધાર બિજેન્દ્ર કુમાર ગુપ્તા (ઉં.વ. ૪૩) ની તેના સાથીદાર ઇન્દ્રજીત સિંહ ઉર્ફે પીકુ (ઉં.વ. ૩૦) સાથે બિહારના સમસ્તીપુર જિલ્લામાંથી ધરપકડ કરી છે. શનિવારે પટનાથી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા બાદ બંને આરોપીઓને ભીવંડી કોર્ટમાં રજૂ કરવામાં આવતા અદાલતે તેમને ૩૦ જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો છે.

તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કાવતરાનું મુખ્ય કેન્દ્ર ઉત્તર પ્રદેશના આગ્રા ખાતે આવેલી 'માહિમ પત્રમ પ્રિન્ટિંગ પ્રેસ' હતું. જ્યાંથી દેશના વિવિધ રાજ્યોની સ્પર્ધાત્મક પરીક્ષાઓના પ્રશ્નપત્રો છાપવામાં આવતા હતા. સૂત્રધાર બિજેન્દ્ર ગુપ્તાએ પ્રિન્ટિંગ પ્રેસના વર્તમાન અને પૂર્વ કર્મચારીઓ સાથે મેળાપીપણું કરીને સુરક્ષાની ખામીઓનો લાભ લીધો હતો અને પ્રશ્નપત્ર ચોરી છૂપે બહાર કાઢ્યું હતું. આ મામલે અત્યાર સુધીમાં ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ કુલ ૧૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

SIT ની તપાસમાં સામે આવ્યું છે કે ગુપ્તાએ આગ્રાની પ્રેસમાંથી TET નું પેપર મેળવવા માટે તેના સહયોગીઓને રોકડ અને ઓનલાઈન ટ્રાન્સફર દ્વારા રૂ. ૧૬ લાખથી વધુ રકમ ચૂકવી હતી. આ પેપર મહારાષ્ટ્રમાં પરીક્ષાર્થીઓને ઊંચા ભાવે વેચીને કરોડો રૂપિયા કમાવવાનો સિન્ડિકેટનો પ્લાન હતો. કાવતરાને અંજામ આપવા માટે દિલ્હી, હરિયાણા, બિહાર અને યુપીના એજન્ટો સાથે ગુપ્ત બેઠકો પણ યોજવામાં આવી હતી, જેના સીસીટીવી ફૂટેજ અને ડિજિટલ પુરાવા પોલીસને મળી આવ્યા છે.

શાતિર આરોપીઓએ પોલીસ પકડથી બચવા માટે બોગસ ઓળખકાર્ડનો સહારો લીધો હતો. સહ-આરોપી મિથુન સિંહ અને સોનુ સિંહે નકલી આઈડી પ્રોફનો ઉપયોગ કરીને સિમકાર્ડ મેળવ્યા હતા, જેનો ઉપયોગ ગેંગના સભ્યો આપસમાં વાતચીત માટે કરતા હતા. જોકે, પોલીસે સીડીઆર (કોલ ડિટેલ રેકોર્ડ) અને લોકેશન ટ્રેકિંગના આધારે મુખ્ય આરોપી સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. ધરપકડ દરમિયાન આરોપીઓ પાસેથી રૂ. ૧.૫ લાખની રોકડ પણ જપ્ત કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, મુખ્ય સૂત્રધાર બિજેન્દ્ર ગુપ્તા અગાઉ ૨૦૨૨માં પટનાના દાનાપુરમાં અને ૨૦૨૩માં ઓડિશા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા નોંધાયેલા પેપર લીકના કેસોમાં પણ આરોપી રહી ચૂક્યો છે. હાલમાં SIT દ્વારા આ મની ટ્રેઇલ, બેંક ખાતાઓ અને મહારાષ્ટ્રના કેટલા ઉમેદવારો સુધી આ લીક થયેલું સાહિત્ય પહોંચ્યું હતું તેની ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.

(9:25 PM IST)